ચિકમગલુર : કર્ણાટક રાજ્યના 31 જિલ્લા પૈકીનો એક અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 13 19´ ઉ. અ. અને 75 47´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની પૂર્વ દિશાએ તુમકુર, પશ્ચિમ દિશાએ ઉડુપી, ઉત્તર દિશાએ શિમોગા અને દક્ષિણ દિશાએ હસન અને દક્ષિણ કન્નડ જિલ્લાથી ઘેરાયેલો છે.

ભારતના દક્ષિણના ઉચ્ચપ્રદેશ ભાગમાં માલેન્ડુ પ્રદેશના પશ્ચિમ ઘાટની તળેટી વિસ્તારમાં આવેલો છે. સમુદ્રની સપાટીથી તે 1090 મીટર ઊંચાઈ ધરાવે છે.  એટલે કે ઊંચાઈની દૃષ્ટિએ કર્ણાટક રાજ્યમાં તે ત્રીજા ક્રમે આવે છે. આ જિલ્લામાંથી દક્ષિણથી પૂર્વ દિશાએ વહેતી યાગાચી નદી જે આગળ જતાં હેમાવતી નદીને મળે છે.

આ જિલ્લો ઉષ્ણકટિબંધમાં આવેલો છે પણ ઉચ્ચપ્રદેશને કારણે તાપમાન સામાન્ય રહે છે. શિયાળામાં લઘુતમ તાપમાન 11 સે. થી 20 સે. જ્યારે ઉનાળાનું મહત્તમ તાપમાન 25 સે. થી 32 સે. રહે છે. વાર્ષિક વરસાદ 1,590 મિમી. પ્રાપ્ત થાય છે.

અર્થતંત્ર : અહીંનાં જંગલોમાં સૂકાં પાનખર જંગલોનો સમાવેશ થાય છે. આ જંગલોમાં સાગ, સાલ, રોઝવુડ, ખેર, ટીમરું અને બાવળનાં વૃક્ષો જોવા મળે છે.

અહીંની જમીન લાલ અને ફળદ્રૂપ છે. રાગી, જુવાર, કપાસ, તેલીબિયાં, કૉફી, ફળો અને શાકભાજીની ખેતી થાય છે. અહીં આવેલી બાબા બુદાઈનગિરિમાં સૌપ્રથમ કૉફીની ખેતી કરવામાં આવી હતી જે સમગ્ર ભારતમાં પ્રચલિત થઈ હતી.

પરિવહનનાં સાધનોમાં રેલવે અને પાકા રસ્તાનો સમાવેશ થાય છે. જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ – 173 પસાર થાય છે. પાકા રસ્તાઓ સાથે ચિકમગલુર મૅંગ્લોર, મૈસૂર વગેરે શહેરો સાથે સંકળાયેલ છે. આ જિલ્લામાં ચિકમગલુર અને કાદુર રેલવેસ્ટેશન આવેલાં છે. બૅંગાલુરુ તુમકુર – ચિત્રદુર્ગ-બ્રૉડગેજ રેલવેમાર્ગ ચિકમગલુર પાસેથી પસાર થાય છે. નજીકનું હવાઈ મથક મૅંગ્લોર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. અહીં કર્ણાટક રાજ્યની બસોની સગવડ ઉપલબ્ધ છે, જે આંતરરાજ્ય પડોશી રાજ્યો સાથેનાં મહત્ત્વનાં શહેરો જેવાં કે તુમકુર, ચિત્રદુર્ગ, શિમોગા વગેરેને સાંકળે છે.

પ્રાચીન ભૂસ્તરીય કાળના ખડકો આવેલા હોવાથી આ ખડકોમાંથી મૅંગેનીઝ, ક્રોમાઇટ, ગ્રૅનાઇટ જેવી ખનીજો મળે છે. આ સિવાય કુન્દ્રેમુખમની લોખંડની ખાણો આવેલી છે. અહીંથી લોહઅયસ્કની નિકાસ પણ થાય છે.

આ જિલ્લામાં ભાદ્રાબંધ, આયાનકેરી સરોવર, કુન્દ્રેમુખમ રાષ્ટ્રીય ઉદ્યાન, ભાદ્રા, અભયારણ્ય અને નાનાં હિલસ્ટેશનો તેમજ હોરાનાડુ (Horanadu) અને શ્રીનગેરી (Shringeri) ધાર્મિક સ્થળોની પ્રવાસીઓ મુલાકાત લે છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 7,210 ચો. કિમી. જ્યારે 2011 મુજબ વસ્તી 11,37,753 છે. શહેર વિસ્તાર 32.74 ચો. કિમી. જ્યારે શહેરની વસ્તી 2011 મુજબ 1,18,401 છે. શહેરમાં સાક્ષરતાનું પ્રમાણ 83% છે. અહીંની મુખ્ય ભાષા કન્નડ છે. અહીં પછાત જાતિ અને આદિવાસીઓની વસ્તી અનુક્રમે 16,423 અને 1,734 છે. આ શહેરને કૉફીની ભૂમિ કહે છે. આ જિલ્લાનું પાટનગર ચિકમગલુર છે. 1978 – 1980 સુધી તે ઇંદિરા ગાંધીનું ચૂંટણીક્ષેત્ર હતું.

નીતિન કોઠારી

 

 

 

કર્ણાટક રાજ્યના 30 જિલ્લા પૈકીનો એક અને જિલ્લામથક. આ જિલ્લાની પૂર્વ દિશાએ તુમકુર, પશ્ચિમ દિશાએ ઉડુપી, ઉત્તરમાં શિમોગા અને દક્ષિણે હસન અને દક્ષિણ કન્નડ જિલ્લા છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ 7201 ચોકિમી. છે.

સમગ્ર જિલ્લો દક્ષિણ ઉચ્ચપ્રદેશનો ભાગ છે અને પ્રાચીન ભૂસ્તરીય કાળના ખડકો ધરાવે છે. તેની સરાસરી ઊંચાઈ 1000 મી. જેટલી છે. જૂના ખડકોમાંથી લોખંડ, મૅંગેનીઝ, ક્રૉમાઇટ જેવાં ખનિજો તેમજ ગ્રૅનાઇટ વગેરે મળે છે.

આ જિલ્લો 13° 19’ ઉ. અ. અને 75° 47’ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આમ આ જિલ્લો ઉષ્ણ કટિબંધમાં આવ્યો છે પણ ઉચ્ચપ્રદેશને કારણે ઉનાળો આકરો નથી. સરાસરી ગુરુતમ અને લઘુતમ તાપમાન ચિત્રદુર્ગ પ્રમાણે 28.7° અને 20° સે. છે. આ જિલ્લો વર્ષા છાયામાં આવેલો છે. તેથી અહીં 700 મિમી. આસપાસ વરસાદ પડે છે. સૂકાં પાનખર વૃક્ષો તથા બાવળ મુખ્ય વનસ્પતિ છે.

આ જિલ્લામાં કુન્દ્રેમુખની લોખંડની ખાણ આવેલી છે. કાચા લોખંડની પેલેટ બનાવીને ઈરાન અને પૂર્વ યુરોપના દેશોમાં મેંગલોર અને કુંડુપુર બંદરો મારફત તેની નિકાસ થાય છે.

જમીન લાલ અને ફળદ્રુપ છે. રાગી, જુવાર અને કપાસ તથા તેલીબિયાં મુખ્ય પાક છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે.

2011માં આ જિલ્લાની વસ્તી 11,37,753 હતી. રાજ્યની કુલ વસ્તીના 4.4% જેટલી તે છે. મોટા ભાગના લોકો ગ્રામવિસ્તારમાં વસે છે. રસ્તા દ્વારા તુમકુર, ચિત્રદુર્ગ, શિમોગા વગેરે સાથે તે જોડાયેલું છે જ્યારે બૅંગાલુરુ-તુમકુર-ચિત્રદુર્ગ મીટર ગેજ રેલવે ચિકમગલુર નજીકથી પસાર થાય છે.

શિવપ્રસાદ રાજગોર