ચિંતાશામકો (tranquillizers, anti-anxiety drugs)

January, 2012

ચિંતાશામકો (tranquillizers, anti-anxiety drugs) : મનોવિકારી ચિંતા (anxiety) શમાવતી દવાઓ. મનોવિકારી ચિંતા અને ખિન્નતા(depression)ના વિકારમાં ક્યારેક નિદાન અને દવાઓની વિભિન્નતા સ્પષ્ટ થયેલી નથી હોતી તેથી ક્યારેક ખિન્નતા-નિવારક (anti-depressant) દવાઓ પણ ચિંતાને દબાવવા માટે વપરાય છે. આ ઉપરાંત પ્રોપેનોલોલ અને બુસ્પીરોન નામની બે જુદાં જ જૂથની દવાઓ પણ ચિંતાશમન માટે વપરાય છે. ચિંતાશમન માટે વપરાતી પ્રોપેનોલોલ અને ડાયાઝેપામ ક્યારેક ખિન્નતા લાવે છે. આમ ખિન્નતા અને મનોવિકારી ચિંતાની દવાઓ વડે કરાતી સારવારમાં થોડીક અસ્પષ્ટતાઓ રહેલી છે.

મુખ્ય ચિંતાશામક દવાઓ સારણી 1માં દર્શાવેલી છે. તેમાં છેલ્લા બે દાયકાથી બેન્ઝોડાયાઝેપિન જૂથની દવાઓ પ્રમાણિત (standard) દવાઓ તરીકે વપરાતી રહી છે. અગાઉના સમયમાં બાર્બીચ્યુરેટ જૂથની દવાઓ તથા મેપ્રોબેમેટ વપરાતી હતી.

સારણી 1 : મુખ્ય ચિંતાશામક દવાઓ

જૂથ અને દવાઓ

*માત્રા(dose)નો

ગાળો

(મિગ્રા./દિવસ)

ક. ઘેનકારી (sedative) અને નિદ્રાપ્રેરક

(hypnotic) દવાઓ

(અ) બેન્ઝોડાયાઝેપિન જૂથ

(લાંબી અસરવાળી દવાઓ)

1. ડાયાઝેપામ

5-40

2. ક્લોરઝેમેટ

15-60

3. હેલેઝેપામ

60-160

4. પ્રેઝાપામ

20-60

5. ક્લોરડાયાઝેપોક્સાઇડ

15-75

6. ક્લોનાઝેપામ

1-4

(આ) બેન્ઝોડાયાઝેપિન જૂથ

(ટૂંકી અસરવાળી દવાઓ)

1. લોરાઝેપામ

1-6

2. ઑક્ઝાઝેપામ

45-120

3. આલ્પ્રાઝોલામ

1-4

(ઇ) બિન-બેન્ઝોડાયાઝેપિન જૂથ
1. મેપ્રોબેમેટ

600-1600

2. ફિનોબાર્બીટાલ

30-120

3. એમોબાર્બીટાલ

45-150

4. બ્યુટાબાર્બીટાલ

45-90

ખ. બિનઘેનકારી દવાઓ
1. બુસ્પિરોન

10-40

2. હાઇડ્રોક્સિઝાઇન

75-400

3. ક્લોનિડિન

0.2-0.8

4. પ્રોપ્રેનેલોલ

40-160

5. પ્રોક્લોરપરેઝીન

25-75

* કેટલાક દર્દીઓને આથી ઓછી કે વધુ માત્રાની જરૂર પડે છે.

પરંતુ ક્લોરડાયાઝેમોક્સાઇડ અને ડાયાઝેપામના આગમન પછી અગાઉનાં બંને જૂથની દવાઓનો ઉપયોગ ઘટ્યો છે. તેનાં મુખ્ય કારણોમાં બેન્ઝોડાયાઝેપિન જૂથની દવાઓની વધુ માત્રામાં પણ ઘણી ઓછી આડઅસરો, વ્યસન લાગી જવાની ઘણી ઓછી શક્યતા તથા શારીરિક પરાધીનતા(physical dependence)નો અભાવ છે. બેન્ઝોડાયાઝેપિન જૂથની દવાઓ રાત્રે ઊંઘ આવવા માટેની (નિદ્રાપ્રેરક) દવા તરીકે વપરાય છે. ખરેખર તો કોઈ પણ નિદ્રાપ્રેરક દવા તેના ત્રીજા કે અડધા ભાગની માત્રામાં ચિંતાશામક તરીકે ઉપયોગી રહે છે.

બેન્ઝોડાયાઝેપિન જૂથ : આ જૂથની દવાઓમાં ફક્ત તેમના ઔષધ ગતિકીય (pharmacokinetic) ગુણધર્મોમાં તફાવત છે. ડાયાઝેપામને મુખમાર્ગે લેવામાં આવે તો તે ઝડપથી જઠરમાંથી લોહીમાં પ્રવેશે છે અને તેથી 15થી 20 મિનિટમાં તેની અસર જોવા મળે છે. તે મેદદ્રાવ્ય છે અને તેથી તેનું લોહીમાંનું પ્રમાણ ઝડપથી ઘટે છે અને તેથી તે 1થી 2 કલાક માટે જ ઘેન કરે છે. લોરાઝેપામનું અવશોષણ ધીમું હોય છે અને તે ઓછી મેદદ્રાવ્ય હોવાથી તેની અસર ધીમેથી શરૂ થાય છે અને તે 3થી 4 કલાક સુધી રહે છે. ડાયાઝેપામનો અર્ધક્રિયાકાળ (half life) લાંબો હોય છે તેનો એક ચયાપચયી શેષ (metabolite) ડેસ-મિથાયલ-ડાયાઝેપામનો અર્ધક્રિયાકાળ 30થી 60 કલાકનો હોય છે. આ ચયાપચયી શેષ પણ એક ચિંતાશામક છે. ક્લોરઝેમેટ અને પ્રેઝાપામની ચયાપચયી શેષ રૂપે પણ ડેસ-મિથાયલ-ડાયાઝેપામ ઉત્પન્ન થાય છે. લોરાઝેપામ, ઑક્ઝાઝેપામ, આલ્પ્રાઝોલામનો અર્ધક્રિયાકાળ 10થી 12 કલાક જેટલો લાંબો હોય છે. તેમની ચયાપચયી શેષ ચિંતાશામક તરીકે કાર્યશીલ નથી. જેમની ચયાપચયી શેષ કાર્યશીલ નથી તેવી દવાઓને બંધ કરવામાં આવે તો રિક્તતાનાં લક્ષણો (withdrawal symptom) ઉત્પન્ન થાય છે. ડાયાઝેપામથી ક્યારેક વ્યસનાસક્તિ (બંધાણ, addiction) થાય છે. જોકે તે બાર્બીચ્યુરેટ અને મેથાક્વૉલોન કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉત્સાહપ્રેરક (euphorogenic) હોય છે. જેઓ 3 મહિના કે વધુ સમય સુધી બેન્ઝોડાયાઝેપિન જૂથની દવા લે તેમને શરીરની ઔષધ-પરાધીનતા થાય છે અને તેથી જો દવા બંધ કરવામાં આવે તો તેમનામાં ચિંતા, ઉશ્કેરાટ, અનિદ્રા તથા પ્રકાશ અને અવાજ પ્રત્યે અસહ્યતા જેવાં રિક્તતાનાં લક્ષણો જોવા મળે છે.

બેન્ઝોમાઝેપિન જૂથની ચિંતાશમનની ક્રિયા થોડાક જ દિવસમાં જોવા મળે છે અને ત્યારે વધુ પડતી ઊંઘ એકમાત્ર આડઅસર થાય છે. સામાન્ય રીતે થોડાં અઠવાડિયાં માટે દવા અપાય છે અને ત્યારબાદ ઘટાડીને બંધ કરાય છે. લાંબા ગાળાની મનોવિકારી ચિંતાના બહુ જ થોડા દર્દીઓમાં તે લાંબા સમય સુધી અપાય છે. આવા સમયે અન્ય પ્રકારના મનોવૈજ્ઞાનિક ઉપચારો પણ કરાય છે. ખૂબ લાંબા સમય સુધી દવા લેતા અમુક દર્દીઓમાં શરીરની ઔષધ-પરાધીનતા અને મનોવિકાર ઉદભવે છે અને તેઓમાં તેને ધીમે ધીમે ઘટાડીને 4થી 6 અઠવાડિયાંમાં બંધ કરવાથી દર્દીને વધુ સારું લાગે છે. તેથી બેન્ઝોડાયાઝેપિન જૂથની દવાઓ ‘જરૂર પડે ત્યારે’ના ધોરણે અપાય છે. બેન્ઝોડાયાઝેપિનની દવાઓ દારૂની અસરને વધારે છે અને ક્યારેક શરૂઆતના ગાળામાં વાહન કે યંત્રો ચલાવવામાં તકલીફ કરે છે તે માટે દર્દીને અગાઉથી ચેતવવામાં આવે છે.

અન્ય ઔષધો : બેન્ઝોડાયાઝેપિન જૂથની દવાથી જે દર્દીઓ ઉશ્કેરાટ અનુભવતા હોય તેમને માટે મેપ્રોબેમેટ ઉપયોગી દવા છે. બાર્બીચ્યુરેટ દવાઓ બીજી દવાઓના યકૃત(liver)માંના વિઘટનને ઝડપી કરે છે તથા તેનાથી ઊંઘ પણ વધુ આવે છે. જો બેન્ઝોડાયાઝેપિન જૂથની દવાઓના લાંબા સમયના ઉપયોગને કારણે અજંપો (irritability), આવેગશીલતા (impulsiveness) અને અસામાજિક વર્તન થતું હોય તો બાર્બીચ્યુરેટ ઉપયોગી રહે છે. આલ્પ્રાઝોલામ વિવિધ રીતે ઉપયોગી છે. તે ચિંતાશામક છે, મંદ (mild) ખિન્નતાને દૂર કરે છે અને મનોવિકારી ભયને કારણે પરિસ્થિતિથી દૂર રહેવાની વૃત્તિવાળા વિકાર(agarophobia)ને ઘટાડે છે. જોકે ક્યારેક શારીરિક પરાધીનતા અને દવાની અસરના સમયગાળામાં જ થતી અતિક્રમક (break through) ચિંતા જોવા મળે છે. આવા સમયે લાંબા ગાળા સુધી અસર કરતી દવા ક્લોનાઝેપામ આપવાનું સૂચવાય છે. પ્રોપેનોલોલ ધ્રુજારી અને હૃદયના ધબકારા ઘટાડે છે. તે ઉશ્કેરાટજન્ય સ્નાયુના વિકારોને પણ ઘટાડે છે. દમ, ઇન્સ્યુલિનઆધારિત મધુપ્રમેહ અને રેયનોલ્ડના સંલક્ષણના દર્દીઓમાં પ્રોપેનોલોલ અપાતી નથી. પ્રોપેનોલોલની માફક ક્લોનિડિન પણ લોહીનું દબાણ ઘટાડે છે. તે ઘેન લાવે છે, મોં સૂકવે છે અને ક્યારેક ખિન્નતા લાવે છે. માટે ક્લોનિડિનનો ઉપયોગ વ્યાપકપણે થતો નથી.

બુસ્પિરોન એક જુદા જ જૂથની દવા છે. તે ઘેન લાવતી નથી તથા મનશ્ર્ચાલક (psychomotor) ક્રિયાઓ ધરાવતી નથી. વળી તેને કારણે વ્યસન થતું નથી. તેને બંધ કરવાથી રિક્તતાનાં લક્ષણો પણ ઉદભવતાં નથી. તે કોઈ પણ પ્રકારની શારીરિક પરાધીનતા લાવતી નથી. તેને લીધે ક્યારેક માથું ખાલી ખાલી લાગે, અને ક્યારેક પેટમાં તકલીફ થાય છે. સામાન્ય રીતે તે વ્યસનશીલ વ્યક્તિમાં પ્રાથમિક ઔષધ રૂપે વપરાય છે. તે ક્યારેક મોનો-એમાઇન ઑક્સિડે ઇન્હિબિટર જૂથની દવાઓ સાથે આંતરક્રિયા કરીને વિકાર સર્જે છે. પ્રોક્લોરપરેઝીન ચક્કર, ઊબકા અને ઊલટી રોકતી દવા છે. તે પણ ચિંતાશામક દવા તરીકે ઉપયોગી છે.

શિલીન નં. શુક્લ

મૃગેશ વૈષ્ણવ