ચાવલા, કલ્પના (જ. 17 માર્ચ 1962, કર્નાલ; અ. 1 ફેબ્રુઆરી 2003, અંતરિક્ષ) : ભારતીય-અમેરિકન અવકાશયાત્રી અને સ્પેસ-શટલ મિશનનાં વિશેષજ્ઞ. સ્પેસ-શટલ કોલંબિયાની વિનાશક આફત દરમિયાન માર્યા ગયેલાં સાત સંચાલક સભ્યોમાંનાં એક.

કર્નાલ(હરિયાણા)ની શાળા ટાગોર પબ્લિક સ્કૂલમાં શિક્ષણ લીધું. 1982માં ચંડીગઢની પંજાબ એન્જિનિયરિંગ કૉલેજમાંથી ઍરૉનૉટિકલ ઇજનેરીનું શિક્ષણ લઈ બી.એસસી.ની ઉપાધિ મેળવી. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસાર્થે યુ.એસ. ગયાં. ત્યાં 1984માં અર્લિન્ગટન ખાતે આવેલી યુનિવર્સિટી ઑવ્ ટૅક્સાસમાંથી ઍરોસ્પેસ ઇજનેરીમાં તેમણે માસ્ટર ઑવ્ સાયન્સ(એમ.એસ.)ની ઉપાધિ મેળવી. 1986 અને 1988માં યુનિવર્સિટી ઑવ્ કૉલોરાડો(બોલ્ડર)માંથી બીજી વખત ઍરોસ્પેસ ઇજનેરીમાં અનુક્રમે એમ.એસ. અને પીએચ.ડી.ની ઉપાધિઓ મેળવી.  ત્યારબાદ નાસામાં સંશોધનકાર્ય શરૂ કર્યું. તેઓ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકેનું પ્રમાણપત્ર ધરાવતાં હતાં. આથી તે એક અથવા વધુ એન્જિન ધરાવતાં ઍરોપ્લેનો, સમુદ્રપ્લેનો અને ગ્લાઇડર ઉડાડવાનો પરવાનો ધરાવતાં હતાં. તેમણે ઉડ્ડયન-ઉસ્તાદ (flying instructor)  અને ઉડ્ડયન-લેખક જીન પિયેર હેરિસન (Jean-Pierre Harrison) સાથે 1983માં લગ્ન કર્યું અને 1999માં યુ.એસ.એ.નાં નાગરિક બન્યાં.

કલ્પના ચાવલા

1995માં કલ્પના નાસાના અવકાશયાત્રીઓની ટુકડીમાં જોડાયાં. 19 નવેમ્બર 1997ના રોજ કલ્પનાનું પ્રથમ અવકાશ-ઉડ્ડયન થયું. સ્પેસ-શટલ કોલંબિયા ફ્લાઇટ STS-87ના છ સંચાલક સભ્યોમાંનાં તેઓ એક હતાં. એક સમયે કલ્પના પ્રથમ ભારતીય મહિલા હતાં, જેમણે અંતરિક્ષમાં ઉડ્ડયન કર્યું. ભારતીય વ્યક્તિ તરીકે તે બીજાં હતાં, કારણ કે રાકેશ શર્મા 1984માં સોવિયેટ સ્પેસ ક્રાફ્ટમાં ઉડ્ડયન કરનાર પ્રથમ ભારતીય હતા. આ વખતે કલ્પનાએ 252 વખત પૃથ્વીની આસપાસ કક્ષામાં ભ્રમણ કર્યું. તેમાં તેમને 360 કલાક થયા હતા

અને તે દરમિયાન તેમણે આશરે 16.5 મિલિયન કિલોમીટર અંતર ખેડ્યું હતું. આ ઉડ્ડયન દરમિયાન સમારકામની સુંદર કામગીરી બજાવી હતી.

આ પછી તેમને અવકાશયાત્રીની કચેરીમાં સ્થાન મળ્યું. ત્યાં પણ તેમણે પ્રશંસનીય કામગીરી બજાવી.

2000ની સાલમાં તેઓ ફરીથી STS–107ના સંચાલનમાં પસંદગી પામ્યાં. આ મિશન જુદાં જુદાં કારણોસર લંબાયું અને આખરે જુલાઈ, 2002માં કાર્યરત બન્યું. તેઓ કૉલંબિયા મિશનમાં ફરીથી લેવાયાં. તેમને સૂક્ષ્મગુરુત્વ(micro gravity)ના પ્રયોગોની જવાબદારી સોંપાઈ હતી. આ દરમિયાન 80 પ્રયોગો કરવામાં આવ્યા, જેમાં પૃથ્વી અને અવકાશવિજ્ઞાન, પ્રગત ટૅક્નૉલૉજી-વિકાસ તથા અવકાશયાત્રીનાં સ્વાસ્થ્ય અને સલામતીને લગતા પ્રયોગોનો સમાવેશ થાય છે.

16 જાન્યુઆરી 2003ના રોજ જ્યારે અવકાશયાન કોલંબિયા પરત આવી રહ્યું હતું ત્યારે, પૃથ્વીથી થોડીક ઊંચાઈએ તે ધડાકા સાથે સળગી ઊઠ્યું, જેમાં કલ્પના સહિત તમામ અવકાશયાત્રીઓ દિવંગત થયાં.

તેમને ‘કૉન્ગ્રેસનલ સ્પેસ મૅડલ ઑવ્ ઑનર’, ‘નાસા સ્પેસ ફ્લાઇટ મૅડલ’, ‘નાસા ડિસ્ટિન્ગ્વિશ્ડ સર્વિસ મૅડલ’ અને ‘ડિફેન્સ ડિસ્ટિન્ગ્વિશ્ડ સર્વિસ મૅડલ’ (મરણોત્તર ઍવૉર્ડ) અપાયા.

કલ્પના ચાવલાના અવસાન બાદ જે સ્મારકો થયાં તેમાંનાં કેટલાંકની વિગતો નીચે પ્રમાણે છે :

(1) યુનિવર્સિટી ઑવ્ ટૅક્સાસમાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ઍસોસિયેશને (ISA) કલ્પના ચાવલા મેમૉરિયલ શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કર્યો.

(2) લઘુગ્રહ (asteroid) 51826ને કલ્પના ચાવલા નામ આપવામાં આવ્યું.

(3) 5 ફેબ્રુઆરી 2003ના રોજ ભારતના વડાપ્રધાન વાજપેયીએ મોસમવિજ્ઞાનને લગતી શ્રેણીના ઉપગ્રહો METSAT-શ્રેણીને Kalpana-શ્રેણી તરીકે જાહેર કરી. METSAT–1 એ Kalpana-I તરીકે ઓળખાયો અને તે જ રીતે Kalpana-II.

(4) નાસાએ કલ્પનાને સુપર કમ્પ્યૂટર સમર્પિત કર્યું.

(5) હરિયાણા સરકારે જ્યોતિસર(કુરુક્ષેત્ર)માં કલ્પના ચાવલા પ્લૅનેટેરિયમ શરૂ કર્યું.

(6) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(ખડગપુર)એ તેમના માનમાં કલ્પના ચાવલા સ્પેસ-ટૅક્નૉલૉજી સેલ શરૂ કર્યો છે.

આ ઉપરાંત બીજાં ડઝનેક સ્મારકો કલ્પનાની યાદગીરીમાં દેશ-વિદેશમાં ઊભાં કરવામાં આવ્યાં છે.

પ્રહલાદ છ. પટેલ