ચાવડા રાજ્યો (કચ્છ) : આનુશ્રુતિક વૃત્તાંતો અનુસાર ઈ.સ.ની નવમી દશમી સદી દરમિયાન કચ્છના પશ્ચિમ ભાગમાં થયેલાં ચાવડા કુળનાં કેટલાંક રાજ્યો. પાટગઢ(તા. લખપત)માં વીરમ ચાવડો (ઈ.સ.ની નવમી સદીનો પૂર્વાર્ધ) રાજ્ય કરતો હતો. વીરમ ચાવડો ગૂંતરી(તા. નખત્રાણા)ના સાંધ રાજ્યનો ખંડિયો હતો. એણે પોતાની પુત્રી બુદ્ધિ સિંધના સમા રાજા લાખિયાર ભડના પુત્ર લાખા સાથે પરણાવી. વીરમના પુત્ર વાધમ ચાવડાના નામ પરથી પાટગઢ વાધમચાવડાગઢ તરીકે ઓળખાતું. એના સમયમાં એની બહેન બુદ્ધિનો જ્યેષ્ઠ પુત્ર મોડ અને મોડનો સાવકો નાનો ભાઈ મનાઈ પાટગઢ આવ્યા. સમાઓ અને ચાવડાઓ વચ્ચે ઘર્ષણ થતાં મનાઈએ વાધમ ચાવડાનું ખૂન કરાવ્યું. મોડ અને મનાઈએ પાટગઢની ગાદી કબજે કરી.
કનક ચાવડો વીંઝાણ(તા. અબડાસા)માં રાજ્ય કરતો. એણે ભદ્રેશ્વર જીત્યું હોવાનું મનાય છે. એના પૌત્ર ભૂઅડ ચાવડાએ પણ ભદ્રેશ્વર ઉપર ચડાઈ કરી હોવાનું મનાય છે. એનો રાજ્યકાલ વિ.સં. 971 (ઈ.સ. 915)થી વિ.સં.990 (ઈ.સ. 934) ગણાય છે. એના સમયમાં સોલંકીઓએ ભદ્રેશ્વર કબજે કર્યું કહેવાય છે. ભદ્રેશ્વરથી પાછા ફરતાં ભૂઅડ લડતાં લડતાં રૂપારેલના કાંઠે વીરગતિ પામ્યો. એના નામ પરથી ભૂઅડ નામે ગામ વસ્યું. ભૂઅડેશ્વર મંદિર એણે બંધાવ્યું હતું. હાલ ત્યાં એનો પાળિયો અને દેરી છે. કનક ચાવડો ભૂઅડનો પિતામહ હતો. એ નવમી સદીના ઉત્તરાર્ધમાં થયો ગણાય છે.
આ ઉપરાંત ધોલાય સરસાગર(તા. લખપત)માં તથા રાયપુર(તા. માંડવી)માં પણ ચાવડાઓનું રાજ્ય હતું એવી અનુશ્રુતિ છે.
ભારતી શેલત