ચાવડા, નાગરદાસ અર્જુનદાસ

January, 2012

ચાવડા, નાગરદાસ અર્જુનદાસ (જ. 1905, વડોદરા; અ. 15 એપ્રિલ 1965, અમદાવાદ) : દિલરુબાના ઉત્કૃષ્ટ વાદક તથા તે વાદ્યને ભારતમાં એક સ્વતંત્ર વાદ્ય તરીકે પ્રસ્થાપિત કરનાર પ્રજ્ઞાચક્ષુ સંગીતકાર. સૌરાષ્ટ્રના ચૂડા પાસેના ચોકડી ગામના વતની. માતા-પિતા ભજનિક હોવાથી નાનપણથી સંગીતના સંસ્કાર પરિવારમાં અનાયાસે પ્રાપ્ત થયા હતા. માત્ર નવ માસની ઉંમરે આંખો ગુમાવી.

નાગરદાસ અર્જુનદાસ ચાવડા

અગિયાર વર્ષની ઉંમરે મુંબઈ ખાતેની ‘વિક્ટૉરિયા મેમૉરિયલ સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડ’માં વિદ્યાર્થી તરીકે દાખલ થયા. સાથોસાથ દિલરુબા તંતુવાદ્યનું પ્રાથમિક જ્ઞાન પ્રજ્ઞાચક્ષુ શંકરરાવ કેશવ તથા અંધશાળાના શિક્ષક હાજી અહેમદ પાસેથી મેળવ્યું. ટૂંક સમયમાં તે વાદ્ય પર પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યું. 1920ના અરસામાં અમદાવાદ ખાતે સ્થિર થયા. દિલરુબા પર દરરોજ સત્તરથી અઢાર કલાક સુધી તેઓ રિયાઝ કરતા. 1929માં પંડિત ઓંકારનાથ ઠાકુર સાથે અમદાવાદ ખાતે સંગત કરી અને તે દ્વારા જાહેર કાર્યક્રમોના શ્રીગણેશ કર્યા. ત્યારબાદ ભારતભરના અગ્રણી સંગીતક્ષેત્રના દિગ્ગજો સાથે સંગત કરી અને લોકપ્રિયતા હાંસલ કરી. આ અગ્રણી સંગીતકારોમાં દિ. વિ. પલુસ્કર, રાજાભૈયા પૂંછવાલે, શ્રીકૃષ્ણ નારાયણ રાતંજનકર, માસ્ટર વસંત, નિસારહુસેનખાં, રજબઅલીખાં, સિદ્ધેશ્વરી દેવી, વિનાયકરાવ પટવર્ધન, પંડિત કૃષ્ણરાવ શંકર પંડિત, નજાકતઅલી સલામતઅલી, પંડિત મણિરામજી, ઉસ્તાદ ફૈયાઝખાં સાહેબ તથા બડે ગુલામઅલીખાં સાહેબનો સમાવેશ થાય છે. ભારત સરકારના આમંત્રણને માન આપી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં, કોલકાતા ખાતે આયોજિત અખિલ ભારતીય સંગીત-સંમેલનમાં તથા ભારતભરનાં ઘણાં મોટાં શહેરોમાં દિલરુબા-વાદનના જાહેર કાર્યક્રમો તેમણે આપ્યા હતા. 1955માં તેઓ આકાશવાણી, અમદાવાદ ખાતે સ્ટાફ-આર્ટિસ્ટ તરીકે જોડાયા હતા (1955–65).

દિલરુબા જેવા તંતુવાદ્યમાં પણ તેમણે પંડિત ઓંકારનાથ ઠાકુરની ગાયકી, બડે ગુલામઅલીખાં સાહેબની ઠૂમરી, સિતારના ઝાલા તથા હાર્મોનિયમમાં એક વધારાના સૂરની ગોઠવણ કરી તે વગાડવાનું કૌશલ્ય દાખવ્યું હતું. તેઓ દિલરુબા પર ગાયકી અને ગત બંને પદ્ધતિઓ દ્વારા પ્રચલિત તથા અપ્રચલિત રાગો સહજ રીતે વગાડવાની કુશળતા ધરાવતા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે