ચાવડા, કિશનસિંહ ગોવિંદસિંહ

January, 2012

ચાવડા, કિશનસિંહ ગોવિંદસિંહ (જ. 17 નવેમ્બર 1904, વડોદરા; અ. 1 ડિસેમ્બર 1979, વડોદરા) : ગુજરાતી સાહિત્યકાર. જ્ઞાતિએ ક્ષત્રિય રાજપૂત. મૂળ વતન સૂરત જિલ્લામાં સચિન પાસેનું ભાંજ ગામ. શાળાનું શિક્ષણ વડોદરામાં; ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક; થોડોક સમય શાંતિનિકેતનમાં શિક્ષણ. આરંભમાં મુંબઈમાં ફેલોશિપ હાઈસ્કૂલમાં શિક્ષક. 1927–28માં પોંડિચરી આશ્રમમાં નિવાસ. 1948માં અમેરિકામાં પીટર્સબર્ગ કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં પ્રિન્ટિંગ પ્લાન્ટ મૅનેજમેન્ટનો છ માસનો કોર્સ કર્યો. વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’(ચેતના પ્રેસ)નો આરંભ કર્યો, જે પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને સુપરત કર્યું. ‘ક્ષત્રિય’ માસિકના તંત્રી, ‘નવગુજરાત’ના સહતંત્રી; અનેક આધ્યાત્મિક સંસ્થાઓ સાથે ગાઢ સંપર્કમાં. નર્મદ સુવર્ણ ચંદ્રક એમને 1955માં એનાયત થયેલો. 1960થી અલમોડા પાસે મીરતોલા આશ્રમમાં નિવાસ. વડોદરામાં અરવિંદ વ્યાખ્યાનમાળાના આશ્રયે પ્રવચન આપતાં આપતાં જ મૃત્યુને મંગલમય બનાવ્યું.

કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા

‘અમાસના તારા’ (1953)માં ‘જિપ્સી’ ઉપનામથી એમણે મર્મસ્પર્શી સ્મૃતિચિત્રો અને રેખાચિત્રો આપ્યાં છે. જીવનમાંગલ્યની ભૂમિકા પર રહી તેમણે ઉપસાવેલાં ભાવસભર ચરિત્રોમાં તેમની રંગદર્શી ચિત્રાત્મક શૈલી ધ્યાનાર્હ બની છે. ‘જિપ્સીની આંખે’(1962)માં આ જ પ્રકારનાં સંસ્મરણો છે. ‘હિમાલયની પત્રયાત્રા’(1964)માં તેમનો હિમાલય પ્રતિનો અધ્યાત્મરંગી ભાવનાપ્રેમ ર્દષ્ટિગોચર થાય છે. વિવિધ મહાનુભાવો સાથેના અંગત અનુભવોને આલેખતી તથા તેમના વિશિષ્ટ વ્યક્તિત્વની મુદ્રાને ઉપસાવતી ચરિત્રરેખાઓ ‘તારામૈત્રક’(1964)માં સંગ્રહસ્થ થઈ છે. ‘સમુદ્રના દ્વીપ’(1968)માં જીવન અને અધ્યાત્મને સ્પર્શતા 24 ગંભીર લેખો છે. ‘અમાસથી પૂનમ ભણી’(1977)માં સાધનાભ્યાસ અને વિવિધ સંતસમાગમને કારણે સત્યશોધને માટે જે જિજ્ઞાસા ઉદ્દીપ્ત થઈ તેનું રસમય આલેખન છે. આ પ્રકારના લેખોમાં તેમના સ્વાનુભવને વ્યક્ત કરતું ગદ્ય વિવિધ રમણીય મુદ્રા ધારણ કરે છે.

તેમણે ‘કુમકુમ’ (1942) અને ‘શર્વરી’ (1956) વાર્તાસંગ્રહો અને સીતાના પાત્રને નવ્ય અર્થઘટનોથી આકર્ષક બનાવતી નવલકથા ‘ધરતીની પુત્રી’ (1955) આપ્યાં છે. વિવેચનક્ષેત્રે ‘હિન્દી સાહિત્યનો ઇતિહાસ’ (1930) અને ‘કબીર સંપ્રદાય’ (1937) તેમના અભ્યાસનિચોડરૂપ ગ્રંથો છે.

તેમણે આપેલા અનુવાદ ગ્રંથોમાં રવીન્દ્રનાથની વાર્તાઓનો અનુવાદ ‘રવિકિરણો’, ‘ધોંડો કેશવ કર્વેનું આત્મચરિત્ર’ (1927), ‘ગરીબની હાય’ (1930), ‘જીવનનાં દર્દ’ (1930), ‘સંસાર’ (1931), ‘અંધાપો યાને ગામડિયો સમાજ’ (1933), ‘કુમુદિની’ (1935), ‘ભૈરવી’ (1935), ‘પ્રેમાશ્રમ’ (ભાગ 1, 2) (1937), ‘સંત કબીર’ (1947), ‘ચિત્રલેખા’ (1957), ‘અનાહત નાદ’ (1960), ‘જ્ઞાનેશ્વરી’-(1979)ને ગણાવી શકાય.

સંપાદનોમાં ‘શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ અભિનંદન ગ્રંથ’ (અન્ય સાથે, 1942), ‘પંચોતેરમે’ (1946), ‘પ્રો. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ’ (અન્ય સાથે, 1969), ‘અરવિંદ ઘોષના પત્રો’, ‘પ્રેમાનંદ સાહિત્ય સભા રજતમહોત્સવ ગ્રંથ વગેરે મહત્ત્વનાં ગણી શકાય.

લવકુમાર દેસાઈ