ચાર્વાક : અનીશ્વરવાદી લોકાયત દર્શનના પ્રસિદ્ધ આચાર્ય. તેમના નામથી લોકાયત દર્શન ચાર્વાક દર્શન પણ કહેવાય છે. લોકાયત દર્શનના આદ્ય સ્થાપક તરીકે પુરાણોમાં બૃહસ્પતિનું નામ મળે છે. બાદરાયણ વ્યાસના વેદાન્ત બ્રહ્મસૂત્રમાં અને અન્ય વેદાન્ત ગ્રંથોમાં બૃહસ્પતિના મતનાં સૂત્રાત્મક વાક્યો ટાંકેલાં મળે છે. સંભવત: આ સૂત્રો લોકાયત દર્શનનાં હોય. મહાભારતના શલ્યપર્વ અને શાંતિપર્વમાં દુર્યોધનના પક્ષપાતી એક ચાર્વાક સંન્યાસીનો ઉલ્લેખ છે. ભારત યુદ્ધમાં દુર્યોધનના મૃત્યુ પછી ચાર્વાકે ધર્મવિરોધી વચનો દ્વારા યુધિષ્ઠિરને ભ્રમમાં નાખી તેમના ધર્મકાર્યમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કરેલો. એ રીતે જોતાં લોકાયત મત કે ચાર્વાક મત વેદાંતસૂત્રકાર બાદરાયણ વ્યાસનીય પહેલાંનો હોવાનું જણાય છે. કેટલાક જૈન ગ્રંથોમાં ચાર્વાક વ્યક્તિ અને તેમના મતનો ઉલ્લેખ મળે છે. તે ઉપરથી સદાશિવ આઠવળેએ તેમના ‘ચાર્વાક – ઇતિહાસ આણિ તત્વજ્ઞાન’ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે અવંતી દેશમાં ક્ષિપ્રા અને ચામલા નદીઓના સંગમ પર આવેલા શંખોદ્ધાર તીર્થમાં યુધિષ્ઠિર સંવત 661 (ઈ.પૂ. 2441)માં પ્રભવ નામના સંવત્સરમાં વૈશાખની પૂર્ણિમાએ મધ્યાહ્ને ચાર્વાકનો જન્મ થયો હતો અને અવસાન યુધિષ્ઠિર સંવત 727(ઈ.પૂ. 2375)માં પુષ્કર તીર્થમાં યજ્ઞગિરિ પર્વત પર થયું હતું. આ કોઈ ઐતિહાસિક વ્યક્તિ લાગે છે. પણ લોકાયતમતના પ્રાચીન આચાર્ય આ નથી કેમ કે આ મત મહાભારતની પણ પહેલાંનો છે. ચાર્વાક વિશેના સ્પષ્ટ ઇતિહાસને અભાવે ચારુ વાણીવાળો તે ચાર્વાક એવી વિશેષણાત્મક વ્યુત્પત્તિ કરવાના પ્રયત્નો થયા છે.

ચાર્વાકો એટલે કે લોકાયતમતાનુયાયીઓને મતે પુનર્જન્મ છે જ નહિ. મૂળમાંથી કાપી નાખેલ વૃક્ષ ફરી ઊગતું નથી તે રીતે મૃત્યુ પછી ભસ્મીભૂત દેહ ફરી જન્મતો નથી. તેથી આ જન્મનાં કર્મો પરજન્મમાં ભોગવવાં, પરલોક સુધારવો, મોક્ષ મેળવવો એ બધી વાતો યથાર્થ નથી. ઇન્દ્રિયપ્રત્યક્ષથી પુનર્જન્મનું જ્ઞાન થતું નથી. અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ વગેરે પ્રમાણો ઇન્દ્રિયગ્રાહ્ય ન હોવાથી તે જ્ઞાનનાં પ્રમાણો ન કહી શકાય. આ સર્વનો સાર લોકાયતિકોની માન્યતા વિશેના એક શ્લોકમાં આવી જાય છે. તે શ્લોક છે :

यावत् जीवेत् सुखं जीवेत् ऋणं कृत्वा घृतं पिबेत् ।

भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुत : ।।

જેટલું જિવાય તેટલું સુખમાં જીવવું, દેવું કરીને પણ ઘી પીવું (ખૂબ ખાવું, એ રીતે દેહ સાચવવો); મરણ પામ્યા પછી બાળી નાખેલા દેહનું ફરી આગમન ક્યાંથી થવાનું ?

જીવીએ ત્યાં સુધી જ વિષયોનું સુખ અનુભવાય છે, ત્યારપછી નહિ.

નટવરલાલ યાજ્ઞિક