ચાર્નોકાઇટ : (1) હાઇપરસ્થીન એક આવશ્યક ખનિજઘટક તરીકે જેમાં હાજર હોય એવો ગ્રૅનાઇટ કે ગૅબ્રો ખડક; (2) હાઇપરસ્થીન સહિતના ક્વાટર્ઝોફેલ્સ્પૅથિક નાઇસ કે ગ્રૅન્યુલાઇટ ખડક માટે વપરાતું નામ; (3) ગાર્નેટ અને પ્લેજિયોક્લેઝવાળા કે વિનાના ક્વાર્ટ્ઝ – ઑર્થોક્લેઝ – હાઇપરસ્થીન ખનિજઘટકોની લાક્ષણિકતા ધરાવતો ગ્રૅન્યુલાઇટ ગ્રૅનાઇટથી નોરાઇટ તેમજ હાઇપરસ્થીન પાઇરૉક્સિનાઇટ સુધીનાં ભિન્ન ભિન્ન બંધારણ ધરાવતી બહોળી ખડકશ્રેણી માટે આ પર્યાય પ્રયોજાય છે.
1892માં જિઑલોજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના એ વખતના ડિરેક્ટર ઑલ્ડહામે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વિશિષ્ટ લક્ષણોવાળો હાઇપરસ્થીન ગ્રૅનાઇટ મળતો હોવાનું જણાવેલું. બીજા જ વર્ષે (1893) સર ટી.એચ. હૉલૅન્ડે ચેન્નાઈ પાસે પલ્લાવરમ્ નજીક આ પ્રકારના ખડકોનો અભ્યાસ કરતાં માલૂમ પડ્યું કે તે ગ્રૅનાઇટથી માંડીને ગૅબ્રો તેમજ પાઇરૉક્સિનાઇટ સુધીનાં ભિન્ન ભિન્ન ખનિજોથી બનેલા ખડકપ્રકારોની શ્રેણી રચે છે. સામાન્ય ગ્રૅનાઇટ કે ગૅબ્રોથી જુદો તરી આવતો હોવાથી તેમણે આ ખડકસમૂહને કોલકાતાના સ્થાપક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારી જૉબ ચાર્નોકના નામ પરથી ‘ચાર્નોકાઇટ’ નામ આપ્યું એટલું જ નહિ, પરંતુ આ ખડક સાથે સંબંધિત પ્રકારભેદોની વિશાળ અને વિશિષ્ટ શ્રેણીને આવરી લેતા ખડકસમૂહ માટે ‘ચાર્નોકાઇટ શ્રેણી’ નામ પણ આપ્યું. કૉલકાતાના સેન્ટ જ્હૉન ચર્ચયાર્ડમાં આવેલી જૉબ ચાર્નોકની કબર ચાર્નોકાઇટ પથ્થરમાંથી બનાવેલી છે.
આ પ્રકારના ખડકો દ્વીપકલ્પીય ભારતના કર્ણાટક, તામિલનાડુ (નીલગિરિ, પાલની, શેવરૉયના ટેકરી-સમૂહો) અને પૂર્વઘાટના વિસ્તારોમાં પથરાયેલા જોવા મળે છે. ચાર્નોકાઇટનાં લક્ષણો ધરાવતા સમકક્ષ ખડકો શ્રીલંકા, મ્યાનમાર, ચીન, રશિયા, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા, માડાગાસ્કર, ટાન્ઝાનિયા, મધ્ય અને દક્ષિણ આફ્રિકા, ઍન્ટાર્ક્ટિકા, આર્ક્ટિક પ્રદેશ, કૅનેડા, યુ.એસ., ગ્રીનલૅન્ડ, સ્કૅન્ડિનેવિયા અને સ્કૉટલૅન્ડમાં પણ મળી આવે છે.
ખનિજ બંધારણની ર્દષ્ટિએ જોતાં તેમાં સાર્વત્રિક રીતે જોવા મળતી રૉમ્બિક પાઇરૉક્સિન(હાઇપરસ્થીન અને ઍન્સ્ટેટાઇટ)ની હાજરી તેમજ ઘેરા રંગના અન્ય લોહ મૅગ્નેશિયમનાં ખનિજોનું વધુ પ્રમાણ તેના વિશિષ્ટ ગુણધર્મો માટેનું આગવું ખનિજીય લક્ષણ બની રહે છે ચાર્નોકાઇટ ખડકપ્રકારોમાં ક્વાર્ટ્ઝ, ભૂરાશ પડતો લીલો ફેલ્સ્પાર (માઇક્રોક્લિન, માઇક્રોપર્થાઇટ, પ્લેજિયોક્લેઝ, ઍન્ટિપર્થાઇટ), હાઇપરસ્થીન, ડાયોપ્સાઇડ, ઍલ્મનડીન, પાયરોપ બંધારણવાળાં ગાર્નેટ, કથ્થાઈ હૉર્નબ્લેન્ડ, બાયોટાઇટ, ઝિરકોન, ઍપેટાઇટ, મૅગ્નેટાઇટ, ઇલ્મેનાઇટ, પાઇરાઇટ અને પાઇહ્રોટાઇટ ખનિજો ઓછાવત્તા પ્રમાણમાં રહેલાં હોય છે. વિશાખાપટનમમાં મળતા ચાર્નોકાઇટમાં મૉનેઝાઇટ પણ છે. આ ખડકોની વિશિષ્ટતા એ પણ છે કે તેમાં રહેલા ખનિજઘટકો તાજા વિઘટનવિહીન અને અન્ય આગંતુક ખનિજ વગરના હોય છે.
આ ખડકો મધ્યમ દાણાદારથી મોટા દાણાદાર, ઘેરા રંગવાળા, સંપૂર્ણ સ્ફટિકમય બેઝિક નાઇસ પ્રકારના છે અને કેટલાંક એવાં વિશિષ્ટ ખડકલક્ષણો અને ખનિજ બંધારણ ધરાવે છે કે તેમને દ્વીપકલ્પીય ભારતના અન્ય આર્કિયન ખડકોથી સહેલાઈથી જુદા પાડી શકાય છે. આ ખડકસમૂહમાં વિવિધ જાતો અને સ્વરૂપો સમાવેશ પામેલ હોવાથી તેમના પેટાપ્રકાર પાડી શકાય છે. તેમ છતાં, તમામ પેટાપ્રકારો અન્યોન્ય સ્પષ્ટ વર્ગસામ્ય દર્શાવે છે. આ સંજોગને કારણે દક્ષિણ ભારતના ચાર્નોકાઇટ ખડકો ભારતીય વિસ્તાર માટે સમખડક પ્રદેશ(petrographic province)નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સર ટી.એચ. હૉલૅન્ડે આ શ્રેણી હેઠળ તામિલનાડુ રાજ્યના જુદા જુદા ભાગોમાં તેમજ દ્વીપકલ્પીય ભારતના અન્ય ભાગોમાં મળી આવતાં સમખડક લક્ષણો ધરાવતી ચાર્નોકાઇટ શ્રેણીમાં સમાવિષ્ટ ખડકપ્રકારોને નીચે મુજબ વિભાજિત કર્યા છે :
પ્રકાર | વિ.ઘ. | સિલિકા ટકાવારી |
ઍસિડિક ચાર્નોકાઇટ | 2.67 | 75 |
મધ્યમ ચાર્નોકાઇટ | 2.77 | 54 |
બેઝિક ચાર્નોકાઇટ | 3.03 | 52 |
અલ્ટ્રામૅફિક ચાર્નોકાઇટ | 3.73 | 47થી 50 |
અલ્ટ્રામૅફિક ચાર્નોકાઇટ પટ્ટા સ્વરૂપે અન્ય પ્રકારોની સાથે સ્થાનીકરણ પામેલા જોવા મળે છે. ઍનોર્થોસાઇટ અને નોરાઇટ જેવા કેટલાક પ્રકારો બંગાળમાં રાણીગંજની નજીક મળી આવે છે.
ચાર્નોકાઇટ શ્રેણીના ખડકોની ઉત્પત્તિ વિશે ભિન્ન ભિન્ન મતો પ્રવર્તે છે અને તેથી તેની ઉત્પત્તિનો વિષય રસપ્રદ છતાં વિવાદાસ્પદ રહ્યો છે. કેટલાક ખડકવિદો તેમને પોપડાના ઊંડાણમાં થયેલી વિકૃતિની પેદાશ તરીકે ઘટાવે છે. રેડનબર્ગના મંતવ્ય મુજબ ભારતના ચાર્નોકાઇટ ખડકો અંત:કૃત આર્કિયન નાઇસ ખડકો નથી; પરંતુ વિકૃત ધારવાડ ખડકો છે. બીજા સંશોધનકારો તેમને અતિવિકૃતિ પામેલા ખડકો કહે છે. એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે ચાર્નોકાઇટમાં જોવા મળતાં ઘણાં લક્ષણો પૃથ્વીના પોપડાની હેઠળ ઘણી ઊંડાઈએ ઊંચા તાપમાને અને દબાણ હેઠળ થયેલી સમદાબઉષ્ણતા વિકૃતિને કારણે ઉદભવેલાં છે. એમ પણ કહેવાય છે કે કેટલાક ચાર્નોકાઇટ વધુ ઊંડાણમાં ઉગ્ર દાબની અસર હેઠળ મૅગ્માના સ્ફટિકીકરણમાંથી ઉદભવેલા છે, તો કેટલાક બેઝિક અગ્નિકૃત ખડકો પરના વધુ પડતા વિકૃતીકરણની પેદાશરૂપ છે. કર્ણાટકમાં મળી આવતા ચાર્નોકાઇટના અભ્યાસ પરથી બી. રામારાવ જણાવે છે કે તે થોડા થોડા પ્રમાણમાં થયેલી પુન: સ્ફટિકીકરણની ક્રિયાને કારણે પુન: બંધારણ પામેલા અગ્નિકૃત અને જળકૃત ઉત્પત્તિવાળા છે. ક્ષેત્રસંબંધો પરથી તેમજ મૅગ્માના સંકેન્દ્રીકરણ અને સ્વભેદનનાં લક્ષણોને લીધે, પ્રાદેશિક ખડકોમાં અંતર્ભેદિત થયેલાં સ્વરૂપો તેમજ અન્ય ખડકો સાથેના સ્પષ્ટ સંસર્ગવિકૃતિ વિભાગોને કારણે ચાર્નોકાઇટ ખડકો અન્ય આર્કિયન ખડકજથ્થાઓમાં અંત:કૃત અંતર્ભેદનો હોવાનું કેટલાક નિષ્ણાતો માને છે. ભૂસ્તરશાસ્ત્રીઓ હવે એવા તારણ પર આવ્યા છે કે ભારતના હાઇપરસ્થીન સહિતના ચાર્નોકાઇટ ખડકો અગ્નિકૃત પ્રકારના છે, જેમનું અગાઉના ગેડીકરણ પામેલા ખડકોમાં સ્થાનીકરણ થયેલું છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે
ગિરીશભાઈ પંડ્યા