ચારુલતા : ‘ભારતરત્ન’ અને ઑસ્કાર એવૉર્ડ વિભૂષિત સત્યજિત રાયનું ચલચિત્ર. 1964માં રજૂઆત પામેલ આ બંગાળી ચલચિત્રને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક, શ્રેષ્ઠ નિર્દેશન માટેનો બર્લિન પુરસ્કાર, શ્રેષ્ઠ ચલચિત્ર તરીકેનો 1965નો અકાપુલ્કોનો પુરસ્કાર અને બર્લિનનો કૅથલિક પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. સત્યજિત રાય રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યથી પ્રભાવિત હતા. તેમણે ‘ઘરે બાહિરે’, ‘ચારુલતા’, ‘તીન કન્યા’ અને ‘દેવી’ જેવાં ચિત્રપટોની પટકથા ટાગોરની નવલકથાઓ પરથી તૈયાર કરી છે. રવીન્દ્રનાથની ‘નષ્ટનીડ’ નવલકથા પરથી ચારુલતાની પટકથા રચવામાં આવી છે.
ચારુલતાનું નિર્માણ આર. ડી. બન્સલ ઍન્ડ કંપનીએ કર્યું હતું. પટકથાલેખન અને સંગીતનિર્દેશન સત્યજિત રાયનાં હતાં. ચારુલતાના કલાકારોમાં સૌમિત્ર ચૅટરજી, માધવી મુખરજી, શૈલેન મુખરજી, શ્યામલ ઘોષાલ, ગીતાલી રૉય, ભોલાનાથ કોયલ, દિલીપ બોઝ, સુકુ મુખરજી, સુબ્રતો સેન, જયદીપ વગેરે હતાં. બંગાળના સુપ્રસિદ્ધ નવલકથાકાર બંકિમચંદ્ર ચૅટરજીના સાહિત્યને પણ આ ચલચિત્રની પટકથામાં ગૂંથી લેવામાં આવેલ છે.
રવીન્દ્રનાથ ટાગોરે ‘નષ્ટનીડ’માં પોતાની ભાભી કાદંબરીદેવીની વાસ્તવિક જીવનકથાને વણી લેવાનો પ્રયત્ન કર્યો હતો. કાદંબરીદેવીએ આત્મહત્યા કરી હતી; તેની પાછળ કદાચ લગ્નેતર સંબંધો કારણભૂત હતા. આ વાસ્તવ ઘટના પરથી ‘નષ્ટનીડ’નું સર્જન થયું અને સત્યજિત રાયે પણ લગ્નેતર સંબંધોની વાતનું કથાબીજ લઈ ‘ચારુલતા’ની પટકથા નિજી શૈલીમાં લખી છે. કથાનકમાં પોતાના આગવા ર્દષ્ટિકોણને સમજાવતાં સત્યજિત રાયે કહ્યું હતું : ‘‘ચારુ અને અમલના સંબંધો લગ્નેતર છે પણ એ બે વચ્ચે વાસનાનો અનુબંધ નથી. બંગાળમાં તો દિયરભાભીની સ્નેહાળ રમતો અને તેની મસ્તી જાણીતી છે.’’ બંનેને પરસ્પરનું આકર્ષણ છે; પરંતુ દેહસંબંધનો ડર છે. ચારુલતા એટલે જ નિર્દોષ અને નિર્મળ પ્રેમની કથા બની રહે છે.
‘ચારુલતા’ એક નિ:સંતાન એકલવાયી નારીની વ્યથાની કથા છે. દૈનિક પત્રનો માલિક ભૂપતિ અને ચારુલતા દંપતી છે. દાંપત્યજીવનનાં સર્વ સુખોની પ્રાપ્તિ છતાં સંતાનસુખથી વંચિત દંપતી વચ્ચે એક અર્દશ્ય ખાઈ રચાતી જાય છે. સાહિત્યરસિક ચારુ પોતાની એકલતા બંકિમચંદ્રના સાહિત્યનું વાચન કરીને ઓછી કરે છે. દિયર અમલ પણ સાહિત્યરસિક છે અને તેથી બંને વચ્ચે સંબંધોનો સેતુ રચાય છે. રાજકારણનો રસિયો પતિ ભૂપતિ અને સાહિત્યશોખીન પત્ની ચારુ વચ્ચેના સંબંધોનો મેળ જામતો નથી, ત્યારે સાહિત્યરસના સમાનધર્મી ચારુ-અમલ વચ્ચેના સંબંધોની ગાંઠ મજબૂત બનતી જાય છે. સમગ્ર કથાના સંઘર્ષનો એક તંતુ અમલની થઈ ગયેલી સગાઈ છે. તેનો પૈસાદાર શ્વશુર તેને ઇંગ્લૅન્ડ મોકલવા ચાહે છે. અમલે આ તક ઝડપી લેવી જોઈએ અને લગ્ન કરી લેવાં જોઈએ તેવું ભૂપતિ માને છે. પરંતુ દેશભાવનાથી રંગાયેલો અમલ લગ્ન કરીને, માદરે વતનને છોડીને ઇંગ્લૅન્ડ જવા માગતો નથી. ભાભીની એકલતાને પણ અસહ્ય બનાવવા માગતો નથી. તે પોતાના પિત્રાઈ ભાઈ ભૂપતિને મદદરૂપ થવા માગે છે. ચિત્રને અંતે અત્યંત કલાત્મક રીતે અને સૂચનાત્મક રીતે ભૂપતિ-ચારુનો વિચ્છેદ આ મહાન કલાનિર્દેશકે દર્શાવ્યો છે.
લગ્નજીવનનો ખાલીપો, દાંપત્યજીવનની અકારી એકલતા, દિયર-ભાભીના નિર્દોષ પવિત્ર અને સ્નેહાળ સંબંધો, પાત્રોનો જીવંત સાહિત્યપ્રેમ અને સમકાલીન સામાજિક બનાવોનાં સત્યજિત રાયે કરેલાં ર્દશ્યાંકનો અત્યંત કલાત્મક અને પ્રભાવક બની રહે છે. ચારુલતાના પાત્રમાં માધવી મુખરજી અને અમલના પાત્રમાં સૌમિત્ર ચૅટરજીએ ઉત્કૃષ્ટ કોટિનો સંયમિત અભિનય આપ્યો છે. સત્યજિત રાયનું સંગીત ‘ચારુલતા’માં શ્રેષ્ઠ કોટિનું રહ્યું છે. રવીન્દ્રનાથ ટાગોરનાં રચેલાં બે ગીતો ‘મામા સિત્તે નીની પ્રિત્યે’ અને ‘ફૂલે ફૂલે….’ ચારુલતામાં મૂકવામાં આવ્યાં છે. બંને ગીતો અત્યંત મધુર બની રહ્યાં છે.
હરીશ રઘુવંશી