ચારોળી : દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Buchanania Lanzan spreng. syn. B. latifolia Roxb. (સં. ચાર, રાજાદન, અજકર્ણ; બં. પિયાલ, આસના, પિયાશાલ; હિં. ચિરૌંજી; મ. ચાર, ચારોળી; ક. મોરાંપ્ય, મોરવે, મોરટી, ચાર્વાલ; તા. કારપ્યારૂક્કુ-પ્યુ; મલા. મુરળ; તે. ચારુપય્યુ, ચારુમામિંડી; ફા. બુકલે ખાજા; અ. હબુસ્સમીના; અં. આલ્મંડેટ ટ્રી, ચેરોંજી) છે. તે સદાહરિત, સીધું, 15 મી. સુધીની ઊંચાઈ ધરાવતા થડવાળું વૃક્ષ છે અને ભારતના મોટા ભાગના પ્રદેશોમાં શુષ્ક પર્ણપાતી જંગલોમાં 1200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે ઉપ-હિમાલયી પ્રદેશમાં 900 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. શ્રીલંકા, બ્રાઝિલ, સિંગાપુર, વેસ્ટ ઇંડિઝ જેવા દેશોમાં, ભારતમાં દક્ષિણની નીલગિરિની ટેકરીઓમાં, મધ્યપ્રદેશના પહાડી વિસ્તારોમાં અને ગુજરાતમાં પંચમહાલનાં જંગલોમાં તે થાય છે. કુમળી શાખાઓ ઘન-રોમિલ (tomentose) હોય છે. છાલ ખરબચડી હોય છે. પર્ણો ચર્મિલ (coriaceous), પહોળાં લંબચોરસ, બુઠ્ઠાં અને તલપ્રદેશેથી ગોળાકાર હોય છે. પુષ્પો નાનાં, લીલાશ પડતાં સફેદ અને કક્ષીય તથા અગ્રીય લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ અષ્ઠિલ (drupe) પ્રકારનાં, અંડાકાર કે ગોળાકાર, કાળાં, 812 મિમી. વ્યાસ ધરાવતાં હોય છે. અંત:ફલાવરણ (endocarp) સખત હોય છે.

આકૃતિ : ચારોળીની (1) પુષ્પિત શાખા, (2) પુષ્પ, (3) દલપુંજરહિત પુષ્પ, (4) બીજાશય, (5) બીજાશયનો ઊભો છેદ, (6) બીજ

આ વૃક્ષ સાલ(Shorea robusta)નાં જંગલોમાં સામાન્ય સહચારી (associate) છે અને અધોછત્ર(lower canopy)માં થાય છે. તે મધ્યમ પ્રકાશાપેક્ષી (light-demander), કેટલેક અંશે શુષ્કતાસંવેદી અને અત્યંત હિમસંવેદી (frost-sensitive) છે. તેના કુદરતી આવાસનું નિરપેક્ષ મહત્તમ છાયા તાપમાન 40°–60° સે. અને નિરપેક્ષ લઘુતમ –1° –13° સે. હોય છે તથા વાર્ષિક વરસાદ 75–215 સેમી. જેટલો થાય છે. તે માટીવાળી અને કંકરિત (laterite) જમીનમાં વિપુલ પ્રમાણમાં થાય છે, પરંતુ જલપ્લાવિત (waterlogged) જમીનમાં ઊગતું નથી. શુષ્ક ટેકરીઓના આવરણ માટે તે ઉપયોગી છે. તે ખુલ્લા શુષ્ક ઢોળાવોને ઝડપથી આવરી લે છે. લાખના કીટકની ‘કુસુમી’ જાત માટે તે યજમાન વનસ્પતિ છે.

આ વૃક્ષનું પુષ્પનિર્માણ જાન્યુઆરી–માર્ચ દરમિયાન અને ફળ પરિપક્વનની ક્રિયા એપ્રિલ-જૂનમાં થાય છે. સૂર્યના તડકામાં જમીન ઉપર પડેલાં બીજની અંકુરણક્ષમતા ઘણી ઓછી હોય છે. જોકે તાજાં બીજની ફળદ્રૂપતા (fertility) આશરે 70 % જેટલી હોય છે. વૃક્ષને બીજ દ્વારા સીધેસીધું ઉછેરી શકાય છે.

કાષ્ઠ અને છાલ ઉપર વિવિધ પ્રકારનાં વેધકો આક્રમણ કરે છે. Lycaenesthes tycaenina lycaenina પુષ્પીય કલિકાઓને કોરી ખાય છે.

બીજની મીંજ (kernal) આનંદદાયી, ઉપામ્લીય (sub-acidic) સુગંધ ધરાવે છે અને કાચી કે ભૂંજીને ખવાય છે. મીઠું માંસ, મીઠાઈઓ, દૂધપાક, બાસૂદી, આઇસક્રીમ, શીરો તથા લાડુ બનાવવામાં અને સોપારીના ચૂરાને સુગંધિત તથા સ્વાદિષ્ટ કરવા બદામની અવેજીમાં તે વપરાય છે. ગુજરાતમાં તેનો મગજના પુષ્ટિકારક (tonic) તરીકે ઉપયોગ થાય છે. મીંજમાંથી બનાવવામાં આવેલો મલમ ખૂજલી મટાડવામાં અને ચહેરા ઉપરથી ડાઘ દૂર કરવામાં ઉપયોગી છે. મીંજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 3 %, પ્રોટીન 19.0 %, લિપિડ 59.1 %, રેસા 3.8 %, કાર્બોદિતો 12.1 % અને ખનિજદ્રવ્ય 3.0 %; કૅલ્શિયમ 279 મિગ્રા., ફૉસ્ફરસ 528 મિગ્રા. (ફાઇટિન ફૉસ્ફરસ 158 મિગ્રા.), લોહ 8.5 મિગ્રા., મૅગ્નેશિયમ 373.0 મિગ્રા., સોડિયમ 10.2 મિગ્રા., પોટૅશિયમ 436 મિગ્રા., તાંબું 0.86 મિગ્રા., સલ્ફર 186.0 મિગ્રા., ક્લોરિન 25.0 મિગ્રા., થાયેમિન 0.69 મિગ્રા., રાઇબૉફ્લેવિન 0.53 મિગ્રા., નાયેસિન 1.5 મિગ્રા., વિટામિન ‘સી’ 5.0 મિગ્રા. અને ઑક્સેલિક ઍસિડ 2.0 મિગ્રા.; ઊર્જા 656 કિ.કૅલરી/100 ગ્રામ.

મીંજમાંથી આછું પીળું, મીઠું અને મંદ આનંદદાયી સુગંધવાળું તેલ (35.4 %–47.2 %) પ્રાપ્ત થાય છે. તેનો સ્થાનિક ઔષધો, સૌંદર્યપ્રસાધન, કેશવર્ધક તેલ વગેરે બનાવવા ઑલિવ અને બદામના તેલની અવેજીમાં ઉપયોગ થાય છે. તેલના ગુણધર્મો આ પ્રમાણે છે : વિ. ગુ.30° 0.9232, વક્રીભવનાંક 1.46, સાબૂકરણ-આંક 193.2, આયોડિન-આંક 62.4 અને ઍસિડ-આંક 32.7. તેલનું ફેટી ઍસિડ બંધારણ આ પ્રમાણે છે : મિરિસ્ટિક 0.14 %, પામિટિક 28.9 %, સ્ટીયરિક 8.1 %, ઑલિક 57.4 % અને લિનોલિક 5.5 %. તેલના સીધેસીધા આંતર-ઍસ્ટરીભવન(inter-asterification)થી ઉત્પન્ન થતી ઊપજનો ગોળીઓની વિલંબિત ક્રિયા (delayed action) માટે આવરક દ્રવ્ય તરીકે ઉપયોગ થાય છે. તેલ પામિટિક અને ઑલિક ઍસિડનો વ્યાપારિક સ્રોત છે. ગળાના ગ્રંથિમય સોજાઓ ઉપર તેલ લગાડવામાં આવે છે.

કાષ્ઠ આછા ભૂખરા રંગથી માંડી ભૂખરું બદામી કે કેટલીક વાર આછા પીળા રંગનું હોય છે. અંત:કાષ્ઠ (heart-wood) ઘેરા બદામી રંગનું અને પ્રથમ વાર ખુલ્લું થતાં ચળકતું હોય છે. તે હલકું (વજન, 577 કિગ્રા./મી³.), મજબૂત, સમ અને સુરેખ-કણિકાયુક્ત અને બરછટ પોતવાળું હોય છે. તેનું સંશોષણ (seasoning) સહેલાઈથી થાય છે. જો ઊધઈથી મુક્ત રાખવામાં આવે તો શુષ્ક કાષ્ઠ સારા એવા પ્રમાણમાં ટકાઉ હોય છે. સાગના ગુણધર્મોના સંદર્ભમાં તેના કાષ્ઠની ટકાવારીમાં તુલનાત્મક ઉપયુક્તતા આ પ્રમાણે છે : વજન 73, પાટડાનું સામર્થ્ય (strength) 50, પાટડાની તરીકે દુર્નમ્યતા (stiffness) 59, સ્તંભ તરીકેની ઉપયુક્તતા 48, આઘાત-અવરોધક ક્ષમતા 49, આકારની જાળવણી 72, અપરરૂપણ (shear) 66, સપાટીની કઠોરતા 35 અને સ્ક્રૂ-ગ્રહણશક્તિ 77. કાષ્ઠનો ઉપયોગ છાપરાને ટેકો આપતા નાના પાટડાઓ અને વળી (rafter) તરીકે, ખનન(mining)માં, બારી-બારણાંનાં અને પલંગ માળખાં, પેટીઓ, ધૂંસરી, સસ્તું રાચરચીલું, દીવાસળીઓ વગેરે બનાવવામાં અને મધ્યમ પ્રકારના બળતણ [ઉષ્મીયમાન (calorifgic value) : રસકાષ્ઠ (sapwood) –4,446 કૅલરી, અંત:કાષ્ઠ –4,612 કૅલરી] તરીકે થાય છે.

થડમાંથી આછા કે ઘેરા રંગનો ગુંદર સ્રવે છે. આ ગુંદર મોટા, સ્વચ્છ અને કાચસમ (vitreous) ગાંગડાઓના સ્વરૂપે હોય છે. તે અંશત: દ્રાવ્ય છે અને વસ્ત્ર (textiles) ઉદ્યોગમાં, અતિસાર (diarrhoea) અને (intercostal) દુખાવામાં ઉપયોગી છે. દૂધમાં ગુંદરને ઓગાળી સંધિવાના દુખાવામાં આપવામાં આવે છે. છાલ શુષ્ક સ્થિતિમાં વિવિધ કદના બહુચ્છિન્ન (channelled) ટુકડાઓ સ્વરૂપે હોય છે. અપશલ્કિત (exfoliated) છાલની નીચે રતાશ પડતી બદામી, લીસી અને રેસામય સપાટી હોય છે. તેનો પાઉડર આછા પીળા રંગથી માંડી બદામી રંગનો અને સહેજ ઉગ્ર વાસવાળો હોય છે. તે ભસ્મ 2.25 % અને ટૅનિન 13.40 %, આલ્કેલૉઇડો, અપચાયી (reducing), શર્કરાઓ અને સેપોનિનો ધરાવે છે. તે કુદરતી વાર્નિશ છે અને ચર્મશોધન(tanning)માં વપરાય છે. તેનાથી કેટલેક અંશે કડક અને ખરબચડા પોતવાળું ઘેરું રતાશ પડતું બદામી ચામડું ઉત્પન્ન થાય છે.

પર્ણો પુષ્ટિકારક અને હૃદ્-બલ્ય (cardiotonic) ગુણધર્મો ધરાવે છે. તેમનો પાઉડર ઈજાઓ કે વ્રણ ઉપર લગાડવામાં આવે છે. તે ભસ્મ 13.14 %, કુલ અશુદ્ધ ટેનિન (ગેલો-ટેનિન 0.35 %) 2.64 %, ટ્રાઇટર્પિનૉઇડો, સેપોનિનો, અપચાયી શર્કરાઓ અને ફ્લેવોનૉઇડો ધરાવે છે. પર્ણોનો ઉપયોગ ગાય, ભેંસ, ઘેટાં અને બકરાંના ચારા તરીકે થાય છે. મધ્ય પ્રદેશના પહાડી આદિવાસીઓ સૂકાં ફળ પીસીને રોટલા બનાવે છે.

આયુર્વેદ અનુસાર, ચારોળીનાં મૂળ તૂરાં હોય છે. તેઓ રક્તરોગ, કફ અને પિત્તનો નાશ કરે છે. ઝાડનો ગર મધુર, વૃષ્ય, સ્નિગ્ધ, શીતળ, મલસ્તંભક, આમવર્ધક, દુર્જર, હૃદ્ય, શુક્રલ અને વાતપિત્તનાશક હોય છે. ચારોળી મધુર, વૃષ્ય, ખાટી, ગુરુ, સારક, મલસ્તંભક, સ્નિગ્ધ, કફકારક, ધાતુવર્ધક, બલકારક, દુર્જર અને પ્રિય હોય છે. તે દાહ, વાત, પિત્ત, તૃષા, તાવ, ક્ષય રોગ, ક્ષતક્ષય અને રક્તદોષ મટાડે છે. ફળના ગોળા વૃષ્ય અને મધુર હોય છે. તે પિત્ત અને દાહ મટાડે છે. ચારોળીનું તેલ જડ, મધુર, ઉષ્ણ અને કફકારક હોય છે. તે વાત અને પિત્તનો નાશ કરે છે. ચારોળીની છાલનો ઉપયોગ રક્તાતિસારમાં થાય છે. શીતપિત્ત ઉપર ચારોળીને દૂધમાં વાટી શરીર પર ચોપડવામાં આવે છે.

Buchanania axillaris syn. B. angustifolia (હિં. પિયાલા; અં. બુકેનાન્સ મૅંગો) દક્ષિણ ભારતનાં શુષ્ક પર્ણપાતી જંગલોમાં થાય છે. તે 6 મી. ઊંચું અને 60–90 સેમી. ઘેરાવો ધરાવતું વૃક્ષ છે. B. lanceolata મધ્યમ કદની વૃક્ષ જાતિ છે અને પશ્ચિમ ઘાટમાં 600 મી.ની ઊંચાઈ સુધી થાય છે. કેરળના ક્વિલોન જિલ્લાના તપોવન(sacred grove)માંથી નષ્ટપ્રાય (endangered) જાતિ તરીકે તે મળી આવી છે.

કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા

બળદેવભાઈ પટેલ