ચારુતર વિદ્યામંડળ

January, 2012

ચારુતર વિદ્યામંડળ : ખેડા જિલ્લાના હાર્દ સમા ચરોતર પ્રદેશમાં કરમસદ, બાકરોલ અને આણંદના ત્રિભેટે આવેલી નિર્જન અને ભેંકાર વગડાની ભૂમિ ઉપર વલ્લભવિદ્યાનગર નામના એક વિરલ વિદ્યાધામનો 1946માં ઉદય થયો. ગ્રામસમાજના પુનરુત્થાન તથા સર્વાંગી વિકાસના સ્વપ્નને સાકાર કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી બાહોશ ઇજનેર ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ (ભાઈકાકા) અને નિષ્ઠાવાન શિક્ષક ભીખાભાઈ કુબેરભાઈ પટેલે ઉચ્ચ શિક્ષણના ઇચ્છુક ગ્રામવિદ્યાર્થીઓ માટે ઘરઆંગણે અભ્યાસની આધુનિક સુવિધાવાળું વિદ્યાકેન્દ્ર સ્થાપવા સેવાસમર્પિત કાર્યકરો અને ઉમંગી ગ્રામજનોના સહકારથી પ્રચંડ પુરુષાર્થ આરંભ્યો. તે માટે 10 ઑગસ્ટ 1945ના રોજ તેમણે ચારુતર વિદ્યામંડળ નામની એક સંસ્થા રજિસ્ટર કરાવી; તેમજ આ નૂતન નગરના નિર્માણકાર્યમાં જોઈતી સાધનસામગ્રીમાં આત્મનિર્ભર બનવા માટે 7 સપ્ટેમ્બર 1945ના રોજ ચરોતર ગ્રામોદ્ધાર સહકારી મંડળ લિ. નામની એક બીજી સંસ્થા રજિસ્ટર કરાવી. 3 માર્ચ 1946ના રોજ, આજે જ્યાં બ્રહ્માજીની મૂર્તિ છે ત્યાં આમ્રવૃક્ષના સ્થળે આવીને આ બે મહાનુભાવોએ વસવાટ કર્યો તેથી આજે પણ પ્રતિવર્ષ 3 માર્ચનો દિવસ નગરના સ્થાપનાદિન તરીકે ઊજવાય છે.

આશરે 142 હેક્ટર જમીન કરમસદના ખેડૂતોએ, 69 હેક્ટર જમીન બાકરોલના ખેડૂતોએ તથા 12 હેક્ટર જમીન આણંદના ખેડૂતોએ એક પાઈ પણ લીધા વિના આ કાર્ય માટે આપી. જમીન મેળવનારાઓએ પણ એમાંથી ત્રણ પંચમાંશ (આશરે 81 હેક્ટર) જેટલી જમીન મકાનોનાં બાંધકામ માટે અનામત રાખી. બાકીની બે પંચમાંશ ભાગની જમીન મૂળ જમીનમાલિકોને વસવાટ યોગ્ય બનાવી આપી તૈયાર પ્લૉટ રૂપે પરત કરી. આમ પ્રબુદ્ધ સ્વાર્થ(enlightened self-interest)ના પ્રયોગને ભારે સફળતા મળી કારણ કે એનાથી લેનાર-દેનાર વચ્ચે ભાગીદારી અને સહકારની ભાવના ર્દઢ બની. એક વખતની નિર્જન ધરતીની ધૂળનું આજે તો સુવર્ણમાં રૂપાંતર થઈ ગયું છે તે એના સ્થાપકોની અણનમ હિંમત, મક્કમ ઇચ્છાશક્તિ અને વ્યવહારોપયોગી આદર્શવાદનું પરિણામ છે.

ચારુતર વિદ્યામંડળની સ્થાપના 1945માં થઈ અને એક જ વર્ષના સમયગાળામાં અહીં વિનયન તેમજ વિજ્ઞાનના અભ્યાસ માટેની સર્વપ્રથમ કૉલેજ વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલય સ્થપાઈ. એ રીતે આ કૉલેજ આ વિદ્યાધામની તમામ શિક્ષણસંસ્થાઓની અગ્રયાયી સંસ્થા રહી છે. વીતેલા સાત દાયકા દરમિયાન અહીં લગભગ તમામ પ્રકારના શિક્ષણની જોગવાઈ થઈ શકી છે. 2011ના વર્ષમાં ચારુતર વિદ્યામંડળ દ્વારા સ્થાપિત અને સંચાલિત વિવિધ વિદ્યાશાખાઓની કૉલેજોની સંખ્યા આ પ્રમાણે હતી : આર્ટ્સની એક કૉલેજ, વિજ્ઞાનની પાંચ કૉલેજો, શિક્ષણની ત્રણ કૉલેજો, એન્જિનિયરીંગ અને ટેક્નૉલૉજીની આઠ કૉલેજો, ફાર્મસીની ત્રણ કૉલેજો, આયુર્વેદની બે કૉલેજો, આર્કિટેક્ચર, ફાઇન આર્ટ્સ, સંગીત અને નૃત્ય તથા શારીરિક શિક્ષણ – એ પ્રત્યેક શાખાની એક એક કૉલેજ. આ કૉલેજોની સાથે બે સંશોધનસંસ્થાઓ અને અગિયાર પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓનું સંચાલન પણ ચારુતર વિદ્યામંડળ દ્વારા કરવામાં આવે છે. વિદ્યામંડળે 2600 જેટલા વિદ્યાર્થી ભાઈઓ અને 740 જેટલી બહેનો માટે છાત્રાલય-સુવિધા ઊભી કરી છે. આ કૅમ્પસ ઉપર અધ્યાપકો અને કર્મચારીઓની કુલ સંખ્યા 1083 થવા જાય છે.

આ વિદ્યાધામની સ્થાપના પછી બરાબર દસ વર્ષે 1955માં સરદાર પટેલ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી. એ રીતે ગ્રામપ્રદેશમાં ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ સ્થાપવાનું તેના આદ્ય સ્થાપકોનું સ્વપ્ન સાકાર થયું. આજે ચાર દાયકા પછી તો આ યુનિવર્સિટી પૂરા સમયના 16 અનુસ્નાતક વિભાગો અને 14 જેટલી સંલગ્ન સંસ્થાઓનું સંચાલન કરે છે. આ યુનિવર્સિટીના પ્રથમ ઉપ-કુલપતિ તરીકે ભાઈકાકાની નિયુક્તિ થઈ હતી.

ચારુતર વિદ્યામંડળની સ્થાપના થઈ ત્યારથી 1959 સુધી ભાઈકાકાએ અને ત્યારબાદ 1993 સુધી બાહોશ સનદી અધિકારી એચ. એમ. પટેલે ચારુતર વિદ્યામંડળના સુકાની તરીકે અવિરત પુરુષાર્થ કરતા રહી ઉચ્ચ શિક્ષણના કેન્દ્ર તરીકે વલ્લભવિદ્યાનગરને દેશવિદેશમાં પણ પ્રતિષ્ઠા અર્પી છે. એ પછી ચારુતર વિદ્યામંડળનું સુકાન કાર્યનિષ્ઠ અને સેવાભાવી સી. એલ. પટેલ સંભાળી રહ્યા છે. વલ્લભવિદ્યાનગરની સમીપમાં જ એક ઔદ્યોગિક વસાહત અને અદ્યતન સુવિધાવાળા વિશાળ હૉસ્પિટલ સંકુલ સાથેની મેડિકલ કૉલેજની સ્થાપના કરીને અનુક્રમે ઉદ્યોગનગર તેમજ આરોગ્યનગરની સ્થાપના કરી છે. આ બધી સંસ્થાઓએ સંખ્યાત્મક તો ખરો જ, ગુણાત્મક વિકાસ પણ સાધ્યો છે. ચારુતર વિદ્યામંડળનો અભિગમ હંમેશાં પારમિતા (excellence) તરફનો રહ્યો છે. એ અર્થમાં ચારુતર વિદ્યામંડળનું સ્વરૂપ એક સામાજિક સેવાસંસ્થાનું રહ્યું છે.

રમેશ મં. ત્રિવેદી