ચારી, ફણિશાઈ શેષાદ્રિ (જ. 11 નવેમ્બર 1955, વલસાડ, દક્ષિણ ગુજરાત) : નાટ્યવિદ અને શ્રેષ્ઠ દિગ્દર્શક. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી તેમણે એમ.પી.એ.(નાટ્ય)ની ડિગ્રી પ્રાપ્ત કરી પછી બૅંકમાં જોડાયા. સંગીતની ટૂંકા ગાળાની તાલીમ લીધા બાદ તેમણે 1987થી 1990 સુધી મ. સ. યુનિવર્સિટીના નાટ્યવિભાગમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવા આપી. તેમને 1995માં માનવ સંસાધન વિકાસ મંત્રાલય, કેન્દ્રીય સરકારના સાંસ્કૃતિક ખાતા તરફથી નાટ્યક્ષેત્રે જુનિયર ફેલોશિપ પ્રદાન કરવામાં આવી.
નાટ્યવિદ્યાના અભ્યાસકાળ દરમિયાન વિભિન્ન શૈલીનાં વિદેશી અને ભારતીય નાટકો – કાર્લ વિટ લિંગટકૃત ‘ડુ યુ નો ધ મિલ્કી વે’, મનોહર કાટદરેકૃત ‘આપણું તો ભઈ, એવું’, સદાશિવ પ્રભુકૃત ‘પ્રપંચ’, વિજય તેંડુલકરકૃત ‘ક્ધયાદાન’, જયવંત દળવીકૃત ‘પુરુષ’ તેમણે પ્રસ્તુત કર્યાં. 1986માં ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત યુથ ફેસ્ટિવલમાં ‘જવનિકા’ના શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે, 1990માં ગુજરાત રાજ્ય એકાંકી સ્પર્ધામાં ભાસકૃત ‘કર્ણભાર’ નાટકની ભજવણી કરી શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ સન્નિવેષ-આયોજક તરીકે તેમણે ઇનામો પ્રાપ્ત કર્યાં હતાં. ગુજરાત રાજ્ય બાળનાટક સ્પર્ધામાં ‘ચંદુલાલની વાર્તા’ નાટક માટે, 1991ની બાળનાટક સ્પર્ધામાં ‘ગગો ગવૈયો બાધો બજૈયો’ નાટક માટે તેમણે શ્રેષ્ઠ દિગ્દર્શકનું ઇનામ પ્રાપ્ત કર્યું હતું.
તેમણે 1992માં મુકુન્દ પરીખકૃત ‘મોક્ષ’ એકાંકી; હસમુખ બારાડી-કૃત ‘રાઈનો દર્પણરાય’; 1993માં વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર, ઉદેપુર દ્વારા આયોજિત નાટ્યલેખન શિબિરમાં ‘હાજરાહજૂર’, ‘ભડલી’ તથા ‘નરવાનર’નું મંચન કરેલું. 1994માં બટુભાઈ ઉમરવાડિયાકૃત ‘માલાદેવી’; સુભાષ શાહકૃત ‘પરખ’; સોફોક્લિસનું વિખ્યાત નાટક ‘ઇલેક્ટ્રા’; અભિજાત જોષીકૃત અંગ્રેજી નાટક ‘એ શાફ્ટ ઑવ્ સનલાઇટ’; 1995માં મનીષા શેલતકૃત ‘ધિંગામસ્તી ધૂમધડાકા ચંદ્રલોકમાં અજબ તમાશા’, 1996માં અશોક પાટાળેકૃત ‘સ્નેહાધીન’ની ભજવણી કરી હતી.
2002માં એન્થની શેફરકૃત ‘સ્લ્યુથ્સ’ (Sleuths), 2004માં લંડન ખાતે વર્ષા અડાલજાની નવલકથા ‘અણસાર’ પર આધારિત દ્વિઅંકી નાટક ‘માણસ આખરે અધૂરાં’ની તેમણે રજૂઆત કરી હતી. યુ.કે.નાં જુદાં જુદાં શહેરોમાં તેના 25 જેટલા પ્રયોગો થયા હતા. આમ તેમણે વિવિધ નાટકોની પ્રસ્તુતિ દ્વારા પ્રયોગાત્મક/વૈકલ્પિક રંગભૂમિના ક્ષેત્રે નાટ્ય-દિગ્દર્શક તરીકે આગવું પ્રદાન કર્યું છે.
1988, 89, 90, 98, 2004 અને 2007માં અમેરિકા અને યુ.કે.નો નાટ્યપ્રવાસ તેમણે ખેડ્યો અને વિવિધ નાટ્યશિબિરોનું સંચાલન તથા નાટકોની ભજવણી કરી. તેમણે નાટ્યવિષયક સેમિનારમાં સંશોધનપત્રો રજૂ કરવા ઉપરાંત 1987માં મુંબઈમાં પ્રકાશ આયોજન તાલીમ શિબિર અને 1995માં દિલ્હી ખાતે નાટ્યદિગ્દર્શન તાલીમ શિબિરમાં તાલીમાર્થી તરીકે તેઓ જોડાયા. તેમને 2006–07ના વર્ષનો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.
શ્રી ચારી હજી પણ પ્રયોગશીલ નાટ્યનિર્માણમાં ગૂંથાયેલા છે. તાજેતરમાં તેમણે લંડનમાં ભારતીય વિદ્યાભવનના નિમંત્રણથી નાટ્યનિર્માણ કર્યું, અને વર્લ્ડ પાટીદાર ઍસોસિયેશન માટે વર્ષા અડાલજાની નવલકથાનું નાટ્યાંતર લંડનમાં પ્રસ્તુત કર્યું હતું.
બળદેવભાઈ કનીજિયા