ચાપેક, કરેલ (જ. 9 જાન્યુઆરી 1890, બોહેમિયા, ચેકોસ્લોવાકિયા; અ. 25 ડિસેમ્બર 1938, પ્રાગ, ચેકોસ્લોવાકિયા) : ચેકોસ્લોવાકિયાના નવલકથાકાર અને નાટ્યકાર. ડૉક્ટર પિતાના આ પુત્રે પૅરિસ, બર્લિન તથા પ્રાગની યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. ચિત્રકાર તથા સ્ટેજ-ડિઝાઇનર બનેલા પોતાના ભાઈ જોસેફ ચાપેક(1887–1945)ના સહયોગમાં તેમણે 1910થી નાટકો લખવાનો આરંભ કર્યો. આ સહલેખનના પરિણામે લખાયેલાં નાટકો પૈકી ‘ધ ઇન્સેક્ટ પ્લે’ (1921) સૌથી જાણીતું બન્યું છે. તેમણે સ્વતંત્ર રીતે લખેલી કૃતિઓમાં ‘આર. યુ. આર.’ (1920) નામક કૃતિ ઉત્તમ ગણાઈ છે. આવું સંક્ષેપાક્ષરી શીર્ષક ધરાવતા નાટકનું પૂરું નામ છે ‘રૉસમ્સ યુનિવર્સલ રોબૉટ્સ’. તે ઇંગ્લૅન્ડમાં સૌપ્રથમ વાર 1923માં ભજવાયું હતું. તેમાં યાંત્રિકીકૃત રોબૉટ એટલે કે યંત્રમાનવીની કલ્પના મૂકેલી છે. ચેક ભાષાના ‘રોબૉટા’ પરથી પ્રયોજાયેલો આ રોબૉટ શબ્દ અંગ્રેજી ભાષામાં નવો ઉમેરાયો અને વિજ્ઞાનકથાના નવા પ્રવાહનો પણ ઉદભવ થયો. આ અત્યંત નામાંકિત કૃતિમાં, રોબૉટમાં માનવસહજ લાગણીઓનો સંચાર થાય છે અને તે વેઠિયા જેવી પોતાની જીવનસ્થિતિ સામે બળવો પોકારી પોતાનું નિયંત્રણ કરનાર માલિકનો એટલે કે માણસનો નાશ કરે છે એવું વસ્તુનિરૂપણ છે. લેખકને વિશ્વવ્યાપી ખ્યાતિ અપાવવામાં આ કૃતિ અગ્રેસર રહી છે. તેમની બીજી નાટ્યકૃતિ ‘ધ મૅક્રોપુલૉઝ અફેર’(1923)માં માણસના દીર્ઘાયુષ્યનું વસ્તુનિરૂપણ છે. અતિવિકસિત ટૅક્નૉલૉજીના દબાણ હેઠળ નિજી નબળાઈઓ નાથવા મથતી માનવજાતનું તેમાં તરંગપ્રધાન અને કટાક્ષપૂર્ણ છતાં સમભાવભર્યું ચિત્રણ છે. જી. બી. શૉના ‘બૅક ટુ મિથૂઝલા’ સાથે આ નાટકનું સામ્ય જોવાયું છે; પરંતુ ચાપેકે આ નાટક લખ્યું ત્યારે શૉનું નાટક તેમણે વાંચ્યું ન હતું; વળી બંને નાટકમાં વણાયેલી નાટ્યકારોની વિચારસરણી પણ એકબીજાથી સાવ જુદી છે. આ નાટક પરથી તૈયાર કરાયેલી ઑપેરા સફળતાપૂર્વક ભજવાઈ હતી. ‘ધ વ્હાઇટ ડિઝીઝ’(1937)માં સત્તાભૂખ્યા માંધાતાઓના કારણે જન્મતી અનિવાર્ય ખાનાખરાબી વિશે વેદના તથા વિષાદ જન્માવતી બોધકથા નાટ્યવિષય બની છે. ‘ધ મધર’ (1938) પણ એવું જ વેધક નાટક છે. આ ઉપરાંત તેમણે ‘ધ મૅન્યુફૅક્ચર ઑવ્ ધ ઍબ્સલ્યૂટ’ (1923) અને ‘વૉર વિથ ધ ન્યૂટ્સ’ (1936) જેવી કાલ્પનિક રામરાજ્ય(utopia)ને લગતી નવલકથાઓ તથા ‘હૉર્ડુબલ’, ‘ધ મીટિયર’ અને ‘ઍન ઑર્ડિનરી લાઇફ’ જેવી વાસ્તવલક્ષી નવલત્રયી, વિવિધ પ્રવાસ-કથાઓ અને ‘લેટર્સ ફ્રૉમ ઇટલી’ (1923); ‘લેટર્સ ફ્રૉમ ઇંગ્લૅન્ડ’ (1924); ‘લેટર્સ ફ્રૉમ સ્પેન’ (1930); ‘લેટર્સ ફ્રૉમ હોલૅન્ડ’ (1932) અને ‘ટ્રાવેલ્સ ઇન ધ નોર્થ’ (1936) જેવા નિબંધસંગ્રહો તથા હેમ્લેટ પોન્ટીઅસ પાયલેટ, ડૉન જુઆન, અલેકઝાન્ડર, એરિસ્ટોટલ, સારાહ અને અબ્રાહમ જેવાં સાહિત્યિક અને ઐતિહાસિક પાત્રો વિશે ‘એપોફ્રિકલ ટેલ્સ’(1932) અને ‘નાઇન ફેરી ટેલ્સ : ઍન્ડ વન મોર થ્રોન ઇન ફોર ગુડ મેઝર’ (1932) જેવા વાર્તાસંગ્રહો આપેલ છે. સામાજિક અને રાજકીય કટાક્ષોથી સભર તેમનાં ધારદાર અને પ્રભાવક લખાણોના કારણે ચાપેકની ગણના એચ. જી. વેલ્સ તથા જ્યૉર્જ ઑરવેલની સાથે કરવામાં આવે છે.

ડેવિડ હર્ટરની પ્રથમ પ્રજાસત્તાક નવલત્રયી ‘ઑન ધ ઑવરગ્રોન પાથ’; ‘ધ લ્યૂમિનસ ડેપ્થ્સ’ તથા ‘વન હુ ડિસએપિયર્ડ’માં ચાપેકનું મુખ્ય પાત્ર રચીને, રોબૉટ નિવાસી ગ્રહને વિજ્ઞાનકથામાં ‘ચાપેક 9’ તથા કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ ભાષાને; કમ્પ્યૂટર ગેમમાં ચાપેકનું નામનિર્દેશન કરી તેમની લોકપ્રિયતામાં વધારો કરવામાં આવ્યો છે.

મહેશ ચોકસી