ચાન્હુ-દડો : સિંધ(પાકિસ્તાન)ના નવાબશાહ જિલ્લામાં સિંધુ નદીને પૂર્વકાંઠે અને મોહેં-જો-દડોની દક્ષિણે 125 કિમી. દૂર આવેલું પુરાતત્ત્વીય સ્થળ. અહીં 1935માં ડૉ. મૅકેની આગેવાની નીચે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ઉત્ખનનમાંથી એક પુરાતન નગરના 5 થર મળી આવ્યા. આમાં સહુથી નીચેના 3 થર હડપ્પીય સભ્યતાનું ઉત્તરકાલીન સ્વરૂપ ધરાવે છે. તેનો સમય ઈ. પૂ. 2300થી ઈ. પૂ. 1500 નિશ્ચિત થયો છે. તેના ઉપર ઝૂકર સંસ્કૃતિનો થર છે. આ સંસ્કૃતિનું સ્વરૂપ ઊતરતી કક્ષાનું છે. આમાં મળતાં મૃત્પાત્રોની કારીગરી સમકાલીન ઈરાન અને કૉકેસસ વિસ્તારમાંથી મળતાં મૃત્પાત્રો સાથે સામ્ય ધરાવતી હોઈ આનો સમય ઈ. પૂ. બીજી સહસ્રાબ્દીનો ઉત્તરાર્ધ નિર્ધારિત થયો છે. એથીયે ઊતરતી કક્ષાનાં મૃત્પાત્રો વાપરતી ઝાંગાર સંસ્કૃતિના અવશેષો ધરાવતો થર સહુથી ઉપર છે. આ સંસ્કૃતિનો સમય ઈ. પૂ. 1000ની આસપાસનો મૂકવામાં આવ્યો છે. ચાન્હુ-દડો સંસ્કૃતિઓની બે નોંધપાત્ર વિશેષતાઓ જોવામાં આવે છે. એક તો પ્રાપ્ત ત્રણેય સંસ્કૃતિઓ વચ્ચે કોઈ સાતત્ય વરતાતું નથી; અર્થાત્ એક લુપ્ત થયા પછી બીજી પ્રચલિત થઈ છે. બીજું, પ્રત્યેક સંસ્કૃતિનું અનુકાલીન સ્વરૂપ તેની પૂર્વકાલીન સંસ્કૃતિની સરખામણીમાં ઊતરતી કક્ષાનું જોવામાં આવે છે.

પ્રવીણચંદ્ર પરીખ