ચાન્સેલેરી પૅલેસ, રોમ : ઈ. સ. 1486 અને 1496 વચ્ચે રોમમાં બંધાયેલ આ મહેલ કાર્ડિનલ રીઆરીઓ માટે બાંધેલો; પરંતુ પાછળથી પોપની ચાન્સેલેરી દ્વારા તે લઈ લેવાયેલો જેથી તે ચાન્સેલેરી પૅલેસ તરીકે ઓળખાય છે. આ ઇમારત ઇટાલીની સ્થાપત્યકળાનું બેનમૂન ઉદાહરણ ગણાય છે. માન-પ્રમાણની ર્દષ્ટિએ આ ઇમારત ઇટાલિયન રેનેસાંનું અદ્વિતીય પ્રતિનિધિત્વ કરે છે. તેના આયોજનની કુશળતાને આલ્બેર્તી અને બ્રાહ્માન્તે જેવા ખ્યાતનામ સ્થપતિઓની કાબેલિયત જોડે સરખાવવામાં આવે છે. આ સમય દરમિયાન સ્થાપત્યના આયોજનમાં દીવાલોની રચના એક મહત્વનું સ્થાન ધરાવતી. દીવાલો અને મકાનના માળ પ્રમાણેનું તેનું વિભાજન ઉપરાંત તેમાંની બારીઓ વગેરેનું સંકલિત માળખું ઇમારતના બાહ્ય દેખાવની છાપ ઊભી કરવા માટે ઉત્કૃષ્ટ રીતે રચવામાં આવતું.
રવીન્દ્ર વસાવડા