ચાતક (pied crested cuckoo) : કુકુલિડે કુળનું પક્ષી. સહસભ્ય કોયલ. શાસ્ત્રીય નામ Clemator jacobinus. ભારતમાં તે સર્વત્ર જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં તેને મોતીડો કહે છે. શરીર મેનાના જેટલું; પરંતુ પૂંછડી પ્રમાણમાં લાંબી; માથે સુંદર કલગી; ચાંચ કાળી; પગ વાદળી ઝાંયવાળા કાળા; ઉપરના બધા ભાગ ઝાંખા કાળા; ડોક અને નીચેનો ભાગ ધોળો; પાંખ પર સફેદ પટો; પૂંછડીનાં પીછાંની ટોચ સફેદ; આંખ લાલ તપખીરી; નર અને માદા દેખાવે સરખાં.
પાણીવાળા પ્રદેશમાં રહેવું ચાતકને બહુ ગમે છે અને તે ગીચ છોડવા અને વૃક્ષો પર જોવા મળે છે. ભક્ષ્યને પકડવા તે કોઈક વાર જમીન પર ઊતરે છે. લીલીછમ વનસ્પતિની વચ્ચે વર્ષા ઋતુમાં વૃક્ષની ટોચ પર બેસીને અત્યંત કર્ણમધુર અવાજ કરે છે.
તે એક સ્થળેથી બીજે સ્થળે ફર્યા કરે છે. ગુજરાત, મહારાષ્ટ્ર જેવા પ્રદેશોમાં તે ચોમાસાના આરંભમાં આવે છે અને શિયાળાના છેલ્લા ગાળામાં વિદાય લે છે. તે વરસતા વરસાદનું પાણી પીએ છે તે કેવળ કલ્પના જ છે.

ચાતક
વર્ષા ઋતુ એનો પ્રજનનકાળ; પરંતુ માળો બાંધવો કે બચ્ચાંની કાળજી લેવી તેને ગમતી નથી. કોયલની જેમ બીજાં પંખીઓના માળામાં તે પોતાનાં ઈંડાં મૂકે છે. ઈંડાં મૂકવા તે નાના કદના લેલા જેવા પક્ષીના માળા પાસે જાય છે અને ગભરાઈને લેલા ત્યાંથી દૂર ખસે છે. અને નિરાંતે ચાતકી યજમાનના માળામાં ઈંડાં મૂકીને ઊડી જાય છે.
મ. શિ. દૂબળે