ચાણસ્મા : પાટણ જિલ્લામાં આવેલ તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. તાલુકાનો વિસ્તાર 886.7 ચોકિમી. છે અને વસ્તી 2001માં 1,28,576 હતી. આ તાલુકામાં ચાણસ્મા શહેર (વસ્તી : 15,819) અને 112 ગામો છે. ચાણસ્મા તાલુકાનો કેટલોક ભાગ વઢિયાર (વૃદ્ધિપંથક) તરીકે અને વીરમગામ અને કટોસણ–બહેચરાજી નજીકનો ભાગ ચુંવાળ તરીકે ઓળખાય છે.

ચાણસ્મા શહેર 23° 43’ ઉ. અ. અને 72° 7’ પૂ. રે. ઉપર આવેલું છે. આ શહેરના નામ અંગે અનુશ્રુતિ પ્રચલિત છે કે ચાણસ્માના તળાવને કિનારે એક જૂની મસ્જિદ હતી. તેની 12 બારીઓ વિવિધ દિશાઓમાં હતી. બારે માસ તેમાંથી ચંદ્રનું દર્શન થઈ શકતું તેથી શહેરનું નામ ચાંદમાસ પડ્યું. તે પરથી ચાણસ્મા થયું.

સમગ્ર તાલુકાનું ભૂપૃષ્ઠ સપાટ છે. કેટલોક ભાગ સમુદ્રના નિક્ષેપથી પુરાઈને બનેલો છે. આ કારણે મોટા ભાગના વિસ્તારનું ભૂગર્ભજળ ખારું છે. માત્ર ઈશાન ખૂણાના વિસ્તારમાં મીઠું પાણી મળે છે.

તાલુકાની આબોહવા વિષમ છે. ઉનાળામાં સખત ગરમી અને શિયાળામાં સખત ઠંડી પડે છે. જાન્યુઆરી માસનું તાપમાન 12° સે. અને મે/જુલાઈનું તાપમાન 42° સે. આસપાસ હોય છે. જૂનના છેલ્લા અઠવાડિયાથી 15 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ 500 મિમી. વરસાદ પડે છે.

અહીં રાયણ, મહુડો, જાંબુડો વગેરે વૃક્ષો મીઠા પાણીના વિસ્તારમાં જોવા મળે છે, જ્યારે અન્યત્ર વરખડો, દેશી બાવળ, ગાંડો બાવળ, લીમડો વગેરે જોવા મળે છે. આ વૃક્ષો છૂટાંછવાયાં જોવા મળે છે.

આ તાલુકામાં પાટણવાડિયા અને મારવાડી ઘેટાં અને દેશી બકરાં, કાંકરેજી ઓલાદનાં ગાય-બળદ, મુર્હા અને સૂરતી જાત સાથેના સંયોગની મહેસાણી ઓલાદની ભેંશ જોવા મળે છે. સૂકા પ્રદેશમાં ગધેડાં અને ઊંટો જોવા મળે છે. જંગલી પ્રાણીઓ પૈકી રોઝ, હરણ અને શિયાળ મુખ્ય છે.

આ તાલુકામાં બાજરી, જુવાર, કપાસ, એરંડા, જીરું, ઘોડાજીરું (ઇસબગુલ) અને તમાકુ થાય છે. ઈશાન ભાગમાં કૂવાથી સિંચાઈ થાય છે.

ચાણસ્મા ખાતેના નિદર્શન ફાર્મમાં ડુંગળી, મરચાં, સંકર બાજરી અને એરંડાની વધુ ઉત્પાદન આપતી જાતોનું સંશોધન થાય છે.

લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. ચાણસ્મા ખાતે મુખ્ય નિયંત્રિત બજાર છે, જ્યારે ધીણોજ અને બહુચરાજી તેનાં પેટા કેન્દ્રો છે. જીરું, એરંડા, તલ, તુવેર, બાજરી, કપાસ, જુવાર અને તમાકુ આ બજારોમાં વેચાવા આવે છે. અહીંથી તે ઊંઝા કે પાટણ મોકલાય છે. ચાણસ્માના લુહારો લોખંડની વસ્તુઓ જેવી કે કબાટ, ખુરશી વગેરે બનાવે છે. અહીં 3 ઇજનેરી એકમો છે. આ ઉપરાંત બીડી વાળવાનો, સિમેન્ટના પાઇપ તથા લાદી બનાવવાના ગૃહઉદ્યોગો વિકસ્યા છે.

તાલુકામાં પટેલ, ઠાકરડા, કોળી, બ્રાહ્મણ, વાણિયા, આંજણા, રજપૂત તથા હરિજનોની વસ્તી મુખ્ય છે. ચાણસ્મા કલોલ-કડી-ચાણસ્મા અને મહેસાણા-હારીજ મીટર ગેજ રેલવેનું વચ્ચેનું સ્ટેશન છે. રાજ્ય પરિવહન તંત્રની બસો દ્વારા તે પાટણ, બહુચરાજી, મોઢેરા, શંખેશ્વર, મહેસાણા, સિદ્ધપુર, રાધનપુર, નખત્રાણા, મોડાસા, ભીલડી, હારીજ વગેરે શહેરો સાથે જોડાયેલું છે.

આ તાલુકામાં ચાણસ્મા ખાતે આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ છે; તે રીતે ઉચ્ચ શિક્ષણની જોગવાઈ છે.

આ તાલુકામાં મોઢેરા, બહુચરાજી, શેલાળી, કનોડા, દેનમાલ અને કંબોઈ ખાતે તીર્થસ્થાનો છે. મોઢેરાનું સૂર્યમંદિર ખંડિત છે. તે સોલંકી કાળની શ્રેષ્ઠ સ્થાપત્યરચના ગણાય છે. બહુચરાજી અને શંખલપુર દેવી તીર્થો છે. ચાણસ્મા તળમાં ઓગણીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન બંધાવાયેલા ભટેવ પાર્શ્વનાથના જૈન મંદિર ઉપરાંત કંબોઈમાં પણ પ્રાચીન જૈન મંદિર છે. ચાણસ્મા શહેરમાં નવગજાપીર, રામજીમંદિર, વેરાઈમાતા, પીપળેશ્વર અને નીલકંઠ મહાદેવનાં મંદિરો તથા સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર વગેરે પવિત્ર સ્થાનો છે.

શિવપ્રસાદ રાજગોર