ચાગલા, મહમદ કરીમ

January, 2012

ચાગલા, મહમદ કરીમ (જ. 30 સપ્ટેમ્બર 1900, મુંબઈ; અ. 9 ફેબ્રુઆરી, 1981, મુંબઈ) : સંવિધાનના નિષ્ણાત અને માનવતાવાદી ન્યાયવિદ્. મધ્યમવર્ગના ઇસ્માઈલી ખોજા વેપારી કુટુંબમાં જન્મ. ઇ. સ. 1905માં 5 વર્ષની વયે માતા ગુમાવ્યાં. તેમનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ અને કૉલેજમાં થયું. શાળા અને કૉલેજકાળમાં રાષ્ટ્રીય આંદોલનોને લગતી ચર્ચાસભાઓમાં હોંશથી ભાગ લેતા. ઇન્ટર પછી બૅરિસ્ટર થવા ઇંગ્લૅન્ડ ગયા. તેમણે લિંકન કૉલેજ, ઑક્સફર્ડ ખાતે આધુનિક ઇતિહાસનો અભ્યાસ કરી ઇ. સ. 1921માં સ્નાતક પદવી પ્રાપ્ત કરી. ત્યાં ઑક્સફર્ડ યુનિયન મજલિસના પ્રમુખ બન્યા.

શાળા અને કૉલેજકાળમાં રાષ્ટ્રીય આંદોલનોને લગતી ચર્ચાસભાઓમાં હોંશથી ભાગ લેતા. ઇન્ટર પછી બૅરિસ્ટર થવા ઇંગ્લૅન્ડ ગયા; ત્યાં ઑક્સફર્ડ યુનિયન મજલિસના પ્રમુખ બન્યા. અભ્યાસમાં નિયમિત હોવાથી પરીક્ષાના 2 દિવસ અગાઉ તે વાંચવાનું બંધ કરતા. 1922માં બૅરિસ્ટર બનીને મુંબઈમાં મહમદઅલી ઝીણા સાથે વકીલાતમાં જોડાયા. ત્યાં જમશેદજી કાંગા સાથે કામ કરવાનો મોકો મળ્યો. ઇ. સ. 1925માં અનુસ્નાતકન પદવી પ્રાપ્ત કરી. 1927માં મુંબઈની સરકાર સંચાલિત કાયદાની કૉલેજમાં ખંડ સમયના પ્રાધ્યાપક બન્યા. જ્યાં તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે પણ કામ કર્યું. 8 વર્ષની બેકારી પછી તેમનો પહેલો અગત્યનો મુકદ્દમો મેરઠ કાવતરા કેસ હતો. 1941 સુધીમાં તે બાહોશ પ્રામાણિક વકીલ તરીકે પ્રખ્યાત થયા, 1933થી 1941 સુધી મુંબઈ બાર કાઉન્સિલના સેક્રેટરી પદે રહ્યા. સાથે સાથે તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું. 1926માં તે ઇન્ડિયન નૅશનલ પાર્ટીના સેક્રેટરી થયા. પછી ઝીણા રાષ્ટ્રવાદી રહ્યા ત્યાં સુધી તેમની સાથે મુસ્લિમ લીગના સેક્રેટરી રહ્યા. ગાંધીજીએ ખિલાફતની કોમી ચળવળને ટેકો આપેલો ત્યારે તેમણે અને ઝીણાએ વિરોધ કરેલો. ત્યારબાદ 1928માં સાઇમન કમિશન વિરોધી આંદોલનમાં સક્રિય બન્યા. તે વખતે લખનૌની સર્વપક્ષી પરિષદનો નેહરુ રિપોર્ટ મુસ્લિમ લીગ વતી તેમણે સ્વીકાર્યો તેથી ઝીણા સાથે મતભેદ થયો અને ઝીણાએ કોમવાદી બનીને પાકિસ્તાનની માગણી કરી કે તરત જ તેમણે ઝીણા તેમજ લીગ સાથેના તમામ સંબંધો સમાપ્ત કર્યા. તેમના મતે જો કૉંગ્રેસ અને ગાંધીજીએ યોગ્ય રીતે મુસ્લિમોનો મત જાણવાનો પ્રયત્ન કર્યો હોત અને રાષ્ટ્રવાદી મુસ્લિમોને અવગણીને ખિલાફતવાળા અને ઝીણાને મહત્વ ન આપ્યું હોત તો દેશ વિભાજિત ન થાત. તેમના મતે જ્યારે 90 % મુસ્લિમો આર્ય પિતૃઓના વારસો છે, તેઓ એકમેકના સંતોને પૂજે છે અને તહેવારો સાથે ઊજવે છે ત્યારે ધર્મઆધારિત અલગ રાષ્ટ્ર ન સંભવી શકે. તેમણે અન્ય કેટલાક સહયોગીઓની મદદથી મુંબઈમાં ‘મુસ્લિમ રાષ્ટ્રવાદી પાર્ટી’ ની સ્થાપના કરી હતી. તેમણે 1932ના ‘કોમી ચુકાદા’નો વિરોધ કરેલો અને 1936માં નેહરુ સાથે નાગરિક સ્વાતંત્ર્ય સંઘ સ્થાપેલો. નોકરી કે ચૂંટણીમાં ગુણવત્તાને અવગણી કોમી ધોરણે કરાતી પસંદગીના તે વિરોધી હતા. આંબેડકરે હરિજનોને મુસલમાન બનાવવાની વાત કરી ત્યારે તેમણે કહ્યું કે ધર્મપરિવર્તન આધ્યાત્મિક તમન્નાથી થાય, નહિ કે જબરજસ્તીથી કે સગવડ ખાતર.

મહમદ કરીમ ચાગલા

1941માં તે મુંબઈની વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયા અને 1948માં તેના પહેલા હિંદી મુખ્ય ન્યાયાધીશ બન્યા. ન્યાયાધીશે વિવેકથી સાંભળવું, ગંભીરપણે સમજવું, ડહાપણથી ઉત્તર આપવો અને બિનપક્ષપાતી નિર્ણય આપવો એમ તે માનતા; કોઈ પક્ષ પ્રત્યે પૂર્વગ્રહ ન બંધાય તેમ માનીને કાગળો વાંચ્યા વગર જ કોર્ટમાં આવતા; કદી ગેરહાજર રહેતા નહિ; લાંબી દલીલો અને વધુ-પડતા પૂર્વનિર્ણયોની છણાવટ તેમને પસંદ નહોતી; દલીલો બાદ તરત જ ફેંસલો સંભળાવતા. કંપની લૉ, કરવેરા અને સંવિધાનને લગતા તેમના નિર્ણયો આધારભૂત અને કાયદા અને સાહિત્યના સુભગ સંગમરૂપ ગણાય છે.

ન્યાયાધીશ હોવા છતાં તે સમાજથી વિમુખ ન રહેતા. તે મુંબઈ વિશ્વવિદ્યાલયના કુલપતિ તેમજ એશિયાટિક સોસાયટીના પ્રમુખ બનેલા. તે રમતગમત, ઇતિહાસ, કલા, કેળવણી વગેરેમાં રસ લેતા. સામાજિક સમારંભોમાં બેધડક રીતે સરકારી નીતિની ટીકા કરતા. તે કોમવાદ, ભાષાવાદ અને પ્રાંતવાદના વિરોધી હતા અને સમાન નાગરિક કાયદાની હિમાયત કરતા. બહુપત્નીત્વની પ્રથાને સ્ત્રીજાતિનું અપમાન સમજતા.

1946માં સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં તેમણે દક્ષિણ આફ્રિકાના હિંદીઓના હકો માટે ભારત વતી રજૂઆત કરેલી. 1949માં કાયદા કેળવણી સમિતિના ચૅરમૅનપદે અને ત્યારબાદ લૉ કમિશનના સભ્યપદે રહેલા. 4 ઑક્ટોબર, 1956થી 10 ડિસેમ્બર 1956 સુધી તેમણે તત્કાલિન મુંબઈ રાજ્યના કાર્યવાહક રાજ્યપાલ તરીકે કામ કર્યું. 1957માં હેગની આંતરરાષ્ટ્રીય અદાલતમાં દાદરા નગરહવેલી રસ્તા અંગેના કેસમાં ભારત તરફથી ન્યાયાધીશ નિમાયેલા. 1958માં જીવન વીમા નિગમનાં નાણાંના હરિદાસ મુંદ્રાની કંપનીમાંના રોકાણ બાબતના એક વ્યક્તિના તપાસપંચ તરીકે નિમાયેલા. પંચની જાહેર સુનાવણી રાખીને અભૂતપૂર્વ ત્વરાથી 24 દિવસમાં જ હેવાલ આપ્યો, જેને પરિણામે નાણાપ્રધાન ટી. ટી. કૃષ્ણમાચારીને રાજીનામું આપવું પડ્યું. સપ્ટેમ્બર 1957થી 1959 દરમિયાન તેઓ હેગ ખાતે ઈન્ટરનૅશનલ કૉર્ટ ઑફ જસ્ટીસના એડહોક ન્યાયાધીશ બન્યા. ઇ. સ. 1958થી 1961 સુધી યુ. એસ., ક્યૂબા અને મેક્સિકો ખાતે એલચી બન્યાં.  તેમણે તે રાજ્યોની ખુશામત કે કડવી ટીકા કર્યા વગર સંબંધો સુધાર્યા. પત્નીના અવસાન બાદ એપ્રિલ 1962થી સપ્ટેમ્બર 1963 સુધી યુનાઇટેડ કિંગડમમાં ભારતના ઉચ્ચાયુક્ત પદે નિમાયા.  ચીને ભારત પર હુમલો કર્યો ત્યારે તેમણે ત્વરાથી બ્રિટિશ લશ્કરી મદદ મેળવી તથા ફાળો ઉઘરાવ્યો.

21 નવેમ્બર 1963થી 13 નવેમ્બર 1966 સુધી માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયમાં અને 14 નવેમ્બર 1966થી 5 સપ્ટેમ્બર 1967 સુધી વિદેશમંત્રી તરીકે કાર્યરત રહ્યા.

1963માં બિનકૉંગ્રેસી હોવા છતાં પ્રખર રાષ્ટ્રવાદી હોવાથી નેહરુજીએ તેમને કેળવણીપ્રધાન બનાવ્યા. કેળવણીના વિષયને સહવર્તી (concurrent) સૂચિમાં મૂકવા તેમણે ખૂબ પ્રયત્ન કરેલો. તેમના મતે ઉચ્ચ શિક્ષણ રાષ્ટ્રભાષા હિંદીમાં હોય તો જ્ઞાનનું આદાનપ્રદાન થાય અને દેશની એકતા જળવાય, પણ રાજ્યો ન માને ત્યાં સુધી અંગ્રેજી ચાલુ રહેવું જોઈએ. તેમણે બનારસ અને અલીગઢ યુનિવર્સિટીઓમાંથી ‘હિન્દુ’ અને ‘મુસ્લિમ’ શબ્દો દૂર કરાવવા પ્રયત્ન કરેલો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કોમવાદી મુસ્લિમ વિદ્યાર્થીઓએ તોફાનો કર્યાં ત્યારે વટહુકમથી યુનિવર્સિટી કાઉન્સિલ બરખાસ્ત કરી અલી યાવર જંગને કુલપતિ બનાવ્યા; ત્યારે કહેવાતા રાષ્ટ્રવાદી મુસ્લિમોએ મજલિસે મુશવરત સંસ્થા સ્થાપી બળતામાં ઘી હોમ્યું. પરિણામે અલી યાવર જંગ પર ખૂની હુમલો થયો અને ચાગલાને ખૂનની સેંકડો ધમકીઓ મળી. નેહરુજીના મૃત્યુ બાદ તેમણે નેહરુ મ્યુઝિયમ તથા આંતરરાષ્ટ્રીય સદભાવ માટેના નહેરુ ઍવૉર્ડની સ્થાપના કરી. ઉર્દૂ સહિત તમામ ભારતીય ભાષાઓ માટે તે સંપૂર્ણ અને વૈજ્ઞાનિક દેવનાગરી લિપિની હિમાયત કરતા.

1965માં તે યુનેસ્કોમાં ભારતીય પ્રતિનિધિમંડળના નેતા હતા તે વખતે સલામતી સમિતિમાં પાકિસ્તાન સામે ભારતનો કેસ રજૂ કરેલો. 1966માં ઇન્દિરા ગાંધીએ તેમને વિદેશી બાબતોના પ્રધાન બનાવ્યા ત્યારે તેમણે કહેલું કે પાકિસ્તાન સાથે તાકાતની ભૂમિકાએ જ વાટાઘાટો થઈ શકે, કેમ કે તેણે તાશ્કંદ કરારનો ભંગ કરેલો. 1967માં જ્યારે પ્રધાનમંડળે અંગ્રેજી ખસેડીને પૂર્વવિનીત અભ્યાસમાં 5 વર્ષમાં અને ઉત્તરવિનીતમાં 10 વર્ષમાં પ્રાદેશિક ભાષાનું માધ્યમ નક્કી કર્યું, ત્યારે તેને કેળવણીનાં ધોરણો તેમજ દેશની એકતા પરનું જોખમ ગણીને તેમણે રાજીનામું આપ્યું. ત્યારબાદ તેમણે સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરી અને ત્યાંના વકીલમંડળના પ્રમુખ બન્યા. બાંગ્લાદેશના મુક્તિસંઘર્ષમાં તેમણે માનવસંહાર નિવારવા વેળાસર મુક્તિવાહિનીને માન્યતા આપવાનું કહેલું. તે માનતા કે ધિક્કારની ભાવના પર બનેલા પાકિસ્તાનનો વિનાશ નિશ્ચિત છે. તેમને લોકમાન્ય ટિળક, રાધાકૃષ્ણન, જવાહરલાલ નેહરુ અને લાલબહાદુર શાસ્ત્રી માટે ઘણું માન હતું. વ્યક્તિસ્વાતંત્ર્યના હિમાયતી, બહુમુખી પ્રતિભાવાળા, નિરાડંબરી, સંવિધાનના નિષ્ણાત ચાગલાનું જીવન રાષ્ટ્રને સમર્પિત હતું. તેમણે કટોકટીનો પુરજોશમાં વિરોધ કર્યો હતો. તેમણે વ્યક્તિસ્વાતંત્ર્ય પર ‘લૉ, લિબર્ટી ઍન્ડ લાઇફ’ અને 1973માં આત્મકથા રૂપે ‘રોઝીઝ ઇન ડિસેમ્બર’ એ બે અંગ્રેજી પુસ્તકો લખ્યાં  છે.

છોટાલાલ છગનલાલ ત્રિવેદી

અશ્વિન આણદાણી