ચાડ : ઉત્તર આફ્રિકાના મધ્ય ભાગમાં ઉષ્ણ કટિબંધમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 15° 00’ ઉ. અ. અને 10° 00’ પૂ. રે.. તે એક વખતનું ફ્રેન્ચ સંસ્થાન હતું. તેની દક્ષિણે મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક રાજ્ય, પૂર્વમાં સુદાન, ઉત્તરે લીબિયા, પશ્ચિમે નાઇજર અને નાઇજિરિયા અને નૈર્ઋત્ય ખૂણે કૅમેરૂન છે. તેનું ક્ષેત્રફળ 12,84,000 કિમી. છે.

ચાડ

ચાડનો મોટો ભાગ વિશાળ થાળું (basin) છે, જે અલ્પજળવાળા બોડેલે સરોવરથી શરૂ થાય છે. તેને ફરતી પર્વતમાળા અને ઉત્તર, પૂર્વ અને દક્ષિણમાં ઉચ્ચ પ્રદેશો છે. ઉત્તરમાં તિબેસ્ટી મૅસીફ પર્વત 3415 મી. ઊંચો છે. તેનું એમીકૌસી શિખર જ્વાળામુખી છે; પીક તૌસીદની ઊંચાઈ 3315 મી. છે. પૂર્વ તરફ 1520 મી. ઊંચો ઔડોઈ ઉચ્ચ પ્રદેશ છે. બંને વચ્ચે રેતિયા પથ્થરવાળો ઉચ્ચ પ્રદેશ છે. સપાટ ભાગમાં રેતીના કાયમી અને સરકતા ઢૂવા છે. દક્ષિણ ભાગમાં કળણો છે. પશ્ચિમે છીછરું ચાડ સરોવર છે. તેનો વિસ્તાર ઋતુ પ્રમાણે વધી કે ઘટીને 10,400થી 26,000 ચોકિમી. જેટલો થાય છે. ચારી, લોગોને અને કોમડૌગો નદીઓનું પાણી સરોવરમાં ઠલવાય છે. પણ પાણીનો પ્રવાહ ઊભરાય ત્યારે તે બહર અલ ગઝલ નદીમાં ઠલવાય છે.

આબોહવા પ્રમાણે ચાડના 3 કુદરતી વિભાગો છે : સુદાનને મળતો સવાના પ્રકારની આબોહવાનો પ્રદેશ ત્રીજો ભાગ રોકે છે. ઉત્તરના વેરાન ભાગમાં રણદ્વીપોમાં જ ખજૂરી વગેરે વનસ્પતિ છે. અર્ધરણના મધ્ય ભાગમાં ઘાસનાં મેદાનોને બદલે કાંટાળા છોડ હોય છે.

જાન્યુઆરીનું તાપમાન 23.9° સે. અને જુલાઈનું તાપમાન 27.8° સે. રહે છે. સરેરાશ વરસાદ 744 મિમી. પડે છે. રણ કે અર્ધરણપ્રદેશની આબોહવા વિષમ હોય છે. શિયાળો અને ઉનાળો આકરો હોય છે. દિવસે સખત ગરમી અને રાત્રે ઠંડી પડે છે. ઉત્તરના સહરાના વિસ્તારમાં ભાગ્યે જ 25 મિમી. વરસાદ પડે છે. સુદાન પ્રકારના દક્ષિણના સવાના વિસ્તારમાં 900થી 1200 મિમી. વરસાદ પડે છે. ઉત્તરના સહેલિયન વિસ્તારમાં 500થી 900 મિમી. વરસાદ પડે છે.

સૂકા સવાના પ્રદેશમાં બાવળ અને મીમોસાનાં વૃક્ષો ને ઘાસ હોય છે. ભેજવાળા ભાગમાં તાડ હોય છે. આ સિવાય ખજૂરી અને ઘાસ રણ સિવાય અન્યત્ર પણ ઊગે છે. 20 % વિસ્તારમાં જંગલ અને 33 % ઉપરાંત વિસ્તારમાં ઘાસનાં બીડ છે. ખેતી માત્ર 2 % વિસ્તારમાં થાય છે.

અહીં હાથી, હિપોપૉટેમસ, ગેંડો, જિરાફ, હરણ, સિંહ, દીપડો, ચિત્તો વગેરે જંગલી પશુઓ સુદાન પ્રકારના સવાનાનાં ઘાસનાં મેદાનોમાં જોવા મળે છે. ઊંટ અને ઘેટાં, બકરાં અને ગાય વગેરે પાળેલાં પશુઓ છે. પેટ્રોલિયમ, કેઓલિન તથા નેટ્રોન (સોડા બાઇકાર્બ) ખનિજો મળે છે.

લોકો નિર્વાહ પૂરતી પ્રાથમિક કક્ષાની ખેતી કરે છે. બાજરી, જુવાર, કપાસ, મગફળી, ખજૂર અને કસાવા કંદ મુખ્ય પાક છે. દક્ષિણ ભાગમાં પાણીની સગવડ હોય ત્યાં ડાંગરની ખેતી થાય છે. ઉત્તર અને મધ્ય ભાગમાં પશુપાલન થાય છે.

ઉદ્યોગોમાં કાપડની મિલ, ખાંડની રિફાઇનરી, પેટ્રોલિયમ રિફાઇનરી, કપાસ લોઢવાનાં જિન, કપાસ અને ખોરાકી વસ્તુઓ ઉપર પ્રક્રિયા કરવાના તથા માંસ પૅક કરવાના, તુંબડી ઉપર સુશોભન કરવાના તથા ટોપલી બનાવવાના ગૃહઉદ્યોગો છે.

માંસ, રૂ અને ઢોરની નિકાસ થાય છે. નાઇજિરિયા તથા ફ્રાન્સ સાથે વેપારી સંબંધો વિશેષ છે.

ચાડમાં મુસ્લિમ કૉકેશિયન ઉત્તર આફ્રિકન લોકો અને સહરા અને સુદાનમાં હબસી લોકોની વસ્તી મુખ્યત્વે છે. પૂર્વ નાઇજિરિયાના હબસીઓ પણ અહીં વસ્યા છે. તેઓ અરબી, ફ્રેન્ચ અને સ્થાનિક આફ્રિકન ભાષાઓ બોલે છે. વહીવટની રાજભાષા ફ્રેન્ચ છે.

સ્ટેપ અને રણપ્રદેશમાં બેદુઇન (આરબો), તુરંગ અને ફુલાની લોકો ઢોર અને ઊંટનાં ટોળાં સાથે ભટકતું જીવન ગાળે છે. તેમની વસ્તી છૂટીછવાઈ છે. દક્ષિણમાં ગીચ વસ્તી છે. મુસ્લિમ હૌસા લોકો વેપારી અને ખેડૂતો છે. વડાઈ લોકો પણ ખેડૂતો છે. કાનેબૌ લોકો પશુપાલન કરે છે, જ્યારે ટુલુ લોકો પૂર્વ અને ઉત્તરના સૂકા પ્રદેશમાં ભટકતું જીવન ગાળે છે. સવાના પ્રદેશમાં બિનમુસ્લિમો (ખ્રિસ્તીઓ) અને સ્થાનિક પ્રાચીન ધર્મ પાળનારા વસે છે. 14 % શહેરોમાં અને બાકીના ગ્રામવિસ્તારમાં વસે છે. 2011ની વસ્તી 1,15,06,000 છે.

મિશનરી શાળાઓનો મુસ્લિમો વિરોધ કરતા હોવાથી શિક્ષણનો ફેલાવો ધીમો છે. શિક્ષણનું પ્રમાણ 15 % જેટલું નીચું છે. પુખ્ત વયના લોકોમાં શિક્ષણનું પ્રમાણ 25.5 % છે.

2002માં ખેતીવાડી 38.7 %, ઉદ્યોગો 15.4 % અન્ય સેવાઓમાં દેશનો આર્થિક હિસ્સો રહ્યો હતો.

ઈ. પૂ. 500 આસપાસ નીગ્રૉઇડ જાતિના ગુફાવાસી લોકો અહીં વસતા હતા. તેમનાં દોરેલાં ચિત્રો પર્વતોમાં જોવા મળે છે. ઈ. સ. 900થી કાનેમ પ્રદેશમાં ચાડ સરોવર અને લોગોને અને ચારી નદીના વિસ્તારમાં સ્થાયી વસવાટ કરનાર લોકોના અવશેષો મળે છે. અહીં સ્થાનિક ત્રણેક રાજ્યો હતાં. ફ્રેન્ચોએ 1890થી 1913 સુધીમાં આ પ્રદેશમાં પગપેસારો કર્યો હતો. 1920માં તે ફ્રાન્સનું સંસ્થાન બન્યું હતું. 1960માં ઑગસ્ટની 11મી તારીખે આ દેશ ફ્રાન્સથી સ્વતંત્ર થયો છે. 1979 પછી ચાડના 2 મુખ્ય પક્ષો વચ્ચે આંતરવિગ્રહ થતાં દેશ બરબાદ થયો છે. ફ્રાન્સ અને લીબિયા વિરોધી પક્ષોને ટેકો આપતાં આંતરવિગ્રહ 1983 સુધી ચાલુ રહ્યો હતો. આફ્રિકન દેશોના સંગઠન- (Organization of African Union, OAU)ના સુલેહ કરાવવાના પ્રયત્નો બાદ શાંતિ સ્થપાઈ હતી.

શિવપ્રસાદ રાજગોર