ચાઉ કુંગ : પ્રાચીન ચીનના પ્રખ્યાત અને સૌથી લાંબા ચાલેલા રાજવંશ(ઈ. પૂ. 1122–249)ના સ્થાપક સમ્રાટ વુ-વાંગના નાના ભાઈ. આ બંને ભાઈઓ પશ્ચિમ ચીનના ચાઉ પ્રાંતના શાસક હતા. (ચાઉ કુંગનો અર્થ થાય છે : ‘ચાઉ પ્રાંતનો ઉમરાવ–શાસક’). તેમણે શાંગ વંશના છેલ્લા સમ્રાટ ચાઉ સીનને ઉથલાવવામાં પોતાના મોટા ભાઈને મદદ કરી હતી. તેમના મોટા ભાઈ સમ્રાટ વુ-વાંગના અવસાન પછી તેમનો પુત્ર સગીર હોઈને તેના વતી ચાઉ કુંગે શાસન ચલાવ્યું હતું. ચીની ઇતિહાસકારો તેના આ રખેવાળ શાસનને ચાઉ વંશના ઇતિહાસનું શ્રેષ્ઠ તથા આદર્શ શાસન ગણે છે.

દેવેન્દ્ર  ભટ્ટ