ચાઉ એન-લાઈ (જ. 5 માર્ચ 1898, હુઆઈન, કિયાંગ્સુ પ્રાંત; અ. 8 જાન્યુઆરી 1976, બેજિંગ) : સામ્યવાદી ચીનના પ્રથમ વડાપ્રધાન. તેમનો જન્મ શિક્ષિત અને ધનિક કુટુંબમાં થયો હતો. તેમને પાશ્ચાત્ય શિક્ષણનો લાભ મળ્યો હતો, 1920માં વધુ અભ્યાસ માટે ફ્રાન્સ પણ મોકલવામાં આવેલ. જોકે તે ફ્રાન્સમાં વધુ સમય રહ્યા નહિ. ચીનમાં પાછા આવીને બેજિંગ યુનિવર્સિટીમાં દાખલ થયા, અહીં તે પ્રો. ચેન દ્વારા ચલાવાતા ‘સામ્યવાદી અભ્યાસ વર્તુળ’માં દાખલ થયા અને સામ્યવાદી વિચારસરણીના ચાહક બન્યા. 1921માં ચીની સામ્યવાદી પક્ષની સ્થાપના કરનારા 12 મુખ્ય કાર્યકર્તાઓમાં તે પણ એક હતા. દરમિયાનમાં તે ચીનના રાષ્ટ્રીય નેતા સુન યાત-સેનના સંપર્કમાં આવ્યા. સુન યાત-સેને પોતાના રાષ્ટ્રવાદી પક્ષ(કુઓમિન્ટાંગ)માં સામ્યવાદીઓને પણ દાખલ કરવાની પોતાની નીતિ અનુસાર ચાઉ એન-લાઈને પક્ષમાં લીધા અને એમની પક્ષની વ્હામ્પોઆની લશ્કરી તાલીમ શાળાના મંત્રી તરીકે નીમ્યા.

ચાઉ એન-લાઈ

સુન યાત-સેન પછી કુઓમિન્ટાંગ પક્ષના વડા બનેલા ચ્યાંગ કાઈ-શેકે 1927માં ચાઉને શાંઘાઈના ઔદ્યોગિક વિસ્તારમાં મજદૂરોનું સંગઠન કરવા મોકલ્યા. અહીં તે મજદૂરોમાં ઘણા લોકપ્રિય બન્યા; પરંતુ તે દરમિયાન ચ્યાંગ કાઈ-શેકે પક્ષમાંથી સામ્યવાદીઓની ‘સાફસૂફી’ શરૂ કરી, તેથી ચાઉ એન-લાઈ શાંઘાઈથી કૅન્ટોન નાસી ગયા. 1931માં સામ્યવાદી પક્ષે તેમને ફુકિયેનની યુદ્ધ સમિતિના ઉપપ્રમુખ બનાવ્યા. 1934માં ચ્યાંગ કાઈ-શેકના વારંવારના હુમલાથી ત્રાસીને સામ્યવાદીઓ દક્ષિણ ચીનમાંથી મહાપ્રયાણ કરીને ઉત્તરમાં શાન્સીમાં સલામત સ્થળે ખસી ગયા. ત્યાં સ્વતંત્ર સામ્યવાદી સરકારની સ્થાપના કરી. અહીં ચાઉ એન-લાઈ સામ્યવાદી નેતા માઓ ત્સે-તુંગના જમણા હાથ જેવા વિશ્વાસપાત્ર સાથીદાર બની ગયા. તેમણે શાન્સીની સામ્યવાદી સરકારના પ્રતિનિધિ તરીકે ચ્યાંગ કાઈ-શેક સાથે ઘણી વખત વાટાઘાટો ચલાવી હતી.

આ પછી 1949ના ઑક્ટોબરમાં સામ્યવાદીઓને ચ્યાંગ કાઈ-શેકનાં રાષ્ટ્રવાદી દળો સામે સંપૂર્ણ સફળતા મળતાં તેમણે સમગ્ર ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના કરી. ચાઉ એન-લાઈને આ સરકારની ‘વહીવટી સમિતિના વડા’ (પાશ્ચાત્ય દેશોની પરિભાષામાં વડાપ્રધાન) બનાવવામાં આવ્યા. તે સાથે તેમને વિદેશખાતું પણ સોંપવામાં આવ્યું. તે 20મી સદીના એક મહાન મુત્સદ્દી હતા. 1950ના સોવિયેત સંઘ સાથેના મૈત્રીકરાર, હિંદી ચીન વિશેની જિનિવા કૉન્ફરન્સ, બિનજોડાણવાદી દેશોની બાંડુંગ પરિષદ (1955) તથા નિક્સન સાથેની મંત્રણા તેમની મુત્સદ્દીગીરીનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે. તેમના સમયમાં અમેરિકાના પ્રમુખે સૌપ્રથમ વાર ચીનની મુલાકાત લીધી હતી. તેમનું અવસાન થયું ત્યાં સુધી તે સામ્યવાદી ચીનના વડાપ્રધાનપદે રહ્યા. તેમણે વિદેશનીતિને ક્ષેત્રે ઉચ્ચ પ્રકારનાં રાજકીય ડહાપણ અને મક્કમતાની પ્રતીતિ કરાવી છે. વિદેશો સાથેના સંબંધોમાં તેમને મળેલી સફળતામાં તેમના સુંદર, આકર્ષક વ્યક્તિત્વ અને સૌમ્ય, નમ્ર સ્વભાવનો ઘણો મોટો ફાળો હતો. પોતે ધનિક કુટુંબના હોવા છતાં અત્યંત સાદાઈભર્યું જીવન ગાળતા. તેમનામાં સત્તાલાલસા બિલકુલ ન હતી. ઉચ્ચ પ્રકારની કર્તવ્યનિષ્ઠા, સિદ્ધાંતપ્રિયતા અને સામ્યવાદ પ્રત્યેની હૃદયની શ્રદ્ધાને કારણે આધુનિક સામ્યવાદી ચીનના નિર્માણમાં માઓ ત્સે-તુંગ પછી ચાઉ એન-લાઈના ફાળાને મહત્વનો ગણવામાં આવે છે.

દેવેન્દ્ર ભટ્ટ