ચાઇલ્ડ, વી. ગૉર્ડન (જ. 14 એપ્રિલ 1892, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 19 ઑક્ટોબર 1957, ઑસ્ટ્રેલિયા) : વિશ્વના પ્રાગૈતિહાસિક ક્ષેત્રના વિદ્વાન. સિડની અને ઑક્સફર્ડમાં તેમણે અભ્યાસ કર્યો હતો. 1927માં તે એડિનબરો યુનિવર્સિટીમાં પ્રાગૈતિહાસિક પુરાવસ્તુવિદ્યાના પ્રથમ ઍબરક્રૉમ્બી પ્રોફેસર તરીકે નિમાયા. તેમણે સ્કૉટલૅન્ડ અને ઉત્તર આયર્લૅન્ડમાં ઉત્ખનન કર્યાં છે. તે પૈકી સ્કારા બ્રાસેબ્રેનું તેમનું કામ સુપ્રસિદ્ધ છે. 1946થી 1956માં તે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્કિયૉલૉજી, લંડનમાં પ્રાગૈતિહાસિક પુરાવસ્તુવિદ્યાના પ્રાધ્યાપક અને અધ્યક્ષ હતા.
તેમના સુપ્રસિદ્ધ ગ્રંથોમાં ‘ધ ડૉન ઑવ્ યુરોપિયન સિવિલિઝેશન’, ‘ડૅન્યૂબ્યન પ્રિહિસ્ટરી’, ‘ધી આર્યન’ અને ‘વૉટ હૅપન્ડ ઇન પ્રિહિસ્ટરી’, ‘મેન મેક્સ હિમસેલ્ફ’ ઇત્યાદિ છે. સંસ્કૃતિનો એક કેન્દ્રમાંથી વિવિધ સ્થળે ફેલાવો થાય છે અને તેમાં આર્થિક પ્રવૃત્તિનો મહત્વનો ફાળો છે એવો મત ધરાવતા હોવાથી તે માર્કસવાદી હોવાનો પણ મત છે.
1957માં તેમણે માઉન્ટ બ્લૂ પરથી કૂદીને આપઘાત કર્યો ત્યાર પહેલાં લખેલા પત્રમાં તેમનું જીવનકાર્ય પૂર્ણ થયું હોવાનું તેમણે નોંધ્યું છે.
ર. ના. મહેતા