ચાંદ સોદાગર : બંગાળી મંગલકાવ્યોમાં નિરૂપિત લોકકથાનું પાત્ર. લોકજીવન અને લોકધર્મ પર આધારિત અનેક દેવદેવીઓ વિશે બંગાળીમાં મંગલકાવ્યો રચાયાં છે. આ કાવ્યોમાં આવતી ચાંદ સોદાગર અને લખિન્દર-બેહુલાની કથા ત્યાંના જનજીવનમાં વણાઈ ગઈ છે. મનસાદેવી એ સર્પદેવતા છે. ‘મનસામંગલ’માં મનસાદેવીના માહાત્મ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મનસા વિશે લખાયેલાં કાવ્યો ‘મનસાવિજય’, ‘મનસામંગલ’, ‘મનસાર ભાસાન’ વગેરે નામે પ્રચલિત છે. આ કવિઓમાં ક્ષેમાનંદ (કેતકાદાસ) એક પ્રતિભાશાળી કવિ હતા. સત્તરમી સદીના મધ્યભાગમાં ‘મનસામંગલ’ રચાયું હોય એમ લાગે છે. તેમાં ચાંદ સોદાગરનું પાત્રાંકન સ્પષ્ટતાથી આલેખ્યું છે (મનસા વિશેની અન્ય રચનાઓ જુદે જુદે સમયે થયેલી છે).
ચંપક નગરીમાં ચાંદ નામે એક સોદાગર હતો, તે શિવભક્ત હતો; તેને સર્પદેવી મનસા સાથે હંમેશાં ઝઘડો થતો. તેણે મનસાની પૂજા કરવાની ના પાડી. બીજી તરફ શિવે મનસાને કહ્યું હતું કે ચાંદ સોદાગર જ્યાં સુધી તારી પૂજા નહિ કરે ત્યાં સુધી જગતમાં તારી પૂજાનો પ્રચાર નહિ થાય. દેવીના કોપથી ચાંદ સોદાગરના 6 પુત્રો મરી જાય છે, છતાં તે તેનો દેવી રૂપે સ્વીકાર કરતો નથી. વ્યાપાર માટે નીકળેલા ચાંદ સોદાગરનાં વહાણોમાંથી એક વહાણ મનસા આંધી મોકલી ડુબાડી દે છે. અનેક યાતનાઓ સહી સોદાગર ઘેર પાછો આવે છે. ત્યારે તેની પત્નીને પેટે સાતમો પુત્ર અવતર્યો – નામ લખિન્દર. જોષીએ ભવિષ્ય ભાખ્યું કે લગ્નની પહેલી રાત્રે સર્પદંશથી આ પુત્રનું મૃત્યુ થશે. તેને માટે નિર્મિત કન્યા બેહુલા નૃત્યમાં કુશળ હોવાથી ‘બેહુલા નાચની’ કહેવાતી. બંનેનાં લગ્ન થયાં; સોદાગરે લોખંડનો આવાસ બંધાવ્યો, ચારે તરફ સર્પનિવારક ઔષધિઓ વાવી. પણ મધ્યરાત્રિએ બેહુલાની આંખમાં દેવીની માયાથી ઊંઘ ભરાઈ, પતિ ઊંઘતો હતો, તે વખતે એક નાના છિદ્ર વાટે કાલનાગણ પ્રવેશે છે અને તેના ઝેરી દંશથી લખિન્દર મૃત્યુ પામે છે. પતિને જીવતો કરવાની પ્રતિજ્ઞા સાથે બેહુલા હોડીમાં બેસીને નીકળી પડે છે અને સ્વર્ગની નેતા નામની ધોબણ દ્વારા સ્વર્ગમાં પહોંચે છે. બેહુલા નૃત્યથી દેવોને પ્રસન્ન કરે છે. શિવ મનસાને બોલાવી બેહુલાના સ્વામીને તો જીવતો કરાવે છે, પણ બેહુલાની યાચનાથી તેના 6 જેઠ જીવતા થાય છે અને સોદાગરની ડૂબેલી સંપત્તિ પાછી મળે છે. બીજી તરફ શિવની પ્રેરણાથી જો લખિન્દર-બેહુલા જીવતાં આવે તો સોદાગર મનસાની પૂજા કરવાનો નિર્ધાર કરે છે. સોદાગર અંતે મનસાની પૂજા કરે છે, પણ ડાબા હાથે; જમણો તો શિવપૂજન માટે અર્પિત થઈ ગયો છે. અંતે લખિન્દર-બેહુલા સોદાગરને વિલાપ કરતો મૂકી સ્વર્ગે જાય છે. ક્ષેમાનંદે બેહુલાનું સ્વર્ણોજ્જ્વલ ચરિત્ર તેમજ ચાંદ સોદાગરના દુર્દમનીય પૌરુષનું ચિત્રણ કર્યું છે. લખિન્દરને સર્પદંશ થયા પછીનું બેહુલાએ કરેલું આક્રંદ હૃદયસ્પર્શી છે.
અનિલા દલાલ