ચાંદોદ : વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં નર્મદા અને ઓરસંગ નદીના સંગમસ્થાન ઉપર આવેલું પ્રસિદ્ધ તીર્થધામ. તે ડભોઈથી દક્ષિણે 21 કિમી. દૂર 21° – 59’ ઉ. અ. અને 73° – 27’ પૂ. રે. ઉપર ડભોઈ–ચાંદોદ નૅરોગેજ રેલવેનું સ્ટેશન હતું. તેનું પ્રાચીન નામ ચંડીપુર છે. તે ચાણોદ નામથી પણ ઓળખાય છે.
આ તીર્થધામ દક્ષિણના પ્રયાગ કે ત્રિવેણીસંગમ તરીકે જાણીતું છે. ઓરસંગ અને નર્મદાને ગુપ્ત સરસ્વતી મળે છે અને તે કારણે ત્રિવેણીસંગમ થાય છે. અહીં ઘણા લોકો કાર્તિક, ચૈત્ર અને ભાદ્રપદમાં પિતૃઓના શ્રાદ્ધ માટે આવે છે.
અહીં કપિલેશ્વર, કાશીવિશ્વનાથ, દામેશ્વર વગેરે છએક શિવમંદિરો છે. કપિલેશ્વર મંદિર 1000 વરસ જૂનું છે. સ્કંદપુરાણના રેવાખંડમાં તેનો ઉલ્લેખ છે. કપિલ નાગે અહીં તપ કર્યું હતું. કાશીવિશ્વનાથ કાશીનાથ ગાયકવાડે અને દામેશ્વર દામાજીરાવ ગાયકવાડ બીજાએ બંધાવેલાં છે. રણછોડરાય, શેષનારાયણ, બાલાજી અને ત્રિકમજીનાં મંદિરો અને મહાપ્રભુની બેઠક તે (વલ્લભાચાર્ય) વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરો છે. શેષનારાયણની મૂર્તિ કાળા આરસની છે. આ ઉપરાંત રામચંદ્રજી, હનુમાનજી, વેરાઈ માતા, હરિસિદ્ધિ માતા, ચંડિકા માતા વગેરેનાં મંદિરો પણ છે. ચંડિકા માતાના મંદિરના પ્રાંગણમાં 7 ઘોડાવાળા રથમાં બેઠેલા સૂર્યની મૂર્તિ છે. ચાંદોદથી ઉપરવાસમાં કુબેરભંડારીનું શિવમંદિર આવેલું છે. નર્મદાની પરિકમ્મા કરનારા યાત્રીઓ માટે ચાંદોદ અગત્યનું વિશ્રામસ્થાન છે.
ચાંદોદ મૂળ બ્રાહ્મણોને દાનમાં અપાયેલ અગ્રહાર હશે. ચાંદોદના વિદ્વાનો સંસ્કૃત અને કર્મકાંડ માટે જાણીતા છે. અહીં બે સંસ્કૃત પાઠશાળાઓ છે.
નદી ઉપર મલ્હારરાવ ઘાટ, ચક્રપાણિ ઘાટ, યમ ઘાટ, હરિજન ઘાટ અને કપિલેશ્વર ઘાટ છે. ચૈત્રી પૂનમને દિવસે અહીં મેળો ભરાય છે.
આઝાદી પૂર્વે ચાંદોદનો અર્ધો ભાગ ગાયકવાડનો અને બીજો અર્ધો ભાગ માંડવાના રાણાનો હતો. મેજર જેમ્સ ફૉર્બસે ચાંદોદનો તેના પુસ્તક ‘ઓરિયેન્ટલ મૅમોયર્સ’માં ઉલ્લેખ કર્યો છે.
આ સ્થળ નર્મદાકાંઠાના વિસ્તારનાં ગામો માટેનું બજાર છે. ખાસ કરીને તેનો ઇમારતી અને બળતણનાં લાકડાં અને કોલસાનો મોટો વેપાર છે. નદીના ભાઠામાં શાકભાજીની ખેતી થાય છે. 2022 મુજબ અહીંની વસ્તી 3,381 છે.
શિવપ્રસાદ રાજગોર