ચાંદ્ર આંદોલન (libration)

January, 2012

ચાંદ્ર આંદોલન (libration) : ચંદ્રની કક્ષીય ગતિઓમાં પૃથ્વી ઉપરથી દેખાતી આભાસી અને વાસ્તવિક અનિયમિતતાઓને કારણે ઉદભવતી ઘટના. ચંદ્રનો પૃથ્વીની તરફ રહેતો ભાગ હંમેશાં અવિચળ રહે છે અને એકીસમયે ચંદ્રસપાટીનો 50 % ભાગ જ જોઈ શકાય છે. તેમ છતાં ઉપર કહેલી અનિયમિતતાઓને કારણે, સમયાંતરે લીધેલાં ચંદ્ર-અવલોકનોને એકત્રિત કરતાં ચંદ્રસપાટીનો લગભગ 57 % ભાગ ‘જોઈ’ શકાય છે.

ચાંદ્ર આંદોલનો કે કંપનોમાં મુખ્ય ફાળો 3 પ્રકારનાં ભૌમિતિક દોલનોનો હોય છે.

(1) રેખાંશીય દોલન : ચંદ્રનો ધરીભ્રમણવેગ અચળ રહે છે, જ્યારે તેની ભ્રમણકક્ષા ઉપવલયાકાર હોવાને કારણે તેના કક્ષીય વેગમાં નિયમિતરૂપે વધઘટ થાય છે; એટલે ચાંદ્ર માસ દરમિયાન પૃથ્વી ઉપરથી જુદા જુદા સમયે ચંદ્રબિંબની પૂર્વ કિનારી તરફની અથવા પશ્ચિમ કિનારી તરફની લગભગ 7 % જેટલી વધારે સપાટી જોઈ શકાય છે.

(2) અક્ષાંશીય દોલન : ચંદ્રના ભ્રમણતલ-લંબની સાથે ચંદ્રધરી લગભગ 6.5°નો ખૂણો બનાવે છે. એટલે ચાંદ્ર માસ દરમિયાન પૃથ્વી ઉપરથી જોતાં ચંદ્રના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પૃથ્વી તરફ વારાફરતી ત્રાંસા ઢળતા દેખાય છે.

(3) દૈનિક દોલન : પૃથ્વીના ધરીભ્રમણને કારણે ચંદ્રાસ્તની સરખામણીએ ચંદ્રોદય સમયે પૃથ્વી ઉપરનો અવલોકનકાર ચંદ્રના પશ્ચિમ કિનારીના વધુ ભાગને જોઈ શકે છે.

આ 3 ભૌમિતિક દોલનો ઉપરાંત, એક ભૌતિક દોલન પણ જોવામાં આવે છે, જે થવાનું કારણ ચંદ્રના વિષુવવૃત્તીય ઊપસેલા ભાગ (bulge) ઉપર પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે ચાંદ્ર ગતિમાં થતો ફેરફાર છે.

પ્ર. દી. અંગ્રેજી