ચાંદબીબી (જ. 1547, લખનૌ; અ. જુલાઈ 1600, અહમદનગર) : દક્ષિણ હિંદના અહમદનગર રાજ્યની શૂરવીર, ર્દઢ મનોબળવાળી અને શક્તિશાળી સ્ત્રીશાસક. અહમદનગર રાજ્યના શાસક હુસેન નિઝામશાહની પુત્રી અને સુલતાન મુઝફ્ફરશાહની ફોઈ.
એક કાર્યક્ષમ અને પરાક્રમી સ્ત્રી તરીકે તેણે વિજાપુરના સુલતાન તેના પતિ અલી આદિલશાહને શાસન ચલાવવામાં અને યુદ્ધના સંચાલનમાં પણ મદદ કરી હતી.
1580માં તેના પતિનું ખૂન થતાં તેણે તેના ભત્રીજાને રાજ્યશાસનમાં સહાય કરી. 1582માં સરદાર કિશ્વરખાને તેને કેદમાં નાખી ત્યારે તેના સૈનિકોએ તેને મુક્ત કરી હતી. તેના સમયના અન્ય બળવા ખાળવામાં તે સફળ નીવડી હતી.
1595ના નવેમ્બરમાં અકબરના પુત્ર મુરાદ તથા અબ્દુર રહેમાન ખાનખાનાએ અહમદનગર ઉપર ચડાઈ કરી ત્યારે રીજન્ટ ચાંદબીબીએ તેમનો બહાદુરીથી સામનો કર્યો હતો. યુદ્ધ દરમિયાન એક રાત્રે કિલ્લાની દીવાલમાં ગાબડું પડતાં તેણે જાતે કિલ્લા પાસે ઊભા રહીને કિલ્લાનું સમારકામ કરાવ્યું હતું. મુઘલોને વરાડ પ્રદેશ મળતાં તેમણે ઘેરો ઉઠાવ્યો હતો. આ વખતે ચાંદબીબીની બહાદુરીથી પ્રભાવિત થયેલા મુરાદે તેને ‘ચાંદ સુલતાના’ એવું નામ આપેલું.
દરમિયાન અહમદનગરના અમીરોના બખેડા ચાલુ રહેતાં, અકબર એ સમયે બુરહાનપુર હતો તેણે શાહજાદા દાનિયાલ અને ખાનખાનાને અહમદનગર મોકલ્યા. આવી મોટી સેનાનો સામનો કરવો ચાંદબીબી માટે અશક્ય હતું. તેણે દાનિયાલ સાથે સદભાવ ભરી સુલેહ કરવા નિર્ધાર્યું પણ એવામાં જીતખાન નામના અધિકારી અને હીજડાએ સૈનિકોને ઉશ્કેરી ચાંદબીબીની કતલ કરાવી. અહમદનગરને જીતી લઈ તેને ખાલસા કરવામાં આવ્યું.
ચાંદબીબી તેની લશ્કરી કુનેહ અને વહીવટી દક્ષતા માટે ઇતિહાસમાં પંકાયેલી છે. તે અરબી અને ફારસી ભાષાઓની વિદ્વાન હતી. મરાઠી અને કન્નડ જેવી દખ્ખણની ભાષાઓ તે સારી રીતે બોલી શકતી. સંગીત અને ચિત્ર પણ તેના રસના વિષયો હતા. તે વિદ્વાનોની આશ્રયદાતા પણ હતી. હિંદમાં પોતાનું નસીબ અજમાવવા આવનારા વિદેશી વિદ્વાનોને તેણે વિશેષ સવલતો આપી હતી. તે નિ:સંતાન હતી.
મુગટલાલ પોપટલાલ બાવીસી