ચાંદપગો : કપાસમાં ફૂગથી થતો અને સૂકા સડાના નામથી પણ ઓળખાતો રોગ. આ રોગ મુખ્યત્વે 10થી 12 અઠવાડિયાંના છોડ ઉપર આક્રમણ કરે છે તેથી કેટલીક વાર ફરીથી વાવણી કરવી પડે છે.

આ રોગનું ખાસ લક્ષણ એ છે કે અસરગ્રસ્ત છોડ આડો પડી જતો નથી તેમજ રોગિષ્ઠ ભાગ પાણીપોચો હોતો નથી. છોડને આદિમૂળ સાથે આસાનીથી ખેંચી કાઢી શકાય છે. આ ફૂગ પાન, કંઠ અને મૂળ ઉપર આક્રમણ કરે છે. કંઠ ઉપર ઝાંખાં ભૂખરાં અથવા લાલાશ પડતાં ભૂખરાં ચાંદાં થાય છે, જે પાછળથી કાળા રંગનાં થાય છે. અસરગ્રસ્ત બીજપત્ર નાનાં સંકોચાયેલાં અને લટકતાં હોય છે. થડનો ભાગ સુકાઈને તેની છાલ ઊખડી જતી જોવા મળે છે. આદિમૂળ પાતળું પડી જાય છે. આક્રમણ ઉગ્ર હોય ત્યારે છોડ મૃત્યુ પામે છે. મોટા છોડ ઉપર આક્રમણ થાય ત્યારે તેનાં પાન શરૂઆતમાં રંગવિહીન અને ત્યારપછી ભૂખરાં થાય છે, જે સંકોચાયેલાં અને બેડોળ હોય છે તેમજ પાન અંદરની બાજુ વીંટળાઈ જવાની શક્યતા વધે છે. મોટા છોડના કંઠ ઉપરની છાલ વિભાજિત અને વિચ્છેદિત હોય છે. પુષ્કળ વરસાદ પછી જમીનનું પડ સખત થતાં કંઠનો ભાગ પહોળો થઈને ઊભી તિરાડ પડે છે.

સતત વરસાદ તેમજ પાણી ભરાઈ રહે તેવા વિસ્તારમાં આ રોગ ઉગ્ર બને છે. રોગનો ફેલાવો વરસાદના છાંટા, રોગિષ્ઠ અવશેષો તેમજ કીટકોથી થાય છે. રોગનું આક્રમણ છોડને થતા જખમો દ્વારા થાય છે.

બીજની માવજત, પાકની ફેરબદલી, જમીનની માવજત તેમજ પાણીનો સારો નિતાર કરવાથી તેમજ મૂળખાઈ માટે ઉપયોગમાં લેવાતી દવાની માવજતથી આ રોગની ઉગ્રતા ઓછી કરી શકાય છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ