ચલણી નોટ : આધુનિક જમાનામાં વૈશ્વિક સ્તરે વ્યાપક રીતે અમલમાં આવેલું વિનિમયનું માધ્યમ. તે બિલ, કાગદી ચલણ અથવા નોટ સ્વરૂપમાં હોય છે. તે એક પરક્રામ્ય વટાઉ ખતપત્ર હોય છે. તે વચનચિઠ્ઠી (પ્રૉમિસરી નોટ) તરીકે પણ ઓળખાય છે. ઓછા મૂલ્યવાળા નાણાકીય એકમો માટે હવે સિક્કાઓ ચલણમાં રાખવામાં આવે છે જ્યારે વધુ મૂલ્યવાળા નાણાકીય એકમો માટે બૅંકનોટો ચલણમાં રખાતી હોય છે.

ચલણ તરીકે બૅંકનોટના ચલણની શરૂઆત સાતમી સદીમાં ચીનમાં તાંગ અને સાગ વંશજોના શાસનકાળ દરમિયાન થઈ હતી. તાંબાના બનેલા સિક્કાઓ વ્યાપાર વાણિજ્યના વિનિમયવ્યવહારમાં વજનની ર્દષ્ટિએ પ્રતિકૂળ જણાતાં તાંગ વંશજોએ બૅંકનોટો ચલણમાં આણી. મૉંગોલ સામ્રાજ્યમાં યુઆન વંશના શાસન દરમિયાન તેનો અમલ શરૂ થયો. યુરોપના દેશોમાં ચૌદમી સદીમાં વિનિમયના માધ્યમ તરીકે બૅંક-નોટ દાખલ કરવામાં આવી અને સત્તરમી સદીમાં તો તેનો વ્યવસ્થિત રીતે વ્યવહાર થવા લાગ્યો. તે પૂર્વે સોના કે ચાંદી જેવી કીમતી ધાતુઓના સિક્કાઓ વિનિમયના માધ્યમ તરીકે પ્રચલિત હતા; પરંતુ જેમ જેમ વાણિજ્ય અને વ્યાપારમાં વિનિમયના વ્યવહારોનું વિસ્તરણ થતું ગયું તેમ તેમ ધાતુના પુરવઠાની અછતને કારણે તેના સિક્કાઓ બનાવવા મુશ્કેલ થતા ગયા. વળી ધાતુના સિક્કાઓ દ્વારા વ્યાપારવાણિજ્યના વ્યવહારોમાં નડતી મુશ્કેલીઓ ક્રમશ: વધુ ને વધુ છતી થતી ગઈ જ્યારે ભિન્ન ભિન્ન મૂલ્ય ધરાવતી કાગળની નોટો મારફત વ્યવહાર કરવો કેટલો અનુકૂળ છે તે જણાતું ગયું. 1696માં બૅંક ઑવ્ સ્કૉટલૅંડ એ સર્વપ્રથમ વ્યાપારી બૅંક હતી જેણે સફળ રીતે બૅંકનોટો ચલણમાં મૂકી. તે પૂર્વે બૅંક નોટો બહાર પાડવાનો ઇજારો તે દેશની મધ્યસ્થ બૅંક ધરાવતી હતી. આજે પણ બૅંક ઑવ્ સ્કૉટલૅન્ડ વ્યાપારી બૅંક હોવા છતાં ચલણી નોટો બહાર પાડતી હોય છે. અમેરિકામાં મૅસેચૂસેટ્સ બે કૉલની અમેરિકાની તેર કૉલનીઓમાં સર્વપ્રથમ એની કૉલની હતી જેણે બૅંકનોટો ચલણમાં મૂકવાનું સાહસ કર્યું હતું. અઢારમી સદીના પ્રારંભકાળથી પોતપોતાની બૅંક-નોટો બહાર પાડવાનું કાર્ય અમેરિકાની બધી જ કૉલનીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું. અમેરિકાના ક્રાંતિયુદ્ધ દરમિયાન યુદ્ધની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાના હેતુથી કૉન્ટિનેન્ટલ કૉંગ્રેસ દ્વારા કૉન્ટિનેન્ટલ બૅંકનોટો ફરતી કરવામાં આવી. 1862 સુધી અમેરિકાના સમવાયતંત્રની સરકારે બૅંકનોટો ફરતી કરી ન હતી; પરંતુ 1789માં અમેરિકાનું બંધારણ અધિકૃત રીતે સ્વીકૃત થતાં ત્યાંની કૉંગ્રેસે પોતાની સર્વપ્રથમ મધ્યસ્થ બૅંકને ચલણી નોટો બહાર પાડવાની સત્તા આપી; પરંતુ આ સત્તા આગળ ચાલુ ન રખાતાં 1811માં આ બૅંકે પોતાનું એ કાર્ય સમેટી લીધું. ત્યારબાદ વર્ષ 1816માં અમેરિકાની કૉંગ્રેસે દેશની બીજી મધ્યસ્થ બૅંકને બૅંકનોટો બહાર પાડવાની સત્તા આપી, જે કામ તેમણે 1841 સુધી ચાલુ રાખ્યું. 1933માં અમેરિકાની સમવાય સરકારે બહાર પાડેલા વહીવટી હુકમ અન્વયે ધાતુના સિક્કાઓની અવેજીમાં કાગળની નોટો ચલણમાં મૂકવામાં આવી; એટલું જ નહિ, પરંતુ જે નાગરિકો પોતાની પાસે બૅંકનોટોની અવેજીમાં સો ડૉલરના મૂલ્યનો સોનાનો જથ્થો રાખે તેમને દસ હજાર ડૉલર જેટલો દંડ તથા દસ વર્ષના કારાવાસની સજા ફટકારવામાં આવે એવી જોગવાઈ પણ એ હુકમ દ્વારા કરવામાં આવી.

સામાન્ય રીતે દેશની મધ્યસ્થ બૅંક અથવા સરકારી તિજોરીને બૅંકનોટો બહાર પાડવાનો ઇજારો આપવામાં આવતો હોય છે. અલબત્ત કેટલાક દેશોમાં નોટો બહાર પાડવાનું કામ ખાનગી બૅંકો પણ કરતી હોય છે; દા.ત., અમેરિકામાં 1863–1935ના ગાળામાં વ્યાપારી બૅંકોને નોટો બહાર પાડવાની સત્તા પ્રદાન કરવામાં આવી હતી.

બહુ થોડા દેશોમાં આજે પણ ખાનગી બૅંકો પોતાની નોટો (બૅંકનોટો) બહાર પાડતી હોય છે; દા.ત., બ્રિટનના સ્કૉટલૅન્ડ અને નૉર્થ આયર્લૅન્ડ જેવા ઘટકો આજે પણ સ્થાનિક વિનિમયવ્યવહાર માટે પોતાની અલાયદી બૅંકનોટો કાઢી આપતી હોય છે, જોકે તેવી નોટો કાયદેસરનું નાણું ગણાતી નથી. યુનાઇટેડ કિંગ્ડમ(યુ.કે.)ની મધ્યસ્થ બૅંક, બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડ દ્વારા પ્રસારિત બૅંકનોટો જ કાયદેસરનું નાણું (Legal tender) ગણાતી હોય છે. હાગકાગમાં ત્રણ વ્યાપારી બૅંકોને ‘હૉંગકૉંગ-ડૉલર’ નામ ધરાવતી બૅંકનોટો કાઢી આપવાની સત્તા આપવામાં આવી છે.

ભારતમાં 1858ના ઢંઢેરા દ્વારા બ્રિટિશ હકૂમત દાખલ કરવામાં આવી. ત્યારબાદ ત્રણ વ્યાપારી બૅંકોનું પ્રાદેશિક ધોરણે પ્રસ્થાપન કરવામાં આવ્યુ : બૅંગોલ પ્રેસિડેન્સી બૅંક, મદ્રાસ (ચેન્નાઈ) પ્રેસિડેન્સી બૅંક અને બૉમ્બે પ્રેસિડેન્સી બૅંક. આ ત્રણેયનું 1922માં વિલીનીકરણ કરી ઇમ્પીરિયલ બૅંકની સ્થાપના કરવામાં આવી, જે વ્યાપારી બૅંકનો દરજ્જો ધરાવતી હોવા છતાં તેને બૅંકનોટો ચલણમાં મૂકવાની સત્તા આપવામાં આવી હતી (1922–35). 1935માં દેશની અધિકૃત મધ્યસ્થ બૅંક તરીકે રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાની સ્થાપના થતાં તેને વધારે મૂલ્યવાળી બૅંકનોટો (high denomination notes) પ્રસારિત કરવાની અધિકૃત સત્તા પ્રદાન કરવામાં આવી. આજે પણ બે, પાંચ, દસ, વીસ, પચાસ, સો, બસો,પાંચસો, એક હજાર, બે હજાર રૂપિયાનું નાણાકીય મૂલ્ય ધરાવતી બૅંકનોટો પ્રસારિત કરવાની એકમાત્ર સત્તા રિઝર્વ બૅંક પાસે છે. માત્ર એક રૂપિયાના મૂલ્યવાળી નોટો કેન્દ્ર સરકારના નાણાવિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. રૂપિયા બેથી રૂપિયા હજાર સુધીનું મૂલ્ય ધરાવતી નોટો અમર્યાદિત ટેન્ડર (unlimited tender) ગણાય છે, જે સ્વીકારવાની ના પાડી શકાય નહિ. રૂપિયા એકની બૅંકનોટો કાયદાની રૂએ મર્યાદિત ટેન્ડર લેખાય છે. 30 જૂન 1911ના રોજ ભારતમાં રૂપિયા 9.70 લાખ કરોડ જેટલા નાણાકીય મૂલ્ય ધરાવતી ચલણી નોટો પ્રચલનમાં હતી જેમાંથી 60 ટકા કરતા પણ વધારે નોટો રૂ. 500 અને રૂ. 1000ની હતી.

ભારતમાં સ્થાનિક રાજ્યો પૈકી કેવળ હૈદરાબાદ રાજ્યે (1918–1942) દરમિયાન એક, પાંચ, દસ, સો અને એક હજારની નોટો પ્રગટ કરેલી. આઝાદ હિંદ ફોજે ભારતની આઝાદીની ચળવળના અનુસંધાનમાં રંગૂનમાંથી 1943માં રૂપિયા પાંચ, દસ અને સોની નોટો પ્રગટ કરેલી જેના અગ્રભાગમાં ડાબી બાજુ હિંદુસ્તાનનો નકશો અને જમણી બાજુ સુભાષ બોઝની છબી અંકિત હતી. ગુજરાતમાં કચ્છ રાજ્યે 1946માં મહારાવ વિજયરાજની છબીવાળી પચીસ, પચાસ, સો અને પાંચસો કોરીના મૂલ્યની નોટો છાપેલી, પરંતુ એ ચલણમાં મૂકવામાં આવી નહોતી. ફિરંગીઓ અને ફ્રેંચોએ પણ પોતપોતાની વસાહતોમાં ચલણ માટે નોટો પ્રગટ કરી હતી.

બૅંકનોટો જેના પર છાપવામાં આવે છે તે કાગળ વિશિષ્ટ ગુણવત્તા ધરાવતો હોય છે તથા તેના પરની વિગતો વિશિષ્ટ રીતની અને ચિત્રસજાવટ પણ વિશિષ્ટ પ્રકારની હોય છે; જેથી સરકાર સિવાય અન્ય કોઈ નાગરિક તેની નકલ કરી શકે નહિ. વળી અધિકૃત બૅંકનોટો સરકાર હસ્તકના છાપખાનામાં અત્યંત કડક બંદોબસ્ત હેઠળ છપાતી હોય છે. મહારાષ્ટ્રના નાશિકમાં બૅંકનોટો છાપવાનું કામકાજ કરનાર ભારતનું સર્વપ્રથમ છાપખાનું અસ્તિત્વમાં આવેલું. જેમ જેમ બૅંકનોટોની જરૂરિયાતો વધતી ગઈ તેમ તેમ હવે દેશનાં અન્ય જૂજ નગરોમાં પણ આવાં છાપખાનાં ઊભાં કરવામાં આવ્યાં છે. મધ્યપ્રદેશના દા.ત. દેવાસમાં પણ આવું બીજું છાપખાનું સ્થપાયું છે.

ધાતુના સિક્કાઓ બનાવવાના ખર્ચ કરતાં બૅંકનોટો છાપવાનો ખર્ચ ઘણો ઓછો હોય છે તથા વિનિમયની પ્રક્રિયા દરમિયાન તે બગડી જાય તોપણ બગડી ગયેલી બૅંકનોટોની અવેજીમાં તેટલા જ મૂલ્યની બીજી નોટો અપાતી હોય છે. બૅંકનોટોના જથ્થા એક જથ્થાથી બીજી જગ્યાએ લઈ જવાનો પરિવહન-ખર્ચ પણ સિક્કાઓની હેરફેર માટે થતા ખર્ચ કરતાં ઘણો ઓછો થાય છે. બૅંકનોટોના આ લાભોને કારણે ચલણ તરીકે તેનો ઉપયોગ હવે વધુ ને વધુ સાર્વત્રિક બન્યો છે.

કેટલાક દેશોમાં કાગળની નોટોની જગ્યાએ પ્લાસ્ટિકની નોટો ફરતી મૂકવાનું વિચારણા હેઠળ છે, કારણ કે કાગળની નોટો કરતાં પ્લાસ્ટિકની નોટો વધારે ટકાઉ હોવાની શક્યતા છે.

 

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

પ્રવીણચંદ્ર પરીખ