ચલતી કા નામ ગાડી : ગાયક અભિનેતા કિશોરકુમાર નિર્મિત અને અભિનીત ફિલ્મ. સ્વચ્છ પ્રણયપ્રસંગોને પ્રદર્શિત કરતી સર્વાંગસંપૂર્ણ હાસ્યપ્રધાન-સંગીતપ્રધાન ફિલ્મ 1958માં સૌપ્રથમ વાર રજૂઆત પામેલી. તેનું નિર્દેશન ફિલ્મકાર સત્યેન બોઝે સંભાળ્યું હતું. ફિલ્મમાં ત્રણેય કલાકાર ભાઈઓ અશોકકુમાર, અનુપકુમાર અને કિશોરકુમારે તથા નાયિકા તરીકે મધુબાલાએ તેમજ ચરિત્ર અભિનેતા તરીકે સજ્જને અભિનય આપ્યો હતો. ફિલ્મના સંગીતકાર એસ. ડી. બર્મન હતા. પ્રેમકથાના ચડાવ-ઉતાર આવરી લેતી આ ફિલ્મમાં મધ્યમ વર્ગના ત્રણ ભાઈઓનું શહેરના પરા વિસ્તારમાં એક મોટર-ગૅરેજ આવેલું છે. એક દિવસ વરસતા વરસાદમાં ફિલ્મની નટખટ નાયિકા મધુબાલા તેની મોટરકાર બગડી જતાં માંડ માંડ આ ગૅરેજમાં આવી પહોંચે છે. કાર તો રિપૅર થાય છે પણ ભારે વરસાદને કારણે નાયિકા ગૅરેજમાં જ રોકાઈ જાય છે. અહીં મુખ્ય નાયક કિશોરકુમાર અને નાયિકા પ્રેમાલાપ કરે છે. શરૂમાં નાયકના બંને ભાઈ નાયકના મજનૂવેડાને નકારી કાઢે છે. પણ નાયકનો પ્રેમ અતૂટ છે એ વાતની પ્રતીતિ તેમને થવા માંડે છે. બીજી તરફ, નાયિકાનાં માતાપિતા પણ પોતાની પુત્રીના મોટર-ગૅરેજવાળા સાથેના પ્રેમને તુચ્છ માનીને તેને વારવાનો ને સમજાવવાનો પ્રયાસ કરે છે; પરંતુ છેવટે સાચા પ્રેમની જીત થાય છે. બંને પ્રેમીઓ તેમના પ્રેમમાર્ગમાં આવતા તમામ અવરોધોને પડકારીને દૂર કરે છે અને ફિલ્મનો સુખદ અંત આવે છે. આ સંગીતપ્રધાન ફિલ્મનું ‘‘હાલ કૈસા હૈ જનાબ કા, ક્યા ખયાલ હૈ આપકા….’’ ગીત ખૂબ લોકપ્રિય રહ્યું છે.

દિનેશ દેસાઈ