ચરક (આયુર્વેદાચાર્ય) : ભારતવર્ષના પ્રાચીનકાળના એક સમર્થ આયુર્વેદાચાર્ય તથા ગ્રંથસંસ્કારકર્તા વિદ્વાન વૈદ્ય. ભારતના પ્રાચીન વ્યાકરણાચાર્ય પતંજલિ તથા આયુર્વેદના શલ્યક્રિયા(સર્જરી)ના જનક આચાર્ય ‘સુશ્રુત’ના તેઓ પુરોગામી હતા.
ભારતમાં આયુર્વેદની ઔષધિ (મેડિસીન) શાખાના આદ્યપ્રવર્તક ભગવાન પુનર્વસુ, આત્રેય કે કૃષ્ણાત્રેય નામના મહર્ષિ ગણાય છે. તેમણે અગ્નિવેશ, ભેલ, હારિત, જતૂકર્ણ અને ક્ષારપાણિ નામના મેધાવી શિષ્યોને આયુર્વેદનું પ્રશિક્ષણ આપ્યું. તે દરેક શિષ્યે પોતાના નામે સ્વતંત્ર સંહિતા રચી. આ શિષ્યોમાં અગ્નિવેશ બધામાં અગ્રણી અને પ્રખર મેધાવી હતો. અગ્નિવેશ તંત્ર(સંહિતા)નું આગળ જતાં કેટલાંક વર્ષો બાદ ચરકે નવસંસ્કરણ કર્યું. મૂળ તો તે ‘અગ્નિવેશ તંત્ર’ જ હતું, પણ ચરકે કરેલું નવસંસ્કરણ ખૂબ લોકપ્રિય થઈ પડતાં, લોકોએ તેને ‘ચરક-સંહિતા’ નામ આપી દઈ, તેમના જ્ઞાન અને તેમની વિદ્વત્તાનું બહુમાન કર્યું. ત્યારથી ‘ચરક-સંહિતા’ આચાર્ય ચરકની મનાય છે. ખરેખર તો તેઓ માત્ર નવસંસ્કારકર્તા કે ‘અગ્નિવેશ તંત્ર’ના એક વિદ્વાન સંપાદક વૈદ્ય હતા.
ભારતમાં 16મા શતકમાં થઈ ગયેલ વૈદ્ય પંડિત ભાવમિશ્રે ‘ભાવપ્રકાશ’ નામે આયુર્વેદનો ખૂબ મહત્ત્વનો ગ્રંથ લખ્યો છે. તેમનો મત આ પ્રમાણે છે : ‘જ્યારે શ્રી હરિ(વિષ્ણુ)એ મત્સ્યાવતાર ધરી વેદગ્રંથોનો ઉદ્ધાર કર્યો ત્યારે શેષનાગ ભગવાને એ વેદો સાથે આયુર્વેદનું જ્ઞાન મેળવ્યું. તે પછી તેઓ એક ચર(જાસૂસ)ની જેમ પૃથ્વી પરનું વૃત્તાંત જાણવા આવ્યા. તેમણે અનેક લોકોને રોગોથી દુ:ખી જોયા. તેથી તેઓ પોતે જ એક મુનિપુત્ર રૂપે પૃથ્વી પર પ્રગટ થયા અને ‘ચરક’ નામે ઓળખાયા. તેમણે જ ‘અગ્નિવેશ તંત્ર’નો નવસંસ્કાર કરી, તેને ‘ચરક-સંહિતા’ નામે પ્રસિદ્ધ કર્યો. સ્વર્ગમાં જેમ દેવોના ગુરુ (આચાર્ય) બૃહસ્પતિ શોભતા, એમ ચરકાચાર્ય પૃથ્વીલોકમાં આયુર્વેદના પ્રકાંડ પંડિત તથા આરોગ્યદાતા ભિષક્વર તરીકે શોભતા હતા.
‘ચરક’ શબ્દના બીજા પણ ઘણા અર્થો પ્રચલિત છે : જેમ કે (1) સર્વત્ર ફરનાર (યાયાવર) મુનિઓ ‘ચરક’ નામે ઓળખાય છે. (2) કૃષ્ણ-યજુર્વેદની એક શાખાનું નામ ‘ચરક’ હતું. (3) પરિવ્રાજક સાધુઓ માટે ‘ચરક’ શબ્દ વપરાયો છે. (4) સાયણ ભાષ્ય મુજબ – ચરક એટલે નટ થાય છે. (5) ચરક વ્યક્તિવિશેષનું નામ નથી, પણ એક સંપ્રદાયનું નામ છે.
ઐતિહાસિક ર્દષ્ટિએ એક મતે ચરક ઈ. સ.ના પહેલા સૈકા દરમિયાન ઉત્તર ભારતમાં થઈ ગયેલા કનિષ્ક રાજાના (રાજ)વૈદ્ય હતા; પરંતુ બીજા કેટલાક ઇતિહાસકારોના મતે તેઓ ઈ. પૂ. 800માં થઈ ગયા હતા.
હરિદાસ શ્રીધર કસ્તૂરે
બળદેવપ્રસાદ પનારા