ચરક-સંહિતા : આયુર્વેદનો આયુર્વેદાચાર્ય ચરક દ્વારા નવસંપાદિત પ્રસિદ્ધ ગ્રંથ. ભારતમાં આયુર્વેદિક જ્ઞાનના આદિપ્રવર્તક કે ‘વૈદકના પિતા’ તરીકે મહર્ષિ ભરદ્વાજ ગણાય છે. તેમના જ્ઞાનનો વારસો પુનર્વસુ આત્રેય અને ધન્વન્તરિને મળેલો. પુનર્વસુ આત્રેયના પટ્ટશિષ્ય તે અગ્નિવેશ, જેણે ગુરુના મુખેથી પ્રાપ્ત જ્ઞાનને લિપિબદ્ધ કરી ‘અગ્નિવેશ તંત્ર’ નામે સંહિતા લખી.

કેટલાંક વર્ષો પછી આચાર્ય ચરકે ‘અગ્નિવેશ તંત્ર’નું નવસંસ્કરણ કર્યું. આ ગ્રંથે તેના સમયમાં ખૂબ જ લોક-આદર તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યાં હતાં. મહર્ષિ ચરકે મૂળ ગ્રંથમાં યુગાનુરૂપ ખૂટતા અંશો ઉમેર્યા અને જૂના ગ્રંથને નવીન સુબોધ કલેવર આપ્યું. આખો ગ્રંથ સંસ્કૃત ભાષામાં ગદ્ય-પદ્યમાં લખાયો છે. તે વખતે ચરક સાધુચરિત, શ્રેષ્ઠ વિદ્વાન વૈદ્ય અને ઉત્તમ નવસંસ્કરણકર્તા હોઈ, લોકોએ ચરકનું નામ તેમના નવસંપાદિત ગ્રંથ સાથે જોડી દઈ, તેને ‘ચરક-સંહિતા’ એવું નવું નામ આપી, તેમના જ્ઞાનનું બહુમાન કર્યું.

જોકે ‘અગ્નિવેશ તંત્ર’નું નવસંસ્કરણ આચાર્ય ચરક પછીથી ર્દઢબલ નામના એક અન્ય કાશ્મીરી પંડિતે પણ કરેલ છે. મહર્ષિ ચરકે વર્તમાન ‘ચરક-સંહિતા’નો  ભાગ લખ્યો છે; જ્યારે ર્દઢબલે તેનો  ભાગ. મૂળ ગ્રંથમાં ખૂટતાં ચિકિત્સાસ્થાનના 17 અધ્યાયો, આખું કલ્પસ્થાન અને આખું સિદ્ધિસ્થાન ર્દઢબલે ઉમેરેલ છે. આમ વર્તમાન સમયે ઉપલબ્ધ ‘ચરક-સંહિતા’ એ મહર્ષિ ભરદ્વાજની પરંપરાના પુનર્વસુ આત્રેયના હોશિયાર-વિદ્વાન પટ્ટશિષ્ય અગ્નિવેશે લખેલ ‘અગ્નિવેશ તંત્ર’ના મહર્ષિ ચરક તથા ર્દઢબલ પંડિતે કરેલા નવસંસ્કરણની સુચારુ, સુસંકલિત રચના છે. હાલમાં આ ‘ચરક-સંહિતા’ સંસ્કૃત શ્લોક સાથે નીચે ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, તમિળ-તેલુગુ જેવી ભારતીય ભાષાઓમાં અનુવાદ સાથે મળી શકે છે. આમ ‘ચરક-સંહિતા’ ગ્રંથ ભારતીય આયુર્વેદ વિજ્ઞાનનો હાલ ઉપલબ્ધ સૌથી વધુ પ્રાચીન ગ્રંથ છે. ઈ. પૂ. 800માં ‘ચરકે’ નવસંસ્કૃત કરેલો. તેની ખ્યાતિ વિદેશોમાં પણ ફેલાઈ હતી. તેથી ઈસુની 8મી સદીની શરૂઆતમાં તેનો અરબી અને તે પછી તેનો લૅટિન ભાષામાં અનુવાદ થયેલો. લૅટિન ભાષામાં ‘ચરક-સંહિતા’ને ‘શરકા ઇન્ડિયાનૂસ’ નામ અપાયું છે. ઇતિહાસ કહે છે કે સંસ્કૃતમાં લખેલ ‘ચરક-સંહિતા’નું પ્રથમ પર્શિયન ભાષામાં અને પછી પર્શિયનમાંથી અરબી ભાષામાં ઈ. સ. 987માં ભાષાંતર થયેલું. અલ-બિરુનીએ તે અનુવાદ કરેલો. ત્યારપછી આ સંહિતા વિદેશની અંગ્રેજી, ફ્રેન્ચ તથા રશિયન ભાષામાં પણ અનૂદિત થઈ છે.

વર્તમાન સમયે આયુર્વેદના જે ત્રણ મહત્ત્વના ગ્રંથો ઉપલબ્ધ છે તે ‘ચરક-સંહિતા’, ‘સુશ્રુતસંહિતા’ તથા ‘અષ્ટાંગ-હૃદય’ છે. તે ત્રણેય જાણીતા ગ્રંથો છે. તેમાં ‘ચરક-સંહિતા’ સૌથી વધુ પ્રાચીન છે. વૈદકીય જ્ઞાનનો ભારતનો આ અણમોલ ગ્રંથ છે. આજે સન 2009ની સાલમાં પણ ભારતના તમામ હયાત વૈદ્યરાજો ચિકિત્સાક્ષેત્રના જ્ઞાનમાં ચરક-સંહિતા સર્વશ્રેષ્ઠ હોવાનું જણાવે છે.

‘ચરક-સંહિતા’ વૈદ્યકનો ગ્રંથ હોવા સાથે સ્વસ્થ જીવન જીવવા માટેનું ઉમદા જ્ઞાન આપનાર માર્ગદર્શક ગ્રંથ પણ છે. તેથી વિદ્વાનો તેને ‘જીવન-વિજ્ઞાનનો મહત્વપૂર્ણ આર્ષ ગ્રંથ’ પણ કહે છે.

આ પ્રાચીન આયુર્વેદ-સંહિતામાં માનવજીવનને અનુલક્ષીને આરોગ્ય અને રોગ ઉપરાંત આદર્શ જીવન જીવવા માટે જે કંઈ જ્ઞાન જરૂરી ગણાય, તે બધાંનો ઉત્તમ સમન્વય તથા તેનું નિરૂપણ છે. આ ગ્રંથમાં સહજ રીતે જ સ્વસ્થ રહેવાના નિયમો છે. તેમણે દિનચર્યા, રાત્રિચર્યા, ઋતુચર્યા, જીવનચર્યા તથા સદવૃત્તનું પૂર્ણ જ્ઞાન છે. વળી આત્મજ્ઞાન, ધર્મ અને ભારતીય સંસ્કૃતિની પણ માહિતી છે. વૈદક જ્ઞાનનો તો તે અનૂઠો ભંડાર (ખજાનો) છે. તેમાં અનેક વનસ્પતિઓનો પરિચય છે. રોગોનાં અનેક પ્રકારોનાં નામો અને તેમની ચિકિત્સાનું અદભુત જ્ઞાન છે. આખો ગ્રંથ ચિકિત્સાક્ષેત્રમાં જરૂરી આઠ અંગોનો બનેલો છે. અર્થાત્ વૈદક-વિજ્ઞાનમાં જરૂરી તમામ અંગોનું તેમાં ઉત્તમ અને સંપૂર્ણ નિરૂપણ છે. ચરકની ચિકિત્સાનું જ્ઞાન આજે 21મી સદીમાં પણ સચોટ ફળદાયી અને લાભપ્રદ જણાય છે, તે બાબત આ સંહિતાના જ્ઞાનની ને ઉચ્ચતમ કક્ષા છે તેની દ્યોતક છે. આમ ‘ચરક-સંહિતા’ સમગ્ર (હયાત) આયુર્વેદિક સાહિત્યના મૂલાધારરૂપ પ્રાચીનતમ અજોડ વૈદ્યકીય ગ્રંથ છે.

ચરકસંહિતા ગ્રંથની અન્તર્વસ્તુ : સમગ્ર ‘ચરક-સંહિતા’ કુલ આઠ ખંડો તથા 120 અધ્યાયોમાં વિભાજિત છે. આખો ગ્રંથ ‘કાય-ચિકિત્સા’(Medicine)નો એક સર્વોત્તમ વૈદ્યકીય ગ્રંથ છે. આયુર્વેદવિજ્ઞાનમાં ચિકિત્સાનાં આઠ અંગો (વિભાગો બતાવેલ છે; જેમ કે –

1-2 – શલ્ય-શાલાક્ય તંત્ર (surgery : major & minor)

3  – કાયચિકિત્સા કે ઔષધચિકિત્સા (medicine)

4 – માનસ તથા ભૂતવિદ્યા (psychology & science of evil spirits)

5 – કૌમારભૃત્ય (બાળરોગચિકિત્સા, pediatrics)

6 – અંગદ (વિષ) તંત્ર (toxicology)

7 – રસાયનતંત્ર (science of longevity)

8 – વાજીકરણ વિદ્યા (science of aphrolisiac)

ચિકિત્સાક્ષેત્રની ખાસ મહત્વની ગણાય તેવી આ આઠ શાખાઓ ઉપરાંત તેમાં સ્વસ્થવૃત્તવિજ્ઞાન (hygine), શરીરરચનાવિજ્ઞાન (anatomy), શરીરક્રિયા-વિજ્ઞાન (physiology), વ્યાધિવિજ્ઞાન (pathology), પ્રસૂતિવિજ્ઞાન (midwifery & gynaecology) તથા દ્રવ્યગુણવિજ્ઞાન (materia medica) જેવી અન્ય શાખાઓનો પણ સમાવેશ થાય છે.

‘ચરક-સંહિતા’ ગ્રંથમાં કુલ 8 અધિષ્ઠાનો છે; જેના કુલ 120 અધ્યાયો છે જે નીચે મુજબ છે :

(1) સૂત્રસ્થાન-30; (2) નિદાનસ્થાન-8; (3) વિમાનસ્થાન-8; (4) શરીરસ્થાન-8; (5) ઇન્દ્રિયસ્થાન-12; (6) ચિકિત્સાસ્થાન-30; (7) સિદ્ધિસ્થાન-12; (8) કલ્પસ્થાન-12.

‘ચરક-સંહિતા’માં 20 પ્રકારના રોગજનક વિષાણુઓ(virus)નું વર્ણન છે. તેમાંના કેટલાક શરીર બહાર, તો કેટલાક શરીરની અંદર ઊછરે છે. તે ઉપરાંત તેમનાં આકાર, કદ અને નામ આપ્યાં પછી જંતુનાશક ઔષધિઓની યાદી પણ આપી છે. આ ઉપરાંત તેમાં હૉસ્પિટલ અને પ્રસૂતિગૃહોનું પણ વર્ણન છે. હૉસ્પિટલ માટે જરૂરી તમામ સગવડો તથા પરિચારકો, શૌચાલય-બાથરૂમની વ્યવસ્થા, ચેપ રોકવાના અને સલામતી જાળવવાના ઉપાયો વગેરેનું પણ વ્યવસ્થિત માર્ગદર્શન આપેલ છે.

‘ચરક-સંહિતા’માં 149 જેટલા મહત્વના રોગોનાં તેમનાં લક્ષણો, પ્રકારો સાથે ઇલાજો બતાવ્યા છે. તેમાં 341 જેટલી વનસ્પતિજ, 177 જેટલી પ્રાણિજ અને 64 જેટલી ખનિજ-ઔષધિઓની તેના ગુણધર્મ સાથે માહિતી આપી છે.

ટૂંકમાં, ‘ચરક-સંહિતા’માં ભારતના સુવર્ણકાળ જેવા સમયે ભારતીય વૈદક-વિજ્ઞાનની એક ઉત્તમ છબી દેખાય છે. આ વિશિષ્ટ ગ્રંથ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું પણ ઉત્તમ પ્રતિબિંબ રજૂ કરે છે. આવી ઉત્તમ જ્ઞાનસંપદાથી જ આકર્ષાઈને વિદેશીઓ ભારતમાં આવીને વૈદકીય જ્ઞાન પ્રાપ્ત કરતા હતા.

વ્યવસાયી નીતિનું સંક્ષિપ્ત નિરૂપણ : આચાર્ય ચરકે ગ્રંથમાં ચિકિત્સાવ્યવસાયની નીતિ(professional ethics)નું સંક્ષિપ્તમાં નિરૂપણ કરતાં કહ્યું છે : ‘ખરી ઔષધિ એ જ કે જે વડે રોગીને આરોગ્ય મળે. ખરો ચિકિત્સક એ જ કે જે રોગીને રોગમુક્ત (સ્વસ્થ) કરે અને ખરી ચિકિત્સા એ જ કે જે એક રોગને મટાડે, પણ નવો રોગ કે ઉપદ્રવ પેદા ન કરે.’

ચરકે રોગના ઉપચાર કરતાં તેના નિવારણ તથા પ્રતિકાર ઉપર વધુ ભાર મૂક્યો છે. રક્તાભિસરણનો સિદ્ધાંત આયુર્વિજ્ઞાનક્ષેત્રમાં સૌપ્રથમ વિલિયમ હાર્વે (1578–1657) નામના વિજ્ઞાનીએ પ્રતિપાદિત કર્યો હોવાનું કહેવાય છે; પરંતુ ઈ. પૂ. 800 વર્ષ પહેલાં મહર્ષિ ચરકે તેમના ગ્રંથમાં આ વિષે સર્વપ્રથમ વર્ણન કરેલું છે. તે એક સત્ય હકીકત છે.

આયુર્વેદાચાર્ય ચરકની ધારણા હતી કે ચિકિત્સક (વૈદ્ય) માટે જ્ઞાની તથા વિદ્વાન હોવું એટલું જ માત્ર આવશ્યક નથી; એણે તે સાથે દયાવાન, સભ્ય અને સદાચારી પણ હોવું જરૂરી છે. એ સાથે ચરકે અર્વાચીન આયુર્વિજ્ઞાનના પ્રણેતા હિપોક્રેટસની પહેલાં ઘણા સૈકા પૂર્વે ‘ચરક-સંહિતા’માં વૈદ્યોને વ્યવસાયના નીતિ-નિયમોના પાલન માટે 10 જાતની પ્રતિજ્ઞાઓ દર્શાવીને, આ વિજ્ઞાનની આચારશુદ્ધિ ઉપર ખાસ જોર આપેલ છે. આવા નિયમો ચિકિત્સકો સમક્ષ મૂકવામાં ચરક જગતનો સર્વપ્રથમ ચિકિત્સક તથા ગ્રંથકાર છે.

આમ ‘ચરક-સંહિતા’ એ વર્તમાન તમામ આયુર્વેદિક વાઙ્મયમાં ઉપલબ્ધ સૌથી વધુ પ્રાચીન, વૈજ્ઞાનિક તથા સર્વ ચિકિત્સકો માટે ઉત્તમ માર્ગદર્શક ગ્રંથ છે; જેની જ્ઞાનસંપદા માટે ભારતીય લોકો ગર્વ લઈ શકે એમ છે.

 બળદેવપ્રસાદ પનારા