ચમારદુધેલી (નાગલા દુધેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ક્લેપિયેડેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pergularia daemia (Forsk.) Chiov syn. P. extensa N. E. Br.; Daemia extensa R.Br (સં. ફલકંટકા, ઇંદિવરા; મ. ઉતરણી, ઉતરંડ; હિં. ઉતરણ; ક. કુરૂટિગે, કુટિગ; તા. વેલિપારૂત્તિ; તે. ગુરુટિચેટ્ટ, જસ્તુપુ; મલા. વેલિપારૂત્તિ) છે. તે વાસ મારતી ક્ષીરરસયુક્ત વળવેલ છે અને ભારતના ઉષ્ણ ભાગોનાં મેદાનોમાં તથા હિમાલયમાં 1000 મી.ની ઊંચાઈ સુધી થાય છે. પર્ણો પહોળાં અંડાકાર કે ઊંડાં હૃદયાકાર, સાદાં, સંમુખ અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. પુષ્પો કક્ષીય, લાંબા પુષ્પદંડવાળાં, છત્રાકાર કે તોરા (corymbose) સ્વરૂપે ગુચ્છમાં ગોઠવાયેલાં, લીલાશ પડતાં પીળાં કે આછાં સફેદ અને જાંબલી છાંટવાળાં હોય છે. ફળ યુગ્મ એકસ્ફોટી (follicle) પ્રકારનું, ભાલાકાર, લાંબું–અણીદાર અને મૃદુ કંટકો વડે આચ્છાદિત હોય છે.
ચમારદુધેલી બકરાંનો ખોરાક છે. પર્ણો અને પુષ્પો ખાઈ શકાય છે. પર્ણોનો જલીય નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus અને Escherichia coli સામે જીવાણુરોધી (antibacterial) સક્રિયતા દાખવે છે. પ્રકાંડમાંથી મજબૂત રેસાઓ પ્રાપ્ત થાય છે; જે માછલી પકડવાની જાળ બનાવવામાં શણની અવેજીમાં વપરાય છે. વનસ્પતિનાં ક્ષીરરસનું વિશ્લેષણ આ પ્રમાણે છે : કુલ ઘન પદાર્થ 32.75 %, આલ્કોહૉલીય નિષ્કર્ષ 25.70 %, ક્લૉરોફૉર્મ-નિષ્કર્ષ 0.31 % અને અવશેષ 6.86 %.
આ વેલ વમનકારી (emetic), કફોત્સારી (expectorant) અને કૃમિહર (anthelmintic) ગુણધર્મો ધરાવે છે. પર્ણોનો કાઢો બાળકોને દમમાં અપાય છે. તેનો રસ શિશુઓને થતા અતિસાર(diarrhoea)માં ઉપયોગી છે. તાજાં પર્ણોમાંથી બનાવેલો મલમ ગૂમડાં કે પાઠા ઉપર લગાડવામાં આવે છે. પર્ણોનો રસ શરદીની ચિકિત્સામાં વપરાય છે. પર્ણોનો રસ અને કળીચૂનો સંયોજિત સ્વરૂપે આમવાત(rheumatic)ના સોજાઓમાં ઉપયોગી છે. તેનો રસ રેચક ઔષધીય તેલ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આ તેલ સંધિવા, અનાર્તવ (amenorrhoea) અને કૃચ્છ્રાર્તવ(dysmenorrhoea)માં આપવામાં આવે છે. મૂળની છાલ રેચક હોય છે અને આમવાતમાં ઉપયોગી છે.
આ વેલનો નિષ્કર્ષ ગર્ભાશય અને ઋતુસ્રાવની તકલીફોમાં તથા પ્રસવ સહેલાઈથી થાય તે માટે વપરાય છે. તેની ગર્ભાશય અને અન્ય અનૈચ્છિક સ્નાયુઓ ઉપર ઉત્તેજક અસર હોય છે. તે ઘણી બાબતોમાં પિટ્યૂઇટ્રિનની નકલ કરે છે. નિષ્કર્ષની પ્રક્રિયા ઉપર પ્રોજેસ્ટિરોનની કોઈ અસર નથી. પ્રોજેસ્ટિરોન પિટ્યૂઇટ્રિનની અસરને અવરોધે છે. નિષ્કર્ષ આપવાથી ધમનીમાં રુધિરનું દબાણ વધે છે અને જઠરનો સ્રાવ, મૂત્રાશયનું કાર્ય તથા આંતરડાના સ્નાયુઓ ઉત્તેજાય છે.
વનસ્પતિ-નિષ્કર્ષની સ્નાયુપોષી (musculotropic) સક્રિયતા પૉલિપેપ્ટાઇડ અને બિટાઇનની સંયોજિત અસરને લઈને છે. તે હેન્ટ્રાઇઍકોન્ટેન, લ્યુપિયોલ, α અને β ઍમાયરિન, β-સિટોસ્ટૅરોલ અને અન્ય સ્ટૅરોલ ધરાવે છે. બીજ અને પ્રકાંડમાંથી કેટલાંક કાર્ડેનોલાઇડ પ્રાપ્ત થયાં છે : બીજમાંથી કૅલેક્ટિન (C29H40O9, ગ.બિં. 270–272° સે.), કૅલોટ્રોપિન (C29H40O9, ગ.બિં. 234–240° સે.) અને કૅલોટ્રોપેજેનિન (C23H32O6, ગ.બિં. 248–255° સે.) તથા પ્રકાંડમાંથી યુઝેરિજેનિન (C23H34O4, ગ.બિં. 244–258° સે.) અને કૉરોગ્લોસિજેનિન (C23H34O5, ગ.બિં. 248–256° સે.) પ્રાપ્ત થાય છે.
આયુર્વેદ અનુસાર તે તીખી, શ્વેત, લઘુ, તુરી, ગરમ, સ્નિગ્ધ, મળસારક, પિત્ત અને કફની નાશક, આંખો માટે હિતકર અને ઉત્તમ વ્રણરોધક વનસ્પતિ છે. તેનો ખાસ કરીને પિત્તનાં દર્દો, તાવ, શ્વાસ, પિત્તપ્રમેહ, કોઢ, પ્રલાપ, તંદ્રા, ક્ષયની ઉધરસ, મૂત્રની અટકાયત, યોનિરોગ-નષ્ટાર્તવ-પીડિતાર્તવ, દાદર, વ્રણ (ગૂમડાં) તથા સોજાના દર્દ પર ઉપયોગ થાય છે. તેનાં પર્ણોનું શાક ઉષ્ણવીર્ય અને કડવું હોય છે. તે કૃમિ, હરસ, કોઢ તથા કફ-વાયુ મટાડે છે. તે સુખપ્રસવકારી, દૂઝતા હરસ મટાડનારી તથા બાળકોને ઊલટી કરાવનાર રેચક પણ છે. તેનાં ફળ ખારાં, કડવાં, ઉષ્ણ, તીખાં, લઘુ, અગ્નિદીપક, પિત્તકોપક, વિશદ અને વિષનાશક હોય છે.
તેનો ઉપયોગ વિષમજ્વર, જળવાત (તજાગરમી), શોફૉદર અને હુક (ચસકા, શૂળ) ઉપર, કાનમાં બગાઈ ગયા ઉપર ગૂમડું પાકીને ફૂટે તે માટે થાય છે.
દૂઝતા હરસ ઉપર ચમારદુધેલીનાં લગભગ 22 ગ્રા. જેટલાં પર્ણો ઘીમાં તળીને ખાવાથી થોડા દિવસમાં લોહી પડતું બંધ થાય છે. કફરોગ અને દમમાં તેની અસર આકડા અને ખડકી રાસ્ના જેટલી હોતી નથી; છતાં તે કેટલીક વાર આપવામાં આવે છે.
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ