ચતુર્ભાણી (પ્ર. 1922) : ચાર ભાણોનો સંગ્રહ. ભાણ એક હાસ્યપ્રધાન વિશિષ્ટ સંસ્કૃત નાટ્યપ્રકાર છે. ભરતનાટ્યશાસ્ત્રમાં એનાં લક્ષણો આમ આપેલાં છે : જાણીતું કે ઉત્પાદ્ય કથાવસ્તુ, માત્ર મુખ અને નિર્વહણ બે જ સંધિ, ઘણુંખરું આકાશભાષિત દ્વારા ગતિ કરતું કથાનક; વિટ કે ધૂર્તનું એક જ પાત્ર, એક જ અંક; શૃંગાર રસ (ક્યારેક વીરનું માત્ર સૂચન), લાસ્યાંગોનો પ્રયોગ, મુખ્યત્વે ભારતી (= વાણીપ્રધાન) વૃત્તિ. સામાન્ય પ્રકારનાં ઉત્તરકાલીન ભાણોમાં ચીલાચાલુ રીતે ગોઠવાયેલો ઘટનાક્રમ કંઈક આવો હોય : વિટ કે ધૂર્ત જેવું એકાદ પાત્ર કોઈક પ્રેમીનો પ્રણયસમાધાન કે મિલનસંકેતનો સંદેશો લઈ નીકળે, નગરના વિવિધ પણ મુખ્યત્વે ગણિકાઓવાળા મહોલ્લામાંથી પસાર થાય, અનેકવિધ પ્રેમી, રસિક, શૃંગારિક કલ્પિત પાત્રો જોડે આકાશભાષિતથી હાસ્યપૂર્ણ, શૃંગારિક એવો વાર્તાલાપ કરતો જાય, અંતે ગન્તવ્યસ્થાને પહોંચે અને પોતાને સોંપાયેલું દૂતકાર્ય સિદ્ધ કરે. ભાણને વિટ જેવા પાત્રની હાસ્યશૃંગારપ્રધાન એકોક્તિ કહી શકાય.
સંસ્કૃત નાટ્યપરંપરા ચાર પ્રશિષ્ટ ભાણકારોનો આદરપૂર્વક નિર્દેશ કરે છે :
वररुचिरीश्चरदत: श्यामिलकश्शूद्रकश्च चत्वार: ।
एते भाणान् बभणु: का शक्ति: कालिदासस्य ।।
(ભાણો તો કહ્યાં આ ચારે, કાલિદાસની શી શક્તિ ?) 1922માં રામકૃષ્ણ કવિએ ત્રિચુરથી આ ચાર કવિઓનાં કહેવાતાં ચાર ભાણ યથાક્રમ ‘ઉભયાભિસારિકા’, ‘ધૂર્ત-વિટ-સંવાદ’, ‘પાદતાડિતક’ અને ‘પદ્મપ્રાભૃતક’ – ‘ચતુર્ભાણી’ શીર્ષકથી પ્રસિદ્ધ કર્યાં. વિદ્વાનો આ રૂપકોનો સમય પાંચમીથી સાતમી સદીનો ગણે છે. ‘ઉભયાભિસારિકા’માં વિટ પોતાના મિત્ર કુબેરદત્તની વિનંતીથી એની રિસાયેલી પ્રિયા નારાયણદત્તાને મનાવવા નીકળે છે, પણ પોતાની સ્વભાવગત રીતિ પ્રમાણે ટહેલતો ટહેલતો નાયિકાને ત્યાં પહોંચે છે તે પહેલાં તો ઋતુના ઉન્માદક પ્રભાવથી વ્યાકુળ બનેલાં ઉભય પ્રેમીઓ સામસામાં અભિસારે નીકળી પરસ્પરને મળી ચૂક્યાં હોય છે ! ‘ધૂર્ત-વિટ-સંવાદ’માં ચતુર અને અનુભવી વિટ વર્ષા ઋતુથી વ્યગ્રતા અનુભવતો, પોતાનાં મિત્ર-દંપતી ધૂર્ત વિશ્વલક અને સુનન્દાને ત્યાં જઈ, તેમના વેશ – કામતંત્રવિષયક પ્રશ્નોનું સમાધાન કરી આપી સત્કાર મેળવે છે. ‘પાદતાડિતક’નું વસ્તુ જુદા પ્રકારનું અને રસપ્રદ છે. અહીં વિટ ટહેલતો ટહેલતો ધૂર્તો અને વિટોની એક સભામાં હાજરી આપવા જાય છે. સૌરાષ્ટ્રની ગણિકા મદનસેનિકાએ નશાથી પ્રણયોન્મત્ત અવસ્થામાં મહામાત્રના પુત્ર અને રાજ્યાધિકારી એવા બ્રાહ્મણ તૌણ્ડિકોકિ વિષ્ણુનાગને મસ્તક જેવા પવિત્ર અંગ પર પાદપ્રહાર કર્યો તેથી રુષ્ટ અને વ્યગ્ર અભિમાની બ્રાહ્મણ વિષ્ણુનાગ વિટમુખ્ય ભટ્ટિજીમૂત પાસે પ્રાયશ્ચિત્ત માગે છે. વિટસભામાં કોઈક સૂચવે છે કે પ્રાયશ્ચિત્ત વિષ્ણુનાગે નહિ, ગણિકાએ કરવું જોઈએ (કે આવા ગધેડાને કામિનીના પાદપ્રહારનો સુખાનુભવ કરાવ્યો); કોઈ કહે છે, વિષ્ણુનાગે ગણિકાનાં ચરણ દબાવવાં જોઈએ; કોઈક કહે છે, ગણિકાનાં ચરણ ધોઈ એ જળથી વિષ્ણુનાગે પોતાનું મસ્તક ધોઈ એ જળનું આચમન કરવું જોઈએ; કોઈક કહે છે, બ્રાહ્મણનું માથું મૂંડાવી નાખો; અંતે સર્વસંમતિ એવી થાય છે કે પ્રણયોન્મત્ત વિષ્ણુનાગને અક્કલ આપવા એના દેખતાં મદનસેનિકાએ સભાપ્રમુખ ધૂર્તશ્રેષ્ઠ ભટ્ટિજીમૂતના મસ્તકે પાદપ્રહાર કરવો. સમગ્ર ભાણસાહિત્યમાં આ નાટક અને તેનું કથાનક વિશિષ્ટ છે. ‘પદ્મપ્રાભૃતક’માં કર્ણીપુત્ર મૂલદેવ તેની પ્રિયા ગણિકા દેવદત્તાની નાની બહેન દેવસેનાના પ્રેમમાં છે. તે વિટ શશને દેવસેનાનું મન જાણવા મોકલે છે. ઉજ્જયિનીના વિવિધ માર્ગો પર ટહેલતો ટહેલતો વિટ દેવસેનાને ત્યાં પહોંચે છે અને એની સંમતિના સંકેતરૂપ ‘પદ્મપ્રાભૃતક’ અર્થાત્ લાલ કમળની ભેટ લઈને પાછો વળે છે.
આ ચારે નાટકોનાં ઘટનાસ્થળ ઉજ્જયિની કે કુસુમપુર જેવાં પ્રાચીન મહાનગરો છે. પાત્રો મુખ્યત્વે ગણિકાઓ તથા સમાજના ગણિકાગામી વર્ગોનાં હોવા છતાં તેમાં સ્તર, સ્વભાવ, વ્યવસાય વગેરેનું વૈવિધ્ય અદભુત છે. થોડાક લસરકાથી સજીવ બનતું સબળ પાત્રાલેખન છે. વિટનું પાત્ર ખૂબ ખીલે છે. સમાજના આ વર્ગોના શૃંગારિક જીવનવ્યવહારો, પરાક્રમો, અવસ્થાઓ વગેરેનું ચિત્રણ અહીં થયું છે. આ નાટકોમાં રસપ્રેરક કાર્યવેગ જળવાઈ રહે છે. નાટકોની ભાષા (વિરલ અપવાદ સિવાય) સંસ્કૃત છે, પણ તે પ્રવાહી, રસીલી, ચટકીલી, ધીંગી બરછટ, ઘડાયેલી, મુહાવરેદાર, વાર્તાલાપી અને અર્થસમૃદ્ધ છે; પ્રયુક્ત અને જીવતી સંસ્કૃત છે; વિવિધ વ્યવસાયોની પારિભાષિક પદાવલીઓને મળતી નવી ગણિકાલક્ષી અર્થચ્છાયાઓ ભાષાને અદભુત અર્થસમૃદ્ધિ અર્પે છે. નાટકોનાં કથાનકો કેવળ ગણિકાઓને લગતાં, કામલક્ષી, શૃંગારપ્રધાન છે અને તેમનું નિરૂપણ હાસ્ય-નર્મ-મર્મ-કટાક્ષના પ્રબળ સૂરવાળું છે.
રાજેન્દ્ર નાણાવટી