ચક્રવર્તી, બીરેન્દ્રનાથ (જ. 1920) : બંગાળી કવિ. પ્રાથમિક, માધ્યમિક તથા કૉલેજ શિક્ષણ કૉલકાતામાં, પણ શિક્ષણ પૂરું કરી શક્યા નહિ. વિપ્લવી સમાજવાદી પક્ષમાં ભળેલા, એથી 1967માં એમને કારાવાસ ભોગવવો પડેલો. 1940થી કાવ્યો લખવાની શરૂઆત કરેલી. મૌલિક કાવ્યરચનાના તેમણે 30 જેટલા સંગ્રહો પ્રગટ કર્યા છે. એમના ખૂબ જાણીતા કાવ્યસંગ્રહો છે ‘રાણુર જન્ય’, ‘લખી’દર’, ‘જાતક’, ‘આમાર રાજા હોવાર સ્પર્ધા’, ‘વીસા ઑફિસર સામને’ તથા ‘રાસ્તે હેંટે જાઇ’. ‘મહાપૃથ્વીર કવિતા’ એમનો વિશ્વની શ્રેષ્ઠ કવિતાના અનુવાદનો ગ્રંથ છે. એમને 1982માં એ પુસ્તક માટે રવીન્દ્ર પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
એમની કવિતા સાંપ્રતકાલીન પરિસ્થિતિ સામે વ્યંગરૂપ છે. એમાં હતાશા છે તથા પુણ્યપ્રકોપ છે. સાથે સાથે વિશાળ માનવતાનો ભાવ છે. એમના પર બંગાળી કવિઓ વિષ્ણુ દે તથા સમર સેનનો પ્રભાવ છે, પણ એમનાં પ્રતિરૂપો તથા કલ્પનોમાં એમની આગવી પ્રતિભા નજરે પડે છે.
ચન્દ્રકાન્ત મહેતા