ચઉપ્પન્નમહાપુરિસચરિયં

January, 2012

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર 376. તેને આધારે પં. અમૃતલાલ મોહનલાલ ભોજક સંપાદિત, પ્રાકૃત ગ્રંથ પરિષદના ગ્રંથાંક 3 તરીકે પ્રકાશિત (ઈ. સ. 1961).

જૈન ધર્મના શલાકાપુરુષોના સમુદિત ચરિત્રનો પ્રથમ પ્રાકૃત ગ્રંથ. સંસ્કૃત-પ્રાકૃતમાં આ પ્રકારનો તે પ્રથમ એકકર્તૃક ગ્રંથ છે. તેમાં 24 તીર્થંકરો, 12 ચક્રવર્તીઓ, 9 વાસુદેવો અને 9 બલદેવો એમ 54 મહાપુરુષોનાં ચરિત આપ્યાં છે. તેમાં શાન્તિનાથ, કુન્થુનાથ તથા અરનાથ એ ત્રણ તીર્થંકર તેમજ ચક્રવર્તી બંને હોઈ 51 જીવનવૃત્તાંતો થાય. તેમાંયે પિતા-પુત્ર અને અગ્રજ-અનુજનાં વૃત્તાંતો ભેગાં હોવાથી વસ્તુત: 40 ચરિત જ છે. એમાંથી 21 કથાનકો અતિસંક્ષિપ્ત છે. બાકીનાં 19 પૂર્વભવવર્ણન, શુભાશુભકર્મવિપાક-ઉપદેશ, પ્રસંગ-વિસ્તાર, અવાન્તરકથાવિસ્તાર, કર્મબન્ધ અને દેવનરકગતિ વિશે ઉપદેશ વગેરે કારણોથી વિસ્તૃત બન્યાં છે. ખુદ તીર્થંકર બનનાર જીવને પણ દુષ્કર્મનાં ફળ ભોગવવાં જ પડે છે, બાહ્ય ક્રિયાકાંડો વડે તેને નિષ્ફળ બનાવી શકાતાં નથી એમ સમજાવી જનતાને કલ્યાણમાર્ગમાં પ્રવૃત્ત રાખી નૈતિક સ્તર ઉન્નત રાખવાનો આમાં પ્રશસ્ય પ્રયત્ન છે.

શીલાંકાચાર્ય આચાર્યપરંપરાપ્રાપ્ત પ્રથમાનુયોગને પોતાનો પૂર્વસ્રોત ગણાવે છે. બીજા ગ્રંથોથી આ ગ્રંથની કક્ષા ભિન્ન છે તેથી સમજાય છે કે કોઈ પ્રકારનો બીજો સ્રોત પણ હશે જ. પૂર્વના ગ્રંથોમાંથી લીધેલ વસ્તુમાં ઘણા ફેરફાર કર્યા છે. દા.ત., રામકથામાં તે વિમલસૂરિને અનુસરતા હોવા છતાં તેમાં કરેલાં સૂચક પરિવર્તનો ધ્યાન ખેંચે છે. રાવણની બહેનનું નામ વિમલ ‘ચન્દ્રનખા’ આપે છે તો શીલાંક ‘શૂર્પનખા’ આપે છે. સીતાહરણના પ્રસંગમાં વિમલ અનુસાર રાવણ લક્ષ્મણના જેવો અવાજ કાઢી સિંહનાદ કરી રામને છેતરે છે, તો અહીં સુવર્ણમય માયામૃગનો પ્રયોગ કરીને છેતરે છે. વિમલમાં વાલિ દીક્ષા લઈ લે છે, જ્યારે અહીં તો રામ તેને મારે છે. આથી શીલાંક ઉપર વાલ્મીકિનો પ્રભાવ વધારે જણાય છે; જોકે અંતે તો તે કહે છે કે રામલક્ષ્મણનું ચરિત ‘પઉમચરિયં’માં વિસ્તારથી વર્ણવેલું છે.

આ ગ્રંથમાં અવાન્તરકથાઓ પાંચ જ છે. પરંતુ ઋષભચરિતમાં આપેલ વરુણવર્મની અવાન્તરકથામાં ‘વિબુધાનન્દનાટક’ અને તેય કરુણાંત નાટક રજૂ કર્યું છે તે તેની વિશિષ્ટતા છે. વરુણવર્મકથા, વિજયાચાર્યકથા તથા મુનિચન્દ્રકથા એ ત્રણ અવાન્તરકથાઓ અને બ્રહ્મદત્તચક્રવર્તિચરિતના અધિકાંશની રચનાશૈલી આત્મકથાત્મક છે. 10,800 ગ્રંથાગ્રનો વિસ્તાર ધરાવતા આ પુરાણગ્રંથની રચના ગદ્યપદ્યમિશ્રિત મહારાષ્ટ્રી પ્રાકૃતમાં કરાઈ છે. કેટલેક સ્થળે પદ્યગંધી ગદ્ય પણ છે. ‘વિબુધાનન્દનાટક’ સંસ્કૃતમાં છે, તેનાં કેટલાંક પાત્રો પ્રાકૃતમાં બોલે છે. સમગ્ર ગ્રંથમાં વચ્ચે વચ્ચે અપભ્રંશ સુભાષિતો પણ મળે છે. દેશી શબ્દો પણ છૂટથી પ્રયોજાયા છે. હેમચન્દ્રાચાર્યે જેનો નિર્દેશ ‘આર્ષ’ કે ‘બહુલ’ શબ્દથી કર્યો છે તેવા વિશિષ્ટ પ્રયોગો પણ અહીં ઠીક સંખ્યામાં જોવા મળે છે.

પશ્ચાત્કાલીન સંસ્કૃત-પ્રાકૃત રચનાઓ ઉપર ‘ચઉપ્પન્નમહા- પુરિસચરિયં’નો પ્રભાવ સારો જણાય છે. દા.ત., નવાંગી ટીકાકાર અભયદેવસૂરિશિષ્ય વર્ધમાનસૂરિના પ્રાકૃત ‘આદિનાહચરિયં’ની 45મી ગાથા આમાંથી જ લીધી છે. ગુણસેનશિષ્ય અને હેમચન્દ્રાચાર્યના ગુરુ પૂર્ણતલ્લગચ્છીય આચાર્ય દેવચન્દ્રની સંસ્કૃત રચના ‘મૂલશુદ્ધિ-પ્રકરણટીકા’ કે ‘સ્થાનકપ્રકરણટીકા’ના ચોથા અને છઠ્ઠા સ્થાનકમાંના ‘ચન્દનાકથાનક’ તથા ‘બ્રહ્મદત્તકથાનક’ની અધિકાંશ ગાથાઓ તથા કેટલાક ગદ્યસંદર્ભો આ ગ્રંથના ‘વસુમતીસંવિધાનક’ અને ‘બ્રહ્મદત્તચક્રવર્તિચરિત’ની સાથે બહુધા અક્ષરશ: મળે છે. વળી તેમના ‘ચન્દ્રપ્રભચરિત’માંની વજ્રાયુધકથાનો ઉત્તરભાગ નાટક રૂપે આપ્યો છે જે ‘વિબુધાનન્દનાટક’નું અનુસરણ લાગે છે. શીલાંકની વિજયાચાર્યકથા ભદ્રેશ્વરે પોતાની ‘કહાવલી’માં આખી ઉતારી છે અને તેના પ્રારંભમાં ‘પૂર્વવિદેહક્ષેત્ર’ લખ્યું છે તેને બદલે ‘ભરતક્ષેત્ર’ લખીને શીલાંકની ભૂલ સુધારી લીધી છે.

તત્કાલીન સામાજિક તથા સાંસ્કૃતિક પરિસ્થિતિ પણ આ ગ્રંથમાં સારી રીતે પ્રતિબિંબિત થઈ છે. યુદ્ધ, વિવાહ, જન્મ, ઉત્સવો વગેરેનાં વર્ણનોમાં તત્કાલીન પ્રથાઓ તેમજ રીતરિવાજો ઉપર સારો પ્રકાશ પડે છે. ભાષાનો પ્રવાહ અસ્ખલિત વહે છે અને ભાષાશૈલી મહાકાવ્યને અનુરૂપ છે. કવિની નૈસર્ગિક પ્રતિભાનાં દર્શન પણ સ્થળે સ્થળે થાય છે.

આમ્રકવિરચિત પ્રાકૃત ગ્રંથ ‘ચઉપ્પન્નમહાપુરિસચરિયં’ શીલાચાર્યની આ કૃતિથી જુદો છે અને તેના પછીની રચના છે.

જયન્ત પ્રે. ઠાકર