ઘોળ (jew fish) : મત્સ્યોદ્યોગની ર્દષ્ટિએ અગત્યની શ્રેણી Perciformes અને કુળ Scianidaeની દરિયાઈ માછલી. શાસ્ત્રીય નામ Nibea diacanthus. Scianidae કુળની માછલીઓ જ્યૂ-મીનના નામે ઓળખાય છે. આ માછલીઓની પહેલી અને બીજી પૃષ્ઠમીન પક્ષો વચ્ચે એક ઊંડી ખાંચ હોય છે. ભારતના દરિયાકિનારે અથવા

ઘોળ

સહેજ દૂર છીછરા પાણીમાં ઘોળ મળી આવે છે. કદમાં ઘોળ જેવી એક અન્ય માછલી દારા પણ ત્યાં રહેતી હોય છે. તેથી ઘોળ અને દારા એકીસાથે પકડાતી હોવાથી મોટી માછલીઓને લગતો આ મત્સ્યોદ્યોગ ઘોળ અને દારા મત્સ્યોદ્યોગ તરીકે ઓળખાય છે. 1.5 મીટર લાંબી આ માછલીની ગણના મોટી માછલી તરીકે થાય છે. ગુજરાતના દરિયાકિનારે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તે મોટી સંખ્યામાં જાળમાં ફસાય છે. ગુજરાતમાં પકડાતી 15–20 ટકા માછલીઓ ઘોળ-દારા માછલીઓ હોય છે. આ માછલી તાજી રાંધીને ખવાય છે અથવા તેને સૂકવીને અને તેના પાતળા ટુકડા (fillets) કરીને તેમજ અતિશય થીજવી (deep freezing) તેની જાળવણી કરવામાં આવે છે. અગ્નિ એશિયાના દેશોમાં તેની સારા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે. ફિલેટ્સની નિકાસ મધ્યપૂર્વ એશિયામાં થાય છે.

મ. શિ. દૂબળે