ચંપો : દ્વિદળી વર્ગમાં આવેલા મૅગ્નોલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Michelia champaca Linn. (હિં. બં. ચંપા, ચંપાક્ષ; મ. પીવળા-ચંપા, સોન-ચંપા; ગુ. ચંપો, પીળો ચંપો; તે. ચંપાકામુ; ત. શેમ્બુગા, ચંબુગમ; ક. સમ્પીગે; મલા. ચંપકમ્; અં. ચંપક) છે. તે 30 મી. સુધીની ઊંચાઈ અને 3.5 મી.નો ઘેરાવો ધરાવતું સદાહરિત વૃક્ષ છે. તેનું મુખ્ય થડ 20 મી. લાંબું હોય છે અને પૂર્વ હિમાલય, ઉત્તર-પૂર્વ ભારત અને પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. તેને સમગ્ર ભારતમાં ઉદ્યાનોમાં અને મંદિરો પાસે સુગંધિત પુષ્પો અને સુંદર પર્ણસમૂહ માટે ઉગાડવામાં આવે છે. તેની છાલ ભૂખરી કે બદામી રંગની હોય છે; પર્ણો અંડાકારથી માંડી ભાલાકાર અને ચર્મિલ (coriaceous) હોય છે. પુષ્પો કક્ષીય, એકાકી, પીળાં કે નારંગી રંગનાં અને સુગંધિત હોય છે. ફળ 5-10 સેમી. લાંબાં અને એકસ્ફોટી (follicle) સમૂહફળ પ્રકારનાં હોય છે. તેની પ્રત્યેક ફલિકા અંડાકાર કે ઉપવલયાકાર અને કાષ્ઠમય હોય છે. બીજ બદામી રંગનાં તથા કોણીય હોય છે અને ગુલાબી રસાળ બીજોપાંગ (aril) ધરાવે છે.

આ વૃક્ષ ભેજવાળી આબોહવામાં સૌથી સારી રીતે થાય છે અને ઊંડી ભેજવાળી જમીન તેને અનુકૂળ છે. તે મધ્યમ પ્રકાશાપેક્ષી અને હિમસંવેદી છે. નૈસર્ગિક પુનર્જનન (regeneration) માતૃવૃક્ષની આસપાસ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. પુષ્પનિર્માણ ઉષ્ણ અને વરસાદવાળી આબોહવામાં થાય છે. બીજનિર્માણ ઑગસ્ટમાં થતું હોવાથી સીધેસીધી વાવણી માટે ઘણો વિલંબ થાય છે. વળી બીજની અંકુરણક્ષમતા પણ ઓછી હોય છે, તેથી તાજાં બીજને ધરુવાડિયામાં ઉગાડવામાં આવે છે અને 12–15 માસના અંકુરનું રોપણ કરવામાં આવે છે. મૂળ અને પ્રરોહના ટુકડાઓનો પણ કૃત્રિમ પ્રસર્જનમાં ઉપયોગ થાય છે. કેટલીક જગાએ ઠૂંઠા-રોપણ (stump-planting) પણ સફળ થયું છે. આ વૃક્ષનું ઝાડીવન (coppice) સારી રીતે તૈયાર કરી શકાય છે. તેનો વૃદ્ધિનો દર ઝડપી હોય છે. વાર્ષિક ઘેરાવામાં સરેરાશ વધારો લગભગ 2.54 સેમી. જેટલો થાય છે.

આકૃતિ 1 : ચંપો – તેની પુષ્પ અને ફળ ધરાવતી શાખા

કાષ્ઠ પીળાશ પડતા રંગથી માંડી જેતૂન (olive)બદામી, કંઈક અંશે ચળકતું, સુરેખ-કણિકાયુક્ત (straight-grained), મધ્યમ ગઠનવાળું, પોચું અને હલકું (વિ. ગુ. 0.53; વજન આશરે 497–545 કિગ્રા./ઘમી.) હોય છે. તે બહુ ટકાઉ હોતું નથી. ગ્રેવયાર્ડ કસોટી મુજબ તેનું સરેરાશ જીવન 5 વર્ષ કે તેથી ઓછું હોય છે. તે સહેલાઈથી વહેરી શકાય છે અને પૉલિશ સારી ગ્રહણ કરે છે. સાગના સંદર્ભમાં તેના કાષ્ઠના ગુણધર્મોની તુલનાત્મક ઉપયુક્તતા(suitability)ની માહિતી (ટકાવારીમાં) આ પ્રમાણે છે : વજન 70; પાટડાનું સામર્થ્ય 70; પાટડાની દુર્નમ્યતા (stiffness) 75; થાંભલા તરીકેની ઉપયુક્તતા 70; આઘાતરોધી ક્ષમતા 75, આકારની જાળવણી 90, અપરૂપણ (shear) 95 અને કઠોરતા 65.

કાષ્ઠનો ઉપયોગ થાંભલા, બોર્ડ, રાચરચીલું, સુશોભિત સજાવટ, કોતરકામ, રમકડાં, ઢોલ, બૉબિન, પેન્સિલ, પ્લાયવૂડ, રેલવેના ડબ્બાઓ અને વહાણ બનાવવામાં થાય છે. તેના કાષ્ઠની સારા ઇંધન તરીકે ગણના થાય છે. કાષ્ઠનું ઉષ્મીયમાન : રસકાષ્ઠ (sapwood) – 5042 કૅલરી, 9.76 બિ.ટી.યુ. (બ્રિટિશ થર્મલ યુનિટ); અંત:કાષ્ઠ (heartwood) – 5093 કૅલરી, 9168 બિ.ટી.યુ. છે.

ચંપાનું તેલ અત્તર-ઉદ્યોગમાં અત્યંત મૂલ્યવાન ગણાય છે. તેલના પેટ્રોલિયમ ઈથર દ્વારા પુષ્પોનું નિષ્કર્ષણ કરી પ્રાપ્ત કરવામાં આવે છે. અત્તર એન્ફલૂરેજ (enfleurage) દ્વારા પણ નિષ્કર્ષિત કરાય છે. બાષ્પ-નિસ્યંદનથી સારું ઉત્પાદન મળતું નથી અને પ્રાપ્ત થતું તેલ હલકી કક્ષાનું હોય છે, કારણ કે તેનું બહુલકીકરણ (polymerization) થાય છે. પુષ્પોના પેટ્રોલિયમ ઈથરના નિષ્કર્ષણ દ્વારા પ્રાપ્ત થતો નક્કર ભાગ (concrete) 0.16થી 0.20 % જેટલો હોય છે. ગ્લાયકોલ સાથેના સહ-નિસ્યંદન (co-distillation) દ્વારા મળતા નક્કર ભાગમાંથી તૈયાર કરેલ બાષ્પશીલ તેલના ગુણધર્મો આ પ્રમાણે છે : વિ. ગુ.15° 0.946, વક્રીભવનાંક (n20°) 1.4895, ઍસિડ-આંક 6.2; એસ્ટર-આંક 70.1 અને કાર્બોનિલ-આંક 42.3 (શીત પદ્ધતિ), 65 (ઉષ્ણ પદ્ધતિ).

ચંપાના તેલની સુગંધ આનંદદાયી અને મખમલી હોય છે; જે તેના પુષ્પની સુગંધ સાથે મળતી આવે છે અને ચા તથા નારંગીની કલિકાઓની સુગંધની યાદ અપાવે છે. તેનો ઉપયોગ અત્તર અને સુગંધિત કેશતેલ બનાવવામાં થાય છે. જોકે વ્યાપારિક ચંપાનાં અત્તર મોટે ભાગે સાંશ્લેષિક (synthetic) હોય છે.

પર્ણોના નિસ્યંદનથી 0.04 % બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે અને તેની સુગંધી ડમરા (Ocimum basilicum) જેવી હોય છે. બીજ 32.2 % મેદ, રાળ અને રાળનો ઍસિડ ધરાવે છે. ફળ ખાદ્ય હોય છે. છાલમાં આલ્કેલૉઇડ (0.3 %) અને ટેનિન હોય છે. તેનો નાગરવેલના પાન સાથે ચૂસવામાં અને તજના અપમિશ્રક (adulter-ant) તરીકે ઉપયોગ થાય છે. પુષ્પો પીળો રંગ આપે છે, જેનો વસ્ત્રતંતુઓ રંગવામાં ઉપયોગ થાય છે. વૃક્ષ ઉપર રેશમના કીડાની જાત કેટલીક વાર ઉછેરવામાં આવે છે.

આ વૃક્ષની છાલ ઉત્તેજક, મૂત્રલ અને જ્વરઘ્ન હોય છે. શુષ્ક મૂળ અને મૂળની છાલ રેચક અને આર્તવપ્રેરક (emmenagogue) હોય છે. પર્ણોનો રસ શૂલ(colic)માં વપરાય છે. પુષ્પો અને ફળો ઉત્તેજક, ઉદ્વેષ્ટરોધી (antispasmodic), ક્ષુધાપ્રેરક અને મૂત્રલ ગુણધર્મો ધરાવે છે. તેઓ અજીર્ણ(dyspepsia)માં ઉપયોગી છે. પુષ્પના તેલનો ઉપયોગ માથાનો દુખાવો, નેત્રરોગ, વાતરક્ત (gout) અને સંધિવામાં થાય છે. ફળ અને બીજ પગમાં પડતા ચીરામાં વપરાય છે.

Michelia doltsopa syn. M. excelsaને સફેદ ચંપો કહે છે. તે પૂર્વ અને મધ્ય હિમાલયમાં તથા ખાસીની ટેકરીઓ પર 2400 મી.ની ઊંચાઈ સુધી થતું 36 મી. જેટલું ઊંચું વૃક્ષ છે. પીળા ચંપાની ભારતમાં થતી બીજી જાતિઓમાં M. montana, M. nilagirica, M. oblonga, M. baillonii વગેરેનો સમાવેશ થાય છે.

આયુર્વેદ અનુસાર પીળો ચંપો કડવો, તીખો, શીતળ, શામક, આમપાચક, મૂત્રલ, વિષહર, ત્વચાદોષહર, રક્તશોધક, કફઘ્ન, તૂરો, મધુર, વૃષ્ય, હૃદ્ય તથા સુગંધી હોય છે અને ભ્રમરનો નાશકર્તા હોય છે. તે રક્તપિત્ત, ઉધરસ, અરુચિ, અગ્નિમાંદ્ય, શૂળ, આફરો, ઉપદંશ, સોજા, આમવાત, દાહ, પિત્ત, કફ, રક્તદોષ, મૂત્રકૃચ્છ્ર, વાત, કોઢ, વિષ, કૃમિ, કંડૂ તથા વ્રણ મટાડે છે. તેનો ઉપયોગ પ્રદર, બાળકની વરાધ અને વિષમજ્વરમાં થાય છે. તેની છાલની ક્રિયા રસાયણ રૂપે થાય છે. વધારે પ્રમાણમાં આપવાથી ઊલટી અને દસ્ત થાય છે. યોગ્ય પ્રમાણ(માત્રા – 0.6 ગ્રા. – 1.8 ગ્રા.)માં આપવાથી શારીરિક નિર્બળતા ધીરે ધીરે દૂર કરી શરીરને સુર્દઢ બનાવે છે. રક્તવિકાર અને કોઢ ઉપર છાલ સારો લાભ આપે છે. ફળનું ચૂર્ણ 0.6 ગ્રા. – 1.2 ગ્રા. અને પર્ણો 1.8 ગ્રા. – 3.6 ગ્રા.ના પ્રમાણમાં આપવામાં આવે છે.

ખડચંપો (ધોળો ચંપો) : તે દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Plumeria acuminata Ait. P. acutifolia Poir; P. rubra Linn. var. acutifolia Bailey (સં. શ્વેતચંપક, ક્ષીરચંપક; મ. પાંઢરા ચંપા, ખૈર ચાંફા; બં. ચાંપા; હિં. ચંપા, ગુલચીની; ક. કાડસંપિગે; તે. અડવિગન્નેસં; ત. ઈળત્તલરિ; અં. ટેમ્પલ ટ્રી, પેગોડા ટ્રી) છે. તે સદાહરિત કે અંશત: પર્ણપાતી, આશરે 7.0 મી. ઊંચું વૃક્ષ છે. તેની શાખાઓ રસાળ હોય છે અને વિપુલ પ્રમાણમાં ક્ષીરરસ ધરાવે છે. તેને લગભગ સમગ્ર ભારતમાં શોભાની વનસ્પતિ તરીકે ધાર્મિક સ્થળોની કે કબ્રસ્તાન પાસે અને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. પર્ણો સાદાં, પ્રતિભાલાકાર (oblanceolate), ઉપવલયી (elliptic) કે ચમચાકાર (spothulate), 15–30 સેમી. કે તેથી વધારે લાંબાં હોય છે અને શાખાને છેડે ઉત્પન્ન થાય છે. પુષ્પો સફેદ, તેના વચ્ચેના ભાગમાં પીળાં કે આછાં પીળાં, કેટલીક વાર બહારની બાજુએ ગુલાબી, અત્યંત સુગંધિત અને અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ એકસ્ફોટી (follicle) યુગ્મ પ્રકારનાં અને બદામી કાળાં હોય છે. બીજ લંબચોરસ, સપક્ષ (winged) અને રોમવલયી (pappus) હોય છે.

આકૃતિ 2 : ખડચંપો : (અ) પર્ણો, (આ) પુષ્પો

ખડચંપો મૅક્સિકોની મૂલનિવાસી વનસ્પતિ છે. તેનો ભારતમાં પ્રવેશ ફિલિપાઇન્સ દ્વારા થયો છે અને પ્રાકૃતિકીકરણ થયું છે. કેટલાક વિજ્ઞાનીઓ તેને P. rubraની જાત (variety) કે સ્વરૂપ ગણે છે. કેટલીક કૃષિજાત(cultivar)ના પુષ્પના કદ અને રંગમાં વિભિન્નતા દર્શાવે છે. ખડચંપાનું પ્રસર્જન કટકારોપણ દ્વારા કરવામાં આવે છે. ભારતમાં તેના ઉપર બીજનિર્માણ ભાગ્યે જ થાય છે. કટકારોપણ ઉનાળાના અંતભાગમાં કરવામાં આવે છે. કારણ કે નવી ફૂટ શરૂ ન થાય ત્યાં સુધી કલમની ફરતે પાણી ભરાઈ રહે તો છોડ કોહવાઈ જાય છે. તેના થડમાં મૂળ નજીક કોઈ ઘા પડે તોપણ છોડ કોહવાઈ જાય છે.

ખડચંપો મુખ્યત્વે શોભાની વનસ્પતિ તરીકે અને સુગંધિત પુષ્પો માટે વાવવામાં આવે છે. પુષ્પો મીઠી સુગંધ ધરાવે છે અને હાર તથા અત્તર બનાવવામાં ઉપયોગી છે.

તાજાં પુષ્પોના બાષ્પનિસ્યંદનથી બાષ્પશીલ તેલ (0.04–0.07 %) જેટલું પ્રાપ્ત થાય છે. તેલમાં મુખ્યત્વે પ્રાથમિક આલ્કોહૉલ (68 % સાબુનીકૃત તેલ) – જિરાનિયોલ, સિટ્રોનેલોલ, ફાર્નેસોલ અને ફિનાઇલ ઇથાઇલ આલ્કોહૉલ, કાં તો મુક્ત સ્વરૂપે અથવા એસ્ટરીકૃત (esterified) સ્વરૂપે હોય છે. એક વિશ્લેષણમાં આલ્ડિહાઇડ કે કિટોન(6.8 %)ની હાજરી પણ જાણવા મળી છે. બાષ્પશીલ તેલ ફૂગરોધી (antifungal) સક્રિયતા દર્શાવે છે. પુષ્પમાં ક્વિર્સેટિન અને અત્યંત અલ્પ પ્રમાણમાં કૅમ્ફેરોલ હોય છે. તેની પુષ્પફલિકાઓ નાગરવેલના પાન સાથે જ્વરહર તરીકે ખાવામાં આવે છે.

તેના ઘણા ભાગો ઔષધીય ર્દષ્ટિએ ઉપયોગી છે. તેની છાલ ઉત્તેજક ક્રિયા દર્શાવે છે. તેનો કાઢો રેચક, આર્તવપ્રેરક અને જ્વરઘ્ન ગુણધર્મો ધરાવે છે. તે જલશોફ (dropsy) અને મૈથુનસંબંધી (venereal) દર્દોમાં આપવામાં આવે છે. તે શક્તિશાળી પરિસર્પરોધી (antiherpetic) ગણાય છે. છાલમાં કડવો ગ્લુકોસાઇડ, પ્લુમિથેરાઇડ (C21H26O12, ગ. બિં. 224–225° સે., ઉત્પાદન 4 %), રંગદ્રવ્ય ફલ્વોપ્લુમિયેરિન અને α-એમાયરિન એસિટેટ હોય છે. ફલ્વોપ્લુમિયેરિન Mycobacterium tuberculosisની વિવિધ જાતોની વૃદ્ધિને અવરોધે છે. છાલનો નિષ્કર્ષ Helminthosporium sativum સામે ફૂગરોધી પ્રક્રિયા દર્શાવે છે.

તેનો ક્ષીરરસ રક્તિમાકર (rubefacient) અને રેચક ગુણધર્મો ધરાવે છે. તે ખૂજલી, સંધિવા અને પેઢાના દુખાવા ઉપર લગાડવામાં આવે છે. ક્ષીરરસમાં પ્લુમિથેરિક ઍસિડનો કૅલ્શિયમનો ક્ષાર, સેરોટિક ઍસિડ અને ઍસિટાઇલ લ્યુપિયોલ હોય છે. ક્ષીરરસના સ્કંદ(coagulum)નું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : કૂચુક (caoutchouc) 19.1 %, રાળ (resin) 62.7 % અને અદ્રાવ્ય પદાર્થો 18.2 %.

મૂળ ઉગ્ર વિરેચક (cathartic) હોય છે. વનસ્પતિ પ્રાણીઓ માટે વિષાળુ હોય છે.

કાષ્ઠ પીળાશ પડતું સફેદ અને પોચું (વજન 592–673 કિગ્રા./ઘમી.) તથા ઊધઈરોધી હોય છે. તેનો ઉપયોગ ઢોલ અને અન્ય સંગીતનાં સાધનો બનાવવામાં થાય છે.

આયુર્વેદ અનુસાર ખડચંપો કડવો, તીખો, તૂરો, ઉષ્ણ તથા સારક છે. તે કોઢ, કંડૂ (ખરજ), વ્રણ, શૂળ, કફ, વાયુ, ઉદર અને આધ્માનનો નાશ કરે છે. તેનો ઉપયોગ વાયુને કારણે અંગ બહેરું થતું હોય તે ઉપર, ગૂમડાં અને સર્પદંશ ઉપર, રેચ માટે, મલેરિયા ઉપર, ખસ અને ફુરશાના વિષને લીધે મૂત્રાવરોધ થાય તે માટે થાય છે.

P. alba 4.5 મી. ઊંચી વૃક્ષ-સ્વરૂપ ધરાવતી જાતિ છે. તેનાં પુષ્પો સફેદ રંગનાં હોય છે. P. rubraને લાલ ચંપો કહે છે. તે 3.5-6.0 મી. ઊંચું વૃક્ષ છે અને ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. તેના ઔષધીય ગુણધર્મો ખડચંપા જેવા જ હોય છે.

મ. ઝ. શાહ

બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ