ચંપા (રાજધાની) : બિહારના ઈશાન ભાગમાં આવેલા અંગદેશની રાજધાની. તે ગંગા-ચંપા નદીના સંગમ પાસે આવેલી હતી. તેનું પ્રાચીન નામ માલિની કે ચંપામાલિની હતું. હાલનું ભાગલપુર (જિ. મોંઘીર) એ સ્થળે વસેલું છે અને ત્યાંથી અનેક પ્રાચીન અવશેષો પ્રાપ્ત થાય છે. રામાયણ પ્રમાણે એ અંગદેશના રાજા લોમપાદની રાજધાની હતી. એ રાજાએ મિથિલાના રાજા દશરથની દીકરી શાંતાને ખોળે લીધી હતી. મહાભારત પ્રમાણે દુર્યોધનનો મિત્ર અંગરાજ કર્ણ એ વખતે અહીં રાજ કરતો હતો. પછીના સમયમાં અહીંના રાજા દધિવાહનને વત્સરાજ શતાનીકે હરાવેલો; પણ ત્યારબાદ રાજા બ્રહ્મદત્તે મગધના રાજા ભટ્ટીયનો પરાજય કરેલો.

ચંપાનગરી વેપાર અને સભ્યતાનું કેન્દ્ર ગણાતું. બુદ્ધના જમાનામાં 6 પ્રસિદ્ધ મોટી નગરીમાં એનું સ્થાન હતું. પ્રસિદ્ધ ચીની યાત્રી યુઅન શ્ર્વાંગ અહીં યાત્રા કરવા આવ્યા હતા. ચંપાપુરી જૈનોનું પણ ધર્મકેન્દ્ર હતું. બારમા તીર્થંકર વાસુપૂજ્ય સ્વામીની આ જન્મભૂમિ અને ધર્મભૂમિ હોવાનું મનાય છે. મહાવીર સ્વામીએ પણ અહીં 3 ચોમાસાં ગાળ્યાં હતાં. જૈનોના પ્રસિદ્ધ ‘દશવૈકાલિક સૂત્ર’ની રચના અહીં થઈ હતી. હિંદુ પરંપરા મુજબ ઋષિ દેવશર્માનો આશ્રમ અહીં હતો. અહીંની રાણી ગગ્ગરાએ અહીં સુંદર તળાવ ખોદાવી તેની ફરતાં ચંપાનાં વૃક્ષોની કુંજો કરાવી હતી, જે ધર્મસાધના માટે પ્રખ્યાત બની હતી. ચંપા ગંગાના મુખ પાસે હોઈ બંદર તરીકે પણ ખ્યાતિ ધરાવતું હતું. અહીંથી સુવર્ણભૂમિ અને પૂર્વના ચીન વગેરે દેશો સાથે વેપાર થતો. ચોથી સદીના અંતમાં પ્રસિદ્ધ ચીની યાત્રી ફાહીયાને એની ચીનની વળતી યાત્રા આ બંદરેથી (શ્રીલંકા થઈને) આરંભી હતી.

પ્રવીણચંદ્ર પરીખ