ચંપારણ : ભારતના બિહાર રાજ્યમાં વાયવ્યે આવેલ જિલ્લો. ભૌગોલિક સ્થાન : 26° 50’ ઉ. અ. અને 84° 40’ પૂ. રે.. તે બે ભાગમાં વહેંચાયેલ છે : પશ્ચિમ ચંપારણ અને પૂર્વ ચંપારણ. પશ્ચિમ ચંપારણ જિલ્લાનું વહીવટી મથક બેતિયા છે, જ્યારે પૂર્વ ચંપારણ જિલ્લાનું વહીવટી મથક મોતીહારી છે. પશ્ચિમ ચંપારણ જિલ્લાનું ક્ષેત્રફળ 5,228 ચોકિમી. જ્યારે પૂર્વ ચંપારણ જિલ્લાનું ક્ષેત્રફળ 3,968 ચોકિમી. છે. 2011ની વસ્તીગણતરી પ્રમાણે પશ્ચિમ ચંપારણની વસ્તી 39,22,780 અને પૂર્વ ચંપારણ જિલ્લાની વસ્તી 50,82,868ની છે.

આ જિલ્લાની ઉત્તરે નેપાળ, પશ્ચિમે ગંડક નદી અને પૂર્વમાં બાગમતી નદી આવેલી છે. વાયવ્યે આવેલ હિમાલયની સોમેશ્વર પર્વતશ્રેણીઓ અને દૂન પર્વતશ્રેણીઓના વિસ્તારને બાદ કરતાં બાકીનો પ્રદેશ નદીઓના કાંપથી બનેલો છે. આ પર્વતશ્રેણીની પૂર્વ બાજુએથી નેપાળમાં જઈ શકાય છે. આ બંને પર્વતમાળા 932 ચોકિમી.માં પથરાયેલી છે. ત્યાં ગાઢાં જંગલો આવેલાં છે. બાકીની જમીનમાં ખેતી થાય છે.

આ જિલ્લામાંથી ગંડક, મોટી ગંડક, ધનૌતી, બાગમતી અને બેલબાગો નામની નદીઓ વહે છે અને ગંગાને મળે છે. જિલ્લાના મધ્યભાગમાં કડી રૂપે સરોવર આવેલાં છે. તેનું ક્ષેત્રફળ 356 ચોકિમી. છે.

આ જિલ્લામાં મુખ્ય પાક તરીકે ઘઉં, શણ, જવ, મકાઈ લેવામાં આવે છે. અહીં હાથસાળનો ઉદ્યોગ વિકસ્યો છે. એક જમાનામાં ગળી-ઉત્પાદનનું તે મુખ્ય કેન્દ્ર હતું. મહાત્મા ગાંધીજીએ અહીં ગળી ઉદ્યોગમાં જોડાયેલા મજૂરો માટે સત્યાગ્રહ કરેલો, જે ચંપારણ સત્યાગ્રહ તરીકે જાણીતો છે.

સિંચાઈ માટે ત્રિવેણી અને ધાકા નહેર બાંધેલ છે. ત્રિવેણી નહેર ગંડકમાંથી કાઢવામાં આવેલી છે.

આ જિલ્લા દ્વારા મુખ્યત્વે નેપાળ સાથે વેપાર થાય છે. પૂર્વ ચંપારણનું વહીવટી મથક મોતીહારી વ્યાપાર અને ધિરાણનું કેન્દ્ર છે. આ જિલ્લામાં આવેલા રક્સોલથી નેપાળની સરહદ શરૂ થાય છે. બંને દેશોનાં જકાતનાકાં પણ અહીં છે. અહીંથી નેપાળમાં જવા માટે માર્ગ પણ બાંધવામાં આવેલો છે. તે રાજપથ તરીકે ઓળખાય છે. રક્સોલથી રેલમાર્ગે પણ નેપાળ જવાય છે.

મહાન સમ્રાટ અશોકે આ જિલ્લામાં પોતાની નેપાળયાત્રાના પ્રસંગે ત્રણ જગ્યાએ શિલાલેખો મુકાવ્યા હતા. એ જ રીતે ચંપારણ પુષ્ટિમાર્ગીય યાત્રાનું સ્થળ પણ ગણાય છે. ચંપારણમાં શ્રી વલ્લભાચાર્યનું પ્રાગટ્ય થયું હતું.

ગિરીશ ભટ્ટ