ચંદ્રાવલી : રાધાની મુખ્ય અને અભિન્ન સખી. કૃષ્ણભક્તિ અને કૃષ્ણકાવ્યમાં તેને રાધાની પરમ સખી તરીકે અનુપમ પ્રસિદ્ધિ મળી છે. બ્રહ્મવૈવર્ત પુરાણ અને પદ્મપુરાણ(પાતાલ ખંડ)માં એનું રાધાની સખી તરીકે વર્ણન મળે છે. રૂપ ગોસ્વામીરચિત ‘ભક્તિરસામૃત-સિંધુ’માં એનો વિશેષ પરિચય મળે છે. ચંદ્રાવલી રાજા ચંદ્રભાનુની કન્યા હતી. તેના પતિનું નામ ગોવર્ધનમલ્લ અને સાસુનું નામ જરતી હતું. કૃષ્ણભક્તિના બધા સંપ્રદાયોમાં સહચરીના ઉપાસ્યભાવનો સ્વીકાર થયેલો હોવાથી ચંદ્રાવલીના ચરિત્રને એમાં સ્થાન મળ્યું છે. કૃષ્ણકથામાં ગોવર્ધનપૂજા પ્રસંગે, દાનલીલા પ્રસંગે તેમજ રાધાકૃષ્ણની નિકુંજલીલામાં સહાયતા કરીને દર્શનસુખ પ્રાપ્ત કરનાર સખી તરીકે એનું નિરૂપણ થયું છે. ચંદ્રાવલી પુષ્ટિમાર્ગીય ભક્તિની પોષક હતી. આધુનિક યુગમાં ભારતેન્દુ હરિશ્ચંદ્ર ચંદ્રવલીની પરંપરાગત વિભાવનાને આધારે હિંદીમાં ચંદ્રાવલી નાટિકાની રચના કરી છે. જેમાં ચંદ્રાવલીના વ્યક્તિત્વમાં ભક્તિ અને શૃંગારનો અદભુત સમન્વય થયેલો જોવા મળે છે. વસ્તુતઃ ચંદ્રાવલી નાટિકા દ્વારા ભારતેન્દુનું ભક્તહૃદય પ્રગટ થતું અનુભવાય છે.
પ્રવીણચંદ્ર પરીખ