ચંદ્રશેખર (જ. 1 ઑગસ્ટ 1927, ઇબ્રાહીમ પટ્ટી, બલિયા, ઉ. પ્ર.; અ. 8 જુલાઈ 2007, નવી દિલ્હી) : ભારતના જાણીતા સમાજવાદી નેતા તથા 1990–91ના ટૂંકા સમય માટેના ભારતના વડાપ્રધાન. યુવાવસ્થાથી જ સમાજવાદી આંદોલન સાથે સક્રિય નાતો ધરાવતા હતા. 1951માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રના વિષય સાથે એમ.એ. થયા બાદ ટૂંક સમયમાં જ એમણે પ્રજા-સમાજવાદી પક્ષના જિલ્લા એકમનું મંત્રીપદ સંભાળ્યું હતું અને 1955–56માં તો પક્ષના પ્રદેશ એકમના મહામંત્રીપદે પહોંચી ગયા હતા. 1962માં પ્રદેશ વિધાનસભા મારફત તે રાજ્યસભામાં પ્રવેશ્યા ત્યારથી તે (વચમાં 1984–89નો ગાળો બાદ કરતાં) તે સતત સાંસદ રહ્યા હતા.
1965માં કૉંગ્રેસપ્રવેશ બાદ 1967માં તે કૉંગ્રેસ સંસદીય પક્ષના મહામંત્રી બન્યા અને ખાસ કરીને ઇજારાશાહી ઔદ્યોગિક ગૃહો સરકારની સીધી પનાહ તળે જે રીતે ફાલી રહ્યાં હતાં તેની સામે અવાજ ઉઠાવીને દેશવ્યાપી સ્તરે ‘યંગ ટર્ક’ તરીકે ઝળકી ઊઠ્યા હતા.
1974–75નાં વરસોમાં જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ સંપૂર્ણ ક્રાંતિ-આંદોલને કાઠું કાઢ્યું ત્યારે ચંદ્રશેખરે પક્ષની નેતાગીરીને સંઘર્ષનો રાહ ન લેતાં જયપ્રકાશ નારાયણ સાથે સંવાદ કરવાની સલાહ આપી હતી અને આંદોલનમાં રહેલી સચ્ચાઈ સ્વીકારવા કહ્યું હતું. આથી અળખામણા બનેલા ચંદ્રશેખરને, તે કૉંગ્રેસ કારોબારી તથા પક્ષની વડી ચૂંટણી સમિતિના સન્માન્ય સભ્ય હતા તોપણ, કટોકટીરાજની જાહેરાત સાથે 25 જૂન 1975માં મિસા હેઠળ અટકાયતમાં લેવાયા હતા. કટોકટી ઊઠતાં તેમનો છુટકારો થતાં 1 મે 1977ના રોજ તેઓએ કૉંગ્રેસ છોડીને જનતા પક્ષનું અધ્યક્ષપદ સંભાળ્યું. જાન્યુઆરી 1983થી જૂન 1983 સુધી કન્યાકુમારીથી રાજધાની લગીની આશરે 4,260 કિમી.ની પદયાત્રા વાટે કેળવેલો લોકસંપર્ક એક ધ્યાનાર્હ ઘટના હતી. ડિસેમ્બર 1989માં કાગ્રેસને સ્થાને જનતા દળ કેન્દ્રમાં સત્તારૂઢ થયું. તે પછી કેટલેક વખતે દળમાં ભંગાણ પડતાં તે સમાજવાદી જનતા પક્ષના નેતા તરીકે ઊભર્યા અને કૉંગ્રેસના સમર્થનથી ડિસેમ્બર 1990થી માર્ચ 1991 લગી વડાપ્રધાનપદે રહ્યા.
1969માં એમના તંત્રીપદે શરૂ થયેલું ‘યંગ ઇન્ડિયન’ 1975 માં સેન્સરશિપ લદાઈ ત્યાં સુધી ચાલ્યું હતું. પછીથી 1989માં તે નવેસરથી શરૂ થયું છે અને ચંદ્રશેખર તેમાં સંપાદકીય સલાહકાર મંડળના અધ્યક્ષને નાતે સંકળાયેલા હતા. હિન્દીમાં લખાયેલી એમની જેલડાયરીનો ગાળો કટોકટીનાં વરસોનો છે, જ્યારે ‘ડાઇનૅમિક્સ ઑવ્ સોશિયલ ચેન્જ’ એ પ્રસંગોપાત્ત લખેલા અગત્યના લેખોનો સંચય છે.
પ્રકાશ ન. શાહ