ચંદ્રશેખર, ભગવત સુબ્રમણ્યમ

January, 2012

ચંદ્રશેખર, ભગવત સુબ્રમણ્યમ (જ. 18 મે 1945, બેંગલોર) : ભારતીય ટેસ્ટ સ્પિનર, જમોડી લેગ બ્રેક અને ગૂગલી ગોલંદાજ. 1963–64માં પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ. 1971–72માં કર્ણાટક રાજ્યની ટીમના સુકાની. ભારત તરફથી 58 ટેસ્ટ રમ્યા. 1967, 1971, 1974 અને 1979માં ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો. 1967માં પૂર્વ આફ્રિકાનો પ્રવાસ, 1967–68 તથા 1977–78માં ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ, 1975–76માં ન્યૂઝીલૅન્ડ તથા વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ અને 1978–79માં પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 23.70ની સરેરાશથી તેમણે 1081 વિકેટ લીધી જેમાં રણજી ટ્રૉફીમાં 436 (19.13 સ.), દુલીપ ટ્રૉફીમાં 99 (24.13 સ.) અને ઈરાની કપમાં લીધેલી 40 (22.07 સ.) વિકેટનો સમાવેશ થાય છે. 58 ટેસ્ટ મૅચમાં 29.42ની સરેરાશથી 242 વિકેટ લીધી.

ભગવત સુબ્રમણ્યમ ચંદ્રશેખર

5 ટેસ્ટની શ્રેણીમાં 1972–73માં ઇંગ્લૅન્ડ સામે 18.91ની સરેરાશથી 35 વિકેટ મેળવીને એક ટેસ્ટશ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેવાનો ભારતીય વિક્રમ સ્થાપ્યો. 1971માં ઇંગ્લૅન્ડમાં ઓવલની ટેસ્ટમાં માત્ર 109 દડામાં 38 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેને પરિણામે ઇંગ્લૅન્ડની ટીમ તેનો સૌથી ઓછો (101 રન) જુમલો કરી શકી અને ભારતનો 4 વિકેટે ભવ્ય વિજય થતાં ટેસ્ટશ્રેણી જીતી ગયું. 1976ના કૅલેન્ડર વર્ષમાં 11 ટેસ્ટમાં 28 રનની સરેરાશથી 52 વિકેટ લેવાનો ભારતીય વિક્રમ ચંદ્રશેખર ધરાવે છે. ટેસ્ટમાં 23 વખત શૂન્ય રને આઉટ થવાનો વિશ્વવિક્રમ પણ તે ધરાવે છે. પોલિયોને કારણે નબળા બનેલા હાથે ગોલંદાજી કરીને ચંદ્રશેખરે એમના લેગ બ્રેક અને ગૂગલીથી ઘણી વિરોધી ટીમોની બૅટિંગ પર પક્ષાઘાત કર્યો છે. ઇંગ્લૅન્ડમાં દર વર્ષે પ્રગટ થતા ‘વિઝડન ક્રિકેટર્સ ઑલ્મનૅક’માં 1972માં વર્ષના 5 ઉત્કૃષ્ટ ખેલાડીઓમાં તેમને સ્થાન મળ્યું હતું. 1973માં તેમને અર્જુન ઍવૉર્ડ મળ્યો. 1980માં પ્રથમ કક્ષાની ક્રિકેટમાંથી તેમણે નિવૃત્તિની જાહેરાત કરી હતી.

જગદીશ શાહ