ચંદ્રલેહા (ચંદ્રલેખા)

January, 2012

ચંદ્રલેહા (ચંદ્રલેખા) : સટ્ટક પ્રકારનું એક પ્રાકૃત ઉપરૂપક. તેના કર્તા કાલિકટનિવાસી પારસવંશીય મહાકવિ રુદ્રદાસ (સત્તરમી સદી ઉત્તરાર્ધ) આચાર્ય રુદ્ર અને આચાર્ય શ્રીકંઠના શિષ્ય હતા. તેમણે 1655–58 આસપાસ આ સટ્ટકની રચના કરી હતી. આ ઉપરૂપકમાં 4 યવનિકાન્તર (ર્દશ્ય) છે, જેમાં માનવેદ અને ચંદ્રલેખાના વિવાહનું વર્ણન છે. આમાં શૃંગાર અને અદભુત રસોની પ્રધાનતા છે. તેની ભાષા સંસ્કૃતનિષ્ઠ પ્રાકૃત છે, છતાં તે સરળ, કોમળ, સ્વાભાવિક, પ્રૌઢ તથા પરિમાર્જિત છે અને પાંડિત્યપૂર્ણ તથા રૂઢપ્રયોગવાળી છે. એમાં શાર્દૂલવિક્રીડિત, વંશસ્થ, શિખરિણી, વસંતતિલકા જેવા વિવિધ છંદોનો પ્રયોગ કરાયેલો છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસ, યમક અને વીપ્સા તથા અર્થાલંકારોમાં ઉપમા અને ઉત્પ્રેક્ષાનો વિપુલ પ્રમાણમાં પ્રયોગ કરાયેલો છે. પદોમાં પ્રાકૃતિક ર્દશ્યોનું ભાવવાહી વર્ણન કરાયેલું છે.

સટ્ટક ઉપરૂપકોનો એક પ્રકાર છે. તે આરંભથી અંત સુધી પ્રાકૃત ભાષામાં રચાયું હોય છે. તેમાં અદભુત રસ પ્રધાનપણે હોય છે. તેમાં પ્રવેશક તથા વિષ્કંભક હોતાં નથી. તેના અંકોનું નામ જવનિકા (जवणिका) હોય છે. બાકી બધી વિશેષતાઓ નાટિકાની જેમ હોય છે. કર્પૂરમંજરી વગેરે 6 સટ્ટક ઉપરૂપકોમાં આ સટ્ટકનું પણ મહત્વનું સ્થાન છે.

માનવેદ રાજાની રાણીની કાકી અંગ દેશના રાજા ચંદ્રવર્માની રાણી હતી. રાજા ચંદ્રવર્માની પુત્રી ચંદ્રલેખા અત્યંત રૂપવતી અને શ્રેષ્ઠ લક્ષણોવાળી હતી અને રાજારાણીને પ્રિય હતી. એક વખત સામુદ્રિકે ભવિષ્ય ભાખ્યું કે જે વ્યક્તિ ચંદ્રલેખાને પરણશે તે ચક્રવર્તી થશે. આ ભવિષ્યવાણીને લીધે ચંદ્રલેખા સૌના આકર્ષણનું કેન્દ્ર બની.

એક વાર વસંતોત્સવના પ્રસંગે સિંધુનાથે (સમુદ્રે) રાજા માનવેદને ચિંતામણિ રત્ન ભેટ આપ્યું. આ ચિંતામણિ સૌની ઇચ્છા પૂર્ણ કરનાર રત્ન હતું. માનવેદ 7 સાગરોનો સ્વામી થવા ઇચ્છતો હતો.

એક સમયે રાજા માનવેદ રાજભવનમાં મિત્રમંડળ સાથે બેઠો હતો. તે સમયે વિદૂષકે ચિંતામણિ રત્નને કહ્યું : ‘જગતમાં કોઈ અદભુત વસ્તુ હોય તે અહીં હાજર કરો.’ ચિંતામણિ રત્નની અધિષ્ઠાત્રી દેવીએ ચંપાનગરીમાં ઉદ્યાનમાં ક્રીડા કરી રહેલી ચંદ્રલેખાને હાજર કરી. ચંદ્રલેખાનું અદભુત અનુપમ સૌંદર્ય જોઈ માનવેદ એના ઉપર વારી ગયો. ચંદ્રલેખા પણ માનવેદના રૂપ પર આસક્ત થઈ ગઈ. ફરીથી રાજા માનવેદ તેને કદલીગૃહમાં મળ્યો.

રાણીને ચંદ્રલેખાના આચરણ પરથી શંકા થઈ કે જરૂર તે કોઈ વ્યક્તિના પ્રેમમાં છે. રાણીએ ચંદ્રલેખાને ભોંયરામાં પૂરી દીધી અને તેના ઉપર ચોકીપહેરો મૂકી દીધો.

હવે આ બાજુ ચંદ્રલેખાના ખોવાઈ જવાની વાત સર્વત્ર ફેલાઈ ગઈ.

એક વખત વિસુસવના ઉત્સવને ટાણે ચંદ્રલેખાનો ભાઈ ચંદ્રકેતુ રાજા માનવેદના દરબારમાં આવ્યો. તેણે ચંદ્રલેખાના અર્દશ્ય થવાના સમાચાર આપ્યા. ચંદ્રલેખાનો માનવેદ સાથે વિવાહ કરવાનું નક્કી હતું. માનવેદે બધેય ચંદ્રલેખાની શોધ કરી પણ તે મળી નહિ. છેવટે ચિંતામણિ રત્નની અધિષ્ઠાત્રી દેવીને ચંદ્રલેખા શોધી લાવવાનું કામ સોંપ્યું. દેવીએ ચંદ્રલેખાને ભોંયરામાંથી કાઢીને રાજા માનવેદ આગળ રજૂ કરી. આમ બંનેનું મિલન થયું અને મોટા ઉત્સવ સાથે બંનેનો વિવાહ થયો. આ ઘટનાનું ચિત્રણ ‘ચંદલેહા’ સટ્ટકરૂપકમાં કરાયેલું છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા