ચંદ્રલેખા : તમિળ અને હિંદી ભાષામાં તૈયાર થયેલ જેમિની પિક્ચર્સનું લોકપ્રિય ચલચિત્ર (1948). નિર્માતા-દિગ્દર્શક – એસ. એસ. વાસન; કથા – જેમિની સ્ટોરી ડિપાર્ટમેન્ટ; સંગીત – એસ. રાજેશ્વરરાવ; ગીતો – પી. ઇન્દ્ર, ભરત વ્યાસ; છબીકલા – કમલ ઘોષ; કલાનિર્દેશક એ. કે. શેખર; ધ્વનિમુદ્રણ – સી. ઈ. બિગ્સ; સંકલન – ચન્દ્રન; કલાકારો – ટી. આર. રાજકુમારી, એમ. કે. રાધા, રંજન, સુંદરીબાઈ, એન. એસ. કૃષ્ણન, ટી. એ. મથુરમ, એલ. નાયર.
1945 સુધી દક્ષિણ ભારતના ફિલ્મ ઉદ્યોગનું ફિલ્મનિર્માણક્ષેત્રે બહુ પ્રદાન ન હતું. 1945માં માત્ર 17 ફિલ્મો જ દક્ષિણ ભારતમાં બની, જેમાં 11 તમિળ, 5 તેલુગુ અને 1 કન્નડ ફિલ્મનો સમાવેશ થયો હતો. તે સમયે વિષયની પસંદગીનો વ્યાપ બહુ હતો નહિ. માત્ર પૌરાણિક વિષયો ઉપર ફિલ્મો બનતી. 1948માં એસ. એસ. વાસનની આ ફિલ્મે એક નવો ચીલો શરૂ કર્યો. પહેલાં આ ફિલ્મ તમિળ ભાષામાં અને ત્યારબાદ હિન્દી ભાષામાં બનાવવામાં આવેલી. વાસને મુંબઈના ફિલ્મ ઉદ્યોગને પણ પાછો પાડી દીધો. ફિલ્મો લોકોના મનોરંજન માટે હોય છે તે હકીકત વાસને પુરવાર કરી દીધી.
ભવ્ય અને આલીશાન સેટ, આંખો અંજાઈ જાય તેવાં નૃત્યો, અશ્વોની દોડમાં શ્વાસ થંભાવી દે તેવાં સ્ટંટ ર્દશ્યો, તાતી તલવારબાજી, સર્કસના દાવપેચ આ બધું ફિલ્મની સફળતા માટે ખૂબ જરૂરી છે તે આ ચલચિત્રે પુરવાર કરી બતાવ્યું. નિર્માતા-દિગ્દર્શક વાસનનો આ જુગાર બૉક્સ ઑફિસ પર સફળ સાબિત થયો. આ ફિલ્મે ધરખમ આવકનો વિક્રમ નોંધાવ્યો. આયોજન અને અભિનયની ર્દષ્ટિએ ભલે આજે આ ફિલ્મ જૂની લાગે; પરંતુ તેની ભવ્યતા અને કથાની ગતિમાં આજે પણ પ્રેક્ષકને રસતરબોળ કરી દેવાની તાકાત છે. વાસને હૉલિવુડની ભવ્ય ફિલ્મો પરથી પ્રેરણા લઈને આ ફિલ્મ બનાવી હોય તેમ લાગે છે. ફિલ્મની કથામાં પણ હૉલિવુડની અમુક ખ્યાતનામ ફિલ્મના પ્રસંગોનું અનુકરણ કરેલું જોવા મળે છે.
તલવારબાજીનાં અનેક સ્ટંટ ર્દશ્યો ઉપરાંત આ ફિલ્મમાં બે સૌથી મોટાં આકર્ષણો છે : એક તો નગારાં ઉપરનું નૃત્ય, જેના અંતે નગારાંમાંથી સૈનિકો બહાર નીકળીને લડાઈ કરે છે. આ નગારાં-નૃત્ય માટે 400 નર્તકોને 6 માસ સુધી રોકવામાં આવ્યા હતા. માત્ર આ નગારાં-નૃત્ય પાછળ એ જમાનામાં 5 લાખ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ ફિલ્મનું બીજું મોટું આકર્ષણ હતું સર્કસ. ફિલ્મનાં સર્કસનાં ર્દશ્યો પણ દિલધડક હતાં. વાસને આ માટે તે જમાનામાં ખ્યાતનામ કમલા સર્કસને એક માસ સુધી ભાડે રાખ્યું હતું. તે જમાનામાં આ ફિલ્મ 35 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ હતી.
પીયૂષ વ્યાસ