ચંદ્રમણિ ઉલ્કાશ્મ (tektites)

January, 2012

ચંદ્રમણિ ઉલ્કાશ્મ (tektites) : કુદરતી રૂપમાં મળી આવતા કાચ જેવા પિંડ કે પદાર્થો. તે ખાસ પ્રકારના કાચના પથ્થર હોય છે. માનવજાતિને આશરે હજારેક વર્ષ કે કદાચ એથી પણ વધુ સમયથી તેની જાણકારી હોવાનું માનવામાં આવે છે; પરંતુ આધુનિક કાળમાં એની શોધનો જશ ચાર્લ્સ ડાર્વિન(1809–1882)ને આપવામાં આવે છે, તેમણે 1836માં ઑસ્ટ્રેલિયામાંથી તે શોધી કાઢ્યા હતા. કેટલાકના મતે કાચસશ આ પિંડ સર્વપ્રથમ ઑસ્ટ્રેલિયામાંથી નહિ પણ, બૉહિમિયામાંથી શોધી કાઢવામાં આવેલા.

પિગળાવેલી (molten) ધાતુ માટે મૂળ ગ્રીક શબ્દ ‘tektos’ છે, તેના પરથી આ શબ્દ બન્યો છે. ક્યારેક એની જોડણી ‘tectite’ પણ થાય છે. આ પિંડ જે પ્રદેશમાંથી મળી આવે છે તે પ્રદેશના નામે પણ તેમને ઓળખવામાં આવે છે; જેમકે ઑસ્ટ્રેલિયામાંથી મળતા ટેક્ટાઇટ્સને ‘ઑસ્ટ્રેલાઇટ્સ’ કહે છે. તેવી જ રીતે, બૉહિમિયા અને મરેવિયા નામના ચેકસ્લવૅકિયાના બે પ્રાંતોમાંથી મળતા ટેક્ટાઇટ્સ ‘મોલ્દાવાઇટ્સ’ કહેવાય છે. જાવા, ફિલિપિન્ઝ, ઇન્ડો-ચાઇના (હવે વિયેટનામ) તથા ઉત્તર-અમેરિકાના જ્યૉર્જિયામાંથી મળતા કાચ સમાન આવા ટુકડાને અનુક્રમે ‘જાવાનાઇટ્સ’, ‘ફિલિપિનાઇટ્સ’, ‘ઇન્ડો-ચાઇનાઇટ્સ’ અને ‘જ્યૉર્જિયા ટેક્ટાઇટ્સ’ એવાં નામ આપવામાં આવેલાં છે.

આકૃતિ 1 : પૃથ્વી ઉપર જોવા મળતાં ટેક્ટાઇટ્સનાં ક્ષેત્રો

ટેક્ટાઇટ્સ આમ તો દુર્લભ કે દુષ્પ્રાપ્ય નથી અને અત્યાર સુધી લાખોની સંખ્યામાં એ મળી આવ્યા છે; પરંતુ એમની એક ખાસિયત એ છે કે તે દુનિયાના માત્ર અમુક ગણ્યાગાંઠ્યા ચોક્કસ પ્રદેશમાં જ મળી આવે છે. આવા પ્રદેશોમાં જાણે કે આકાશમાંથી કોઈએ એમનો છંટકાવ કર્યો હોય કે પછી કોઈએ જાણે તેમને જમીન પર પાથરેલા હોય એવી રીતે પૃથ્વીની સપાટી પર વેરાયેલા જોવા મળે છે. આથી આવા પિંડો જે પ્રદેશોમાંથી મોટા પ્રમાણમાં મળી આવે છે તેવા વિસ્તારને ‘વેરાયેલાં ઉલ્કાશ્મનું ક્ષેત્ર’ (strewn fields) કહે છે.

અત્યાર સુધી આવાં કુલ 4 જેટલાં ક્ષેત્ર હતાં. થોડાં વર્ષો પૂર્વે રશિયાના ઉત્તરી ઍરલ પ્રદેશનો ઉમેરો થતાં હવે તેમની સંખ્યા 5 થઈ છે. આ 5 ‘વેરાયેલાં-ક્ષેત્ર’ નીચે મુજબ છે :

(1) ઑસ્ટ્રેલેશિયા કે ઑસ્ટ્રેલેશિયન ક્ષેત્ર,

(2) મોલ્દાવાઇટ્સ (ચેકોસ્લોવૅકિયા) ક્ષેત્ર કે ચેકોસ્લોવૅકિયન ક્ષેત્ર,

(3) આઇવરી કોસ્ટ ક્ષેત્ર,

(4) ઉત્તર અમેરિકી ક્ષેત્ર અને

(5) રશિયાનો ઉત્તરી ઍરલ પ્રદેશ

ઑસ્ટ્રેલેશિયન નામના વેરાયેલા ક્ષેત્રમાં ઑસ્ટ્રેલિયા ઉપરાંત ટૅઝમેનિયા, ન્યૂઝીલૅન્ડ, સુમાત્રા, ફિલિપિન્ઝ તથા દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલા દેશોનો મુખ્યત્વે સમાવેશ થાય છે. ઉપરાંત, એમાં હિંદી મહાસાગરનો છેડો મૅડગેસ્કર સુધીનો અને અમુક અંશે આફ્રિકાના પૂર્વ કાંઠાનો તથા ઉત્તરે છેક શ્રીલંકા અને કંઈક અંશે દક્ષિણ-ભારતના અમુક પ્રદેશનો પણ સમાવેશ થાય છે. પૂર્વમાં આ વિસ્તાર પૅસિફિક મહાસાગરને પણ થોડો આવરે છે. સઘળાં વેરાયેલાં-ક્ષેત્રોમાં આ મોટામાં મોટું ક્ષેત્ર છે અને અહીંથી, ખાસ કરીને ઑસ્ટ્રેલિયામાંથી અત્યાર સુધીમાં વધુમાં વધુ ટેક્ટાઇટ્સ મળી આવ્યા છે.

મોલ્દાવાઇટ્સ ક્ષેત્રમાં ચેકોસ્લોવૅકિયાના બૉહિમિયા અને મરેવિયા પ્રાંતોનો સમાવેશ થાય છે, જ્યારે આઇવરી કોસ્ટ ક્ષેત્રમાં આફ્રિકાના પશ્ચિમ કાંઠાના ઍટલાંટિક મહાસાગરમાં આવેલા ગિનીના અખાતનો અને એની ઉત્તરે આવેલા લાઇબીરિયા તથા ઘાના અને એમની વચ્ચે આવેલા આઇવરી કોસ્ટ નામના દેશોનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાંથી મળતા ટેક્ટાઇટ્સને ‘આઇવરી કોસ્ટ ટેક્ટાઇટ્સ’ કહે છે.

ઉત્તર અમેરિકી વેરાયેલાં ક્ષેત્રોમાં મુખ્યત્વે ટેક્સાસ અને જ્યૉર્જિયા રાજ્યનો સમાવેશ થાય છે અને અહીંથી મળતા ટેક્ટાઇટ્સને અનુક્રમે ‘ટેક્સાસ બેડિયાસાઇટ્સ’ તથા ‘જ્યૉર્જિયા ટેક્સાઇટ્સ’ કહે છે. આ ઉપરાંત, મૅસેચૂસેટ્સના પૂર્વકાંઠે આવેલા માર્થાસ વિનયાર્ડ નામના એક નાનકડા ટાપુ અને એની આસપાસના સમુદ્રી વિસ્તારનો પણ, આ ક્ષેત્રમાં સમાવેશ થાય છે. અહીંથી મળી આવતા રડ્યાખડ્યા પિંડ ‘માર્થાસ વિનયાર્ડ ટેક્ટાઇટ’ તરીકે ઓળખાય છે.

રશિયન ટેક્ટાઇટ્સ જ્યાંથી મળી આવે છે તે ક્ષેત્ર એના ઍરલ પ્રદેશમાં ઉત્તરમાં આવેલું છે અને અહીંથી મળતા ટેક્ટાઇટ્સને ‘ઇર્ગીઝાઇટ્સ’ કહે છે.

અગાઉ ટેક્ટાઇટ્સની સરેરાશ વય 10,000 વર્ષ કરતાં વધુ માનવામાં આવતી ન હતી, પરંતુ કાળગણનાની આધુનિક પદ્ધતિઓને આધારે જુદાં જુદાં ક્ષેત્રના ટેક્ટાઇટ્સની વય જુદી જુદી હોવાનું જણાયું છે. જેમકે ઑસ્ટ્રેલેશિયા ક્ષેત્રના ટેક્ટાઇટ્સની વય 7,00,000થી 8,30,000 વર્ષ; રશિયાઈ ક્ષેત્રના ટેક્ટાઇટ્સની વય 11,00,000 વર્ષ; આઇવરી કોસ્ટ ટેક્ટાઇટ્સની 13,00,000 વર્ષ, ચેકોસ્લોવૅકિયા ક્ષેત્રના ટેક્ટાઇટ્સની 1,50,00,000 વર્ષ અને ઉત્તર અમેરિકાના ટેક્ટાઇટ્સની વય 3,40,00,000 વર્ષ જેટલી હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે. આમ, ટેક્ટાઇટ્સની વય-મર્યાદા લગભગ સાત લાખ વર્ષથી માંડીને સાડા-ત્રણ કરોડ વર્ષ જેટલી છે. અલ્પતમ આયુ ધરાવતા ટેક્ટાઇટ્સ ઑસ્ટ્રેલેશિયા ક્ષેત્રમાંથી અને મહત્તમ આયુ ધરાવતા ટેક્ટાઇટ્સ ઉત્તર અમેરિકી ક્ષેત્રમાંથી મળી આવ્યાં છે.

ટેક્ટાઇટ્સનો વ્યાસ સામાન્ય રીતે બે કે ત્રણ સેમી. જેટલો તો ક્યારેક વળી એથી મોટો, આશરે દસેક સેમી. કે એથી સહેજ ઓછો હોય છે. બીજી રીતે કહીએ તો એમનું કદ અખરોટથી માંડીને મોટા કદના સફરજન જેવડું હોય છે. એમનું વજન પણ સારું એવું હોય છે. દક્ષિણ-પૂર્વ એશિયામાંથી મળેલા કેટલાક ટેક્ટાઇટ્સ તો 15 કિગ્રા. જેટલું વજન ધરાવતા હોય છે.

જમીન ઉપરાંત સમુદ્રને તળિયે સમુદ્રના કાંપ એટલે કે સમુદ્રી અવસાદ(marine sediments)માંથી પણ ટેક્ટાઇટ્સ મળી આવે છે. આવા ટેક્ટાઇટ્સ એકાદ મિમી. કે એથી પણ નાના હોય છે, તેમને ‘માઇક્રોટેક્ટાઇટ્સ’ કહે છે. આવા સૂક્ષ્મ કદના ટેક્ટાઇટ્સ ઑસ્ટ્રેલેશિયા ક્ષેત્ર, આઇવરી કોસ્ટ ક્ષેત્ર અને ઉત્તર અમેરિકી ક્ષેત્રના સમુદ્રી અવસાદમાં ખૂંપેલા મળી આવે છે.

ટેક્ટાઇટ્સ વિવિધ આકારોમાં મળી આવે છે. જેમકે આંખમાંથી ટપકતાં આંસુના બુંદ જેવા આકારના (tear drop) અથવા નાસપાતી આકારના (pear-shaped) કે ઘન દડા જેવા (spheroidal), ચકતી આકારના (disc-shaped), ડમ્બેલ આકારના (dumbbell- shaped) કે દંડાકાર (rod-shaped). આ ઉપરાંત, કેટલાક ટેક્ટાઇટ્સનો આકાર ઊપસેલી ધાર કે કિનાર ધરાવતા બટન (flanged button) જેવો પણ હોય છે. ટેક્ટાઇટ્સમાંના કેટલાક પારદર્શક હોય છે. ઘણાખરા અપારદર્શક (turbid) હોય છે. મોટા ભાગના ટેક્ટાઇટ્સ રંગે કાળા કે કથ્થાઈ કે પછી લીલા રંગની વિવિધ ઝાંય ધરાવતા હોય છે. રશિયન ટેક્ટાઇટ્સ એટલા તો ઘેરા કથ્થાઈ કે બદામી હોય છે કે એમના પર પડતાં પ્રકાશનાં કિરણો પરાવર્તિત થતાં એ કોલસા જેવા કાળા જણાય છે. આથી ઊલટું, બૉહિમિયાના ટેક્ટાઇટ્સ લીલા અને પારદર્શક, જ્યારે મરેવિયાના તપખીરિયા અને મલિન હોય છે. આઇવરી કોસ્ટ અને ઑસ્ટ્રેલેશિયા ક્ષેત્રના ટેક્ટાઇટ્સ બહુ પાતળા ન હોય તો બહુધા અપારદર્શક હોય છે. બૉહિમિયા અને ઉત્તર અમેરિકા ખાસ કરીને જ્યૉર્જિયાના ટેક્ટાઇટ્સ રંગે અત્યંત આકર્ષક હોઈ, ઘણા શોખીનો એમનો સંગ્રહ કરતા હોય છે.

ટેક્ટાઇટ્સનો અને એમાંય ખાસ તો ઑસ્ટ્રેલિયાના દક્ષિણ ભાગમાંથી મળતા લીલા અને કાળા રંગના કાચના ગોળા જેવા દેખાતા ટેક્ટાઇટ્સ(ઑસ્ટ્રેલાઇટ્સ)નો બાહ્ય દેખાવ ‘ઑબસિડિયન’ તરીકે ઓળખાતા ધરતી પરના ‘લાવા-કાચ’ એટલે કે લાવા રસ ઠરીને બનેલા એક પ્રકારના ખડક કે એમાંથી છૂટા પડી ગયેલા પિંડ જેવો જણાય છે, પણ તે બંનેનું બંધારણ અલગ છે અને એટલે જ ટેક્ટાઇટ્સ માટેનું એક કાળે પ્રચલિત ‘ઑબસિડિએનાઇટ’ નામ હવે પ્રચલિત રહ્યું નથી.

આકૃતિ 2 : વિવિધ આકારના કેટલાક લાક્ષણિક ચંદ્રમણિ ઉલ્કાશ્મ (tektites) દા.ત., (1થી 6) ઊપસેલી ધાર ધરાવતાં બટન, (7) અને (9) ઘન દડા જેવા કે ગોલક, (8) અશ્રુબિંદુ, (10) વિલાયતી મગદળ કે ડમ્બેલ આકારના

આમ પણ ટેક્ટાઇટ્સના ઉદભવનો પ્રશ્ન પહેલેથી જ વિવાદાસ્પદ રહ્યો છે. છેક 1897માં જર્મનીના એક વિજ્ઞાનીએ એવું સૂચવ્યું હતું આ પિંડ ચંદ્ર પરના જ્વાલામુખીઓમાંથી ફંગોળાઈને પૃથ્વી પર આવી પડેલા અપાર્થિવ કે પૃથ્વી બહારના પિંડ છે. ત્યારથી આ પિંડ અપાર્થિવ છે કે પછી પાર્થિવ છે એ અંગેના વિવાદનો હજી આજે પણ પૂરેપૂરો નિકાલ થયો નથી. આમ થવાનું કારણ ટેક્ટાઇટ્સનો બાહ્ય દેખાવ, એમની રાસાયણિક સંરચના અને એમની વય છે.

ટેક્ટાઇટ્સના વિવિધ આકાર તેમજ એમની સપાટી પર જોવા મળતા સૂક્ષ્મ ઘસરકા, આંકા અને ખાંચા એવું સૂચવે છે કે આ પિંડો જ્યારે બન્યા ત્યારે એમાંનું દ્રવ્ય પીગળેલી અવસ્થામાં હશે, જે ઝડપથી ઠરી ગયું હોવું જોઈએ. વળી એ એવું પણ સૂચવે છે કે આ પિંડ પૃથ્વી પર ઘણે દૂરથી સતત ગોળ ઘૂમતા આવેલા હોવા જોઈએ અથવા પૃથ્વીના વાયુમંડળમાં એ પીગળેલી અવસ્થામાં અતિવેગથી, અતિશય દબાણથી ફંગોળાયા હોવા જોઈએ અને પછી પુન: પ્રવેશ્યા હોવા જોઈએ. ટૂંકમાં, ટેક્ટાઇટ્સના આકાર, એમની સપાટી પર અંકિત સૂક્ષ્મ ચિહ્નો અને એમનું બંધારણ જોતાં એવું અનુમાન કરી શકાય કે એક સમયે, આ પિંડોએ પૃથ્વીના વાયુમંડળમાં અતિતપ્ત અવસ્થામાં, ભારે દબાણ હેઠળ ઉચ્ચવેગે ઉડ્ડયન કર્યું હોવું જોઈએ.

બધા જ ટેક્ટાઇટ્સમાં સિલિકા એટલે કે સિલિકોન ડાયૉક્સાઇડ(SiO2)નું પ્રાધાન્ય હોય છે. તેનું પ્રમાણ લગભગ 70થી 80 ટકા જેટલું હોય છે. ઉપરાંત, એમાં શુદ્ધ સિલિકા-કાચ-(lechatelierite)નો તથા બાકી વધેલા ભાગમાં કેટલાંક ખનિજનો પણ સમાવેશ થાય છે; જેમકે એમાં નિકલ-લોહની મિશ્રધાતુ (alloy) કામાસાઇટ હોય છે. તેવી જ રીતે, લોહ, નિકલ અને કોબાલ્ટની સાથે ફૉસ્ફરસનું જટિલ સંયોજન ધરાવતા શ્રેબરસાઇટ તથા લોહ-સલ્ફાઇડનું મિશ્રણ ધરાવતા ટ્રૉઇલાઇટ જેવાં ખનિજ એમાં જોવા મળે છે. આ ત્રણ ખનિજ ઉપરાંત એમાં મળી આવેલાં કેટલાંક અન્ય ખનિજ તથા ટેક્ટાઇટ્સમાં રહેલી લોહ અને ખાસ તો નિકલ જેવી ધાતુની હાજરીને કારણે ટેક્ટાઇટ્સનો સંબંધ સીધો જ ઉલ્કા-પથ્થર કે ઉલ્કાશ્મ (meteorites) સાથે જોડાય છે. ઉલ્કા-પથ્થરોની જેમ, આ પિંડ આકાશમાંથી પડતા જોયાનું ઇતિહાસમાં નોંધાયું નથી.

આ બધી બાબત લક્ષમાં લઈને ટેક્ટાઇટ્સના ઉદભવ સંબંધી નીચે મુજબ અનુમાન કરવામાં આવ્યાં છે :

(1) આ પિંડ ધરતી પરના જ હોય અને ભૂતકાળની કોઈ જ્વાલામુખી-સક્રિયતા(volcanic activity)નું પરિણામ હોય,

(2) અત્યાર સુધી ન ઓળખાયેલા કોઈ નવા જ પ્રકારના ઉલ્કા-પથ્થર હોય,

(3) ચંદ્ર કે એવા કોઈ અવકાશી પિંડ પરની જ્વાલામુખી-સક્રિયતા કે જ્વાલામુખીના સ્ફોટ(eruption)ને કારણે ત્યાંથી ફંગોળાઈને પૃથ્વી પર આવી પડેલા અપાર્થિવ પિંડ હોય, કે પછી,

(4) ભૂતકાળમાં પૃથ્વી સાથે કોઈ ઉલ્કા-પથ્થર, લઘુગ્રહ કે પછી ધૂમકેતુ જેવા કોઈ અવકાશી પિંડની અથડામણની પેદાશ કે આડપેદાશ હોય.

આમાં સહુથી વધુ શક્યતા ઉલ્કા-પથ્થરની ગણાય છે.

આ રીતે ટેક્ટાઇટ્સનો સંબંધ પૃથ્વી અને ખાસ તો ચંદ્ર પરની જ્વાલામુખી-સક્રિયતા સાથે સાંકળવામાં આવે છે અને વળી ચંદ્ર પરથી તો ટેક્ટાઇટ્સને મળતા આવતા કેટલાક નાના પદાર્થો પણ મળી આવ્યા છે અને એટલે જ ટેક્ટાઇટ્સની ઉત્પત્તિ સાથે ચંદ્ર જોડાયેલો હોવાનું માનીને અને એમનો દેખાવ મણિ જેવો હોઈને તથા પૃથ્વી પર એ ઉલ્કા-પથ્થરની જેમ આવી પડેલા હોવાનું માનીને તેમને ‘ચંદ્રમણિ ઉલ્કાશ્મ’ એવું નામ આપવામાં આવ્યું છે; પરંતુ ચંદ્ર પરથી લાવવામાં આવેલા ખડકોના અભ્યાસ પરથી આ વાતનું સમર્થન થતું નથી. ઊલટાનું આ પિંડો ધરતી પરના જ હોવાના મતનું એમાં સમર્થન થાય છે. આને કારણે કેટલાક સંશોધકો, લિબિયાના રણમાંથી મળી આવતા એક પ્રકારના સિલિકા કાચ(Libyan desert glass)ની જેમ ટેક્ટાઇટ્સ પણ દુન્યવી દ્રવ્યમાંથી જ બન્યા હોવાનું માને છે.

આમ તેમના ઉદભવ અંગે ઉપર દર્શાવેલી ચાર પૈકી છેલ્લી શક્યતા સૌથી વધુ સ્વીકાર્ય બની છે અને એ મુજબ ટેક્ટાઇટ્સની ઉત્પત્તિ આ રીતે થઈ હોવાનું માની શકાય : ભૂતકાળમાં કોઈ વિશાળ ઉલ્કા-પથ્થર પૃથ્વી સાથે ટકરાયો હશે – કદાચ પૃથ્વીના જળકૃત ખડક (sedimentary rock) સાથે. આવી પ્રચંડ અથડામણ અને આઘાતને કારણે પૃથ્વીનો જે ભાગ આજે ઉલ્કા-ગર્ત (meteor-crater) તરીકે ઓળખાય છે તેવો ખાડો પડી ગયો હશે. પ્રચંડ આઘાત અને ઉદભવેલી પ્રચંડ ગરમીને કારણે પૃથ્વીના એટલા ભાગનું કેટલુંક દ્રવ્ય તથા ઉલ્કા-પથ્થરનું પોતાનું પણ કેટલુંક દ્રવ્ય પીગળીને પ્રવાહીરૂપમાં કે પછી સીધેસીધું વરાળરૂપમાં ફેરવાઈને આકાશમાં ચોમેર ફંગોળાયું હશે. વાતાવરણના ઉપલા સ્તરમાંની ઠંડીને કારણે કે એવા જ કોઈ અન્ય કારણસર આ દ્રવ્ય ઠરીને એકમેક સાથે ભળી જઈને ગઠ્ઠારૂપે પાછા પૃથ્વી પર ટેક્ટાઇટ્સરૂપે અમુક ખાસ ક્ષેત્રો કે પ્રદેશો પર વેરાયા હશે. વળી રશિયન ટેક્ટાઇટ્સ, આઇવરી કોસ્ટ ટેક્ટાઇટ્સ તથા ચેકોસ્લોવૅકિયાના ટેક્ટાઇટ્સ જ્યાંથી મળી આવે છે તેની નજીકમાં ઉલ્કા-ગર્ત પણ મળી આવ્યા છે. તેમની વય અને ટેક્ટાઇટ્સની વય વચ્ચે ઘણું સામ્ય જણાયું છે, જેથી ટેક્ટાઇટ્સની ઉત્પત્તિના આ વાદનું સમર્થન થાય છે. અલબત્ત, આ વાદના કારણે ઑસ્ટ્રેલેશિયા તથા ઉત્તર અમેરિકાના ટેક્ટાઇટ્સના ઉદભવનો ખુલાસો મળી શકતો નથી કારણકે આ બંને ક્ષેત્રોનો સંબંધ ઉલ્કા-ગર્ત સાથે પ્રસ્થાપિત થતો નથી.

સુશ્રુત પટેલ