ચંદ્રભાગા : પૌરાણિક નદી. સ્કંદપુરાણના દ્વારકામાહાત્મ્યમાં દ્વારકાક્ષેત્રમાં ગોમતી, કુશાવતી, લક્ષ્મણા, ચંદ્રભાગા અને જાંબવતી એ 5 નદીઓનો સંગમ કહેવામાં આવ્યો છે. આજની દ્વારકાની દક્ષિણ બાજુનો બરડિયા ગામ તરફથી આવતો નીચાણવાળો પટ ચંદ્રભાગા કહેવાય છે. એનો વહેળો દ્વારકા પાસે દક્ષિણમાંથી આવીને ગોમતીને લગભગ કાટખૂણે મળે છે.

પદ્મપુરાણ–ઉત્તરખંડમાં ચંદ્રભાગા સાભ્રમતીને દ્ઘીચિ ઋષિના આશ્રમ પાસે મળતી કહી છે. તે અમદાવાદના હરિજન આશ્રમ અને જૂના વાડજ વચ્ચેના રાણીપ તરફથી તેમજ નવા વાડજ તરફથી આવતા બે વાંઘાંનું બનેલું મોટું નાળું છે.

બ્રહ્માંડપુરાણમાં હિમાલયમાંથી નીકળેલી ચંદ્રભાગાનો નિર્દેશ છે. સભાપર્વમાં ચંદ્રભાગાનો નિર્દેશ છે. તે પણ વૈદિકી સરસ્વતીની પૂર્વે કહેલી હોઈ હિમાલયમાંથી નીકળેલી કહી શકાય. રાજશેખર ‘કાવ્યમીમાંસા’માં ચંદ્રભાગાનો ઉત્તરાપથની નદીઓ ગંગા, સિંધુ, સરસ્વતી, શતદ્રૂ, યમુના વગેરે સાથે ઉલ્લેખ કરે છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા પાસે વહેતી, મહારાષ્ટ્રમાં પંઢરપુર પાસે વહેતી ભીમાના એક ભાગને, અમરાવતી જિલ્લાના ગાપિલગઢ પાસે વહેતી અને પંજાબમાં ચિનાબ અને સતલજના સંગમવાળા ભાગને પણ ચંદ્રભાગા કહે છે.

ભારતી શેલત