ચંદ્રપ્રભા વટી : આયુર્વેદિક ઔષધિ.
પાઠ તથા નિર્માણ : કપૂર, વજ, મોથ, કરિયાતું, ગળો, દેવદાર, હળદર, અતિવિષ, દારુહળદર, ગંઠોડાં, ચિત્રક, ધાણા, હરડે, બહેડાં, આમળાં, ચવક, વાવડિંગ, ગજપીપર, સૂંઠ, મરી, લીંડીપીપર, સુવર્ણ માક્ષિકભસ્મ, જવખાર, સાજીખાર, સિંધાલૂણ, સંચળ અને બીડલૂણ – આ દરેક 1-1 ભાગ લેવામાં આવે છે. નસોતર, દંતીમૂળ, તમાલપત્ર, કાગદી એલચીદાણા, તજ અને વાંસકપૂર 4-4 ભાગ લઈ તથા લોહભસ્મ 8 ભાગ, સાકર 16 ભાગ, શુદ્ધ શિલાજિત 32 ભાગ અને શુદ્ધ ગૂગળ 32 ભાગ લઈ, વિધિ મુજબ તેને ખાંડી, ખરલમાં ઘૂંટીને તેની વટાણા જેવડી (200 મિગ્રા.ની) ગોળીઓ બનાવવામાં આવે છે.
માત્રા : 2થી 4 ગોળીઓ દર્દ મુજબ દિનમાં 2 વાર પાણી, દૂધ કે રોગાનુસાર અન્ય યોગ્ય અનુપાન સાથે અપાય છે.
ગુણધર્મ–ઉપયોગ : ખાસ કરી પુરુષોના તમામ વીર્યના રોગો, સ્ત્રીઓના માસિક સ્રાવનાં દર્દો; પેશાબના તમામ રોગો, સ્નાયુ-નાડીના કે માંસપેશી તથા હાડકાનાં દર્દોમાં આયુર્વેદની આ દવા વૈદ્યો દ્વારા સૌથી વધુ પ્રમાણમાં પ્રથમ પસંદગીના ઔષધ તરીકે વપરાય છે. આ દવા વાત-કફ દોષનાશક, પાચક, પિત્તશામક, બલ્ય, વૃષ્ય અને રસાયન-ઔષધિ છે. માનસિક કે શારીરિક શ્રમ કરનારા લોકોને તે વધુ લાભપ્રદ છે.
દર્દીની તાસીર, રોગનો પ્રકાર અને દેશ-કાળનો યોગ્ય વિચાર કરી આ દવા યોગ્ય અનુપાનથી નિયમિત રીતે લેવાથી 20 પ્રકારના પ્રમેહ (મૂત્રરોગો), મૂત્રકૃચ્છ્ર, મૂત્રઘાત, પથરી, પેશાબની અલ્પતા, પરમિયો, ભગંદર, પાંડુ, કમળો, હરસ-મસા, કમરપીડા, નેત્રશૂળ, હાથપગમાં કળતર કે પીડા થવી, ઉત્સાહ કે સ્ફૂર્તિની ખામી, શરીરની નબળાઈ, અપચો તથા ઝાડા-પેશાબની કબજિયાત મટે છે. પુરુષોમાં પૌરુષ ગ્રંથિનો સોજો, વીર્યસંબંધી દર્દો; જેમ કે, અલ્પ કે પાતળું વીર્ય, વીર્ય જંતુ અલ્પ હોવાં, સ્વપ્નદોષ, શીઘ્રપતન, વીર્ય ગંઠાઈને ઘટ્ટ થવું, હસ્તમૈથુનની કુટેવથી ઇંદ્રિય શિથિલ તથા નાની થવી, વધુ હસ્તમૈથુનથી આવેલી નબળાઈ જેવાં દર્દોમાં ખૂબ જ લાભપ્રદ છે. સ્ત્રીઓમાં અલ્પાર્તવ, કષ્ટાર્તવ, અત્યાર્તવ, અનિયમિત આર્તવ, અનાર્તવ, રજોનિવૃત્તિ, ગર્ભસ્રાવ, રતવા, જલદી ગર્ભ રહેવો, ગર્ભાશયની નબળાઈ, અંડવૃદ્ધિ, શ્વેતપ્રદર વગેરે રોગો માટે ચંદ્રપ્રભા વટી લોકપ્રિય ઔષધિ છે.
મધુકાન્ત ભગવાનજી પંડ્યા
બળદેવપ્રસાદ પનારા