ચંદ્રપ્રભ : જૈન ધર્મના 24 તીર્થંકરોમાંના આઠમા તીર્થંકર. તે અત્યંત પ્રાચીનકાળમાં થઈ ગયા. ભારતક્ષેત્રના ચન્દ્રપુરી નગરીના ઇક્ષ્વાકુવંશીય રાજા મહાસેનના તે પુત્ર. તેમનાં માતાનું નામ લક્ષ્મણા કે લક્ષણા હતું.

જૈન શાસ્ત્રો મુજબ વૈજયન્ત નામક દેવવિમાન(સ્વર્ગ)માંથી ચૈત્ર વદ પંચમીના દિને ચ્યવિત થઈ તે માતા લક્ષ્મણાની કુક્ષિમાં આવ્યા હતા અને પોષ વદ બારસના દિવસે ચન્દ્રપુરીમાં જ તેમનો જન્મ થયો હતો. તેમનું શરીરમાન 150 ધનુષ્યનું હતું અને વર્ણ ચન્દ્ર સમાન ગૌર હતો. અઢી લાખ પૂર્વ વર્ષો સુધી રાજકુમારપદે રહી તે પિતાની ગાદીએ આવ્યા હતા. તેમણે સાડા છ લાખ પૂર્વ અને 24 પૂર્વાંગ વર્ષો સુધી રાજ્યશાસન કર્યું હતું. તે પછી જૈન ધર્મમાં પ્રવ્રજ્યા અંગીકાર કરી આત્મસાધના શરૂ કરી હતી. તેમના દીક્ષાકલ્યાણકની તિથિ પણ પોષ વદ બારસ હતી.

તપશ્ચર્યાના અંતે તેમને ફાલ્ગુન વદ સાતમના દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમના ગણધરોની સંખ્યા 93 હતી, જેમાં પ્રથમ ગણધર દિન્ન અથવા દત્તપ્રભવ નામક હતા. તેમના શાસનમાં 2,50,000 સાધુ, 3,80,000 સાધ્વીઓ, 2,50,000 શ્રાવકો અને 4,91,000 શ્રાવિકાઓનો સમૂહ હતો. એક લાખ પૂર્વમાં ચોવીસ પૂર્વાંગ ઓછા એટલા સમય સુધીના દીક્ષા પર્યાય પાળી તે ભાદ્રપદ વદ સાતમના દિને સમ્મેતશિખર પર્વત પર નિર્વાણ પામ્યા હતા. તેમનું કુલ આયુ 10,00,000 પૂર્વ વર્ષોનું હતું. તેમનું લાંછન (ઓળખચિહન) ચન્દ્ર છે.

રમણિકભાઈ મ. શાહ