ચંદ્રચૂડ ધનંજય (જ. 11 નવેમ્બર 1959, મુંબઈ, મહારાષ્ટ્ર) : ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ.
માતા પ્રભા ચંદ્રચૂડ શાસ્ત્રીય સંગીતમાં માહિર હતાં. પિતા યશવંત ચંદ્રચૂડ કાનૂનના મહારથી. ધનંજય ચંદ્રચૂડે મુંબઈના કેથેડ્રેલ અને જ્હોન કેનન શાળામાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું. દિલ્હીસ્થિત સેન્ટ કોલંબિયા સ્કૂલમાં અભ્યાસ આગળ વધાર્યો. ત્યાર બાદ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરવા માટે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં પ્રવેશ લીધો. 1979માં અર્થશાસ્ત્રમાં બી.એ. ઓનર્સની ડિગ્રી મેળવી. 1982માં દિલ્હી યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી. ત્યાર બાદ આગળનો અભ્યાસ કરવા અમેરિકા ચાલ્યા ગયા. 1983માં હાર્વર્ડ લો સ્કૂલમાંથી કાનૂનમાં એલએલ.એમ.ની ડિગ્રી મેળવી. ત્યાર પછી હાર્વર્ડ લો સ્કૂલમાંથી જ ન્યાયશાસ્ત્રમાં ડૉકટરેટની પદવી પ્રાપ્ત કરી.
ભારતીય ન્યાયપાલિકાના ઇતિહાસમાં પિતા અને પુત્ર બન્ને ભારતના મુખ્ય ન્યાયાધીશ બન્યા હોય તેનું એકમાત્ર ઉદાહરણ એટલે યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ અને ધનંજય યશવંત ચંદ્રચૂડ. યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ ભારતના 16મા મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. તેઓ 22 ફેબ્રુઆરી 1978થી 11 જુલાઈ 1985ના રોજ સેવાનિવૃત્ત થયા ત્યાં સુધીના 7 વર્ષ અને 4 મહિનાના અરસા માટે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યરત રહ્યા હતા. ભારતના ઇતિહાસમાં દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે સૌથી લાંબા સમય સુધી તેમણે ફરજ બજાવી હતી. તેમના પુત્ર ધનંજય યશવંત ચંદ્રચૂડ ભારતના 50મા ન્યાયાધીશ બન્યા છે 13 મે 2016ના ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશ તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. ત્યાર બાદ 9 નવેમ્બર 2022ના ધનંજય ચંદ્રચૂડે ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. ચંદ્રચૂડનો મુખ્ય ન્યાયાધીશ તરીકેનો કાર્યકાળ તેમની સેવાનિવૃત્તિના દિવસ 10 નવેમ્બર 2024 સુધીનો રહેશે. પહેલી પત્ની રશ્મિનું 2007માં મૃત્યુ થયા પછી ધનંજય ચંદ્રચૂડે કલ્પના દાસ સાથે લગ્ન કર્યાં છે. સંવેદનશીલ ચંદ્રચૂડે બે દિવ્યાંગ દીકરીઓ માહી અને પ્રિયંકાને દત્તક લીધી છે. પહેલી પત્નીથી થયેલા તેમના બે દીકરા અભિનવ અને ચિંતને પિતાને પગલે ચાલીને કાનૂનના ક્ષેત્રમાં કારકિર્દી કંડારી છે. ચંદ્રચૂડ પરિવારની ત્રણ ત્રણ પેઢી ન્યાયક્ષેત્ર સાથે જોડાયેલી છે.
દરમિયાન, ધનંજય ચંદ્રચૂડની કાનૂની કારકિર્દીનો આરંભ થઈ ચૂક્યો હતો. દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની સાથે તેમણે કેટલાક સમય માટે વકીલો અને ન્યાયાધીશોની સહાય કરતા જુનિયર વકીલ તરીકે કામગીરી કરેલી. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યા બાદ ચંદ્રચૂડે સૌથી પહેલાં અમેરિકન લૉ ફર્મ સુલિવન અને ક્રોમવેલમાં થોડાક સમય માટે કામ કર્યું. ત્યાર બાદ ચંદ્રચૂડ અમેરિકાથી ભારત પાછા ફર્યા. પરત આવ્યા બાદ ચંદ્રચૂડે મુંબઈ ઉચ્ચ અદાલત અને સર્વોચ્ચ ન્યાયાલયમાં વકીલ તરીકે પ્રૅક્ટિસ શરૂ કરી. જૂન 1998માં મુંબઈ ઉચ્ચ અદાલત દ્વારા ચંદ્રચૂડને સીનિયર એડવોકેટ તરીકે નામનિયુક્ત કરાયું. સીનિયર એડવોકેટ તરીકે તેમણે કેટલીક જનહિત યાચિકાઓ, બંધુઆ મહિલા શ્રમિકોના અધિકાર, એચઆઈવી પૉઝિટિવ શ્રમિકોના અધિકાર તથા ધાર્મિક અને ભાષાકીય રીતે લઘુમતી દરજ્જો ભોગવતા લોકોના અધિકારો સાથે જોડાયેલા કેટલાયે મહત્ત્વપૂર્ણ મામલાઓમાં રજૂઆત કરેલી. ચંદ્રચૂડે ભારતીય રિઝર્વ બૅન્ક, પૉર્ટ ટ્રસ્ટ, નગર નિગમો અને વિશ્વવિદ્યાલયોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1998માં ચંદ્રચૂડને ભારતના અતિરિક્ત સૉલિસિટર જનરલના પદે પણ નિયુક્ત કરાયા હતા. તેમણે અમેરિકામાં ઓકલાહોમા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લૉ અને મુંબઈ યુનિવર્સિટીમાં અતિથિ પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યું છે. ઉપરાંત દેશવિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો આપ્યાં છે.
29 માર્ચ 2000ના મુંબઈ ઉચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે તેમની નિયુક્તિ કરાઈ. ચંદ્રચૂડે 13 વર્ષ સુધી આ પદનો કાર્યભાર સંભાળ્યો. આ ગાળામાં તેઓ મહારાષ્ટ્ર જ્યુડિશિયલ એકૅડેમીના ડાયરેક્ટરપદે પણ કાર્યરત રહ્યા. 31 ઑક્ટોબર 2013ના અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે ધનંજય ચંદ્રચૂડની નિયુક્તિ કરવામાં આવી. 3 વર્ષ સુધી તેઓ આ હોદ્દે કાર્યરત રહ્યા. ત્યાર બાદ 13 મે 2016ના ચંદ્રચૂડને માનનીય સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 6 વર્ષ સુધી સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે સેવારત રહ્યા બાદ ચંદ્રચૂડ ભારતના મુખ્ય ન્યાયાધીશ બન્યા. 8 નવેમ્બર 2022ના રોજ ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશપદેથી ન્યાયમૂર્તિ ઉમેશ લલિત સેવાનિવૃત્ત થયા. ત્યાર પછી 9 નવેમ્બર 2022ના દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડે શપથ લીધા.
ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડને પોતાના કામ પ્રત્યે બેહદ લગાવ છે. તેઓ ફરજ પ્રત્યેના વળગણ માટે ન્યાયજગતમાં જાણીતા છે. 30 સપ્ટેમ્બર 2022ના દશેરાની રજાઓ પહેલાં 75 મામલાઓની સુનાવણી કરવા માટે ન્યાયાધીશ ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળ એક પીઠ બની હતી. આ પીઠે અદાલતના કામકાજના કલાકો કરતાં લગભગ પાંચ કલાક વધુ સમય કાર્યરત રહીને રાતના 9 ને 10 મિનિટ સુધી કામગીરી કરી હતી. 2022ના વર્ષમાં તેઓ કાનૂની સેવા પ્રાધિકરણના કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા. તેમણે ભારતની સર્વોચ્ચ અદાલતની ઈ-સમિતિના અધ્યક્ષ તરીકે પણ કાર્ય કર્યું છે.
અસહમતીને લોકતંત્રના સેફટી વાલ્વ જણાવતા ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડ પોતાના કાર્યકાળમાં કેટલીયે સંવિધાન પીઠ અને ઐતિહાસિક ચુકાદાઓ આપનારી સર્વોચ્ચ ન્યાયાલયની પીઠોના હિસ્સા રહ્યા છે. તેમણે આપેલા ચુકાદામાં 24 ઑગસ્ટ 2017ના વ્યભિચાર અને નિજતાના અધિકારને મૌલિક અધિકાર ગણાવતા સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક ચુકાદાનો સમાવેશ થાય છે. આ ચુકાદો 9 ન્યાયાધીશની સર્વોચ્ચ અદાલતની સંવિધાન પીઠે સર્વસંમતિથી આપ્યો હતો. છતાં આ ચુકાદાને લઈને સૌથી વધુ ચર્ચા પીઠમાં સામેલ ન્યાયમૂર્તિ ચંદ્રચૂડના નામની થઈ હતી, કારણ કે આ ચુકાદો આપીને તેમણે તેમના પિતા ન્યાયમૂર્તિ યશવંત ચંદ્રચૂડે આપેલા ચુકાદાને પલટાવી દીધો હતો. આવા જ અન્ય ચુકાદામાં ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે પિતા ન્યાયમૂર્તિ યશવંત ચંદ્રચૂડે આપેલા ‘કટોકટીના કાળમાં નાગરિકના મૌલિક અધિકારને રદ કરી શકાય છે’ એવા ચુકાદાને પલટાવીને રાઇટ ટુ પ્રાઇવસીના અધિકારને બહાલી આપી હતી. સપ્ટેમ્બર 2018માં સર્વોચ્ચ અદાલતે સમલૈંગિકતાને અપરાધથી મુક્ત કરવા માટે ધારા 377 વાંચી ત્યારે ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે તેની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રત્યેક વ્યક્તિને તેણે કોની સાથે પ્રેમ કરવો છે અને કોની સાથે રહેવું છે તેનો નિર્ણય કરવાનો પૂરેપૂરો અધિકાર છે. કોઈ વ્યક્તિ સમલૈંગિક વ્યક્તિ સાથે જીવવા ઇચ્છે તો તેવો ફેંસલો કરવા તે સ્વતંત્ર છે. આપણે તેની સ્વતંત્રતાનો અધિકાર છીનવી શકીએ નહીં.
સ્ત્રીઓના અધિકારોનું સમર્થન કરતા ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની તરફેણમાં હતા. 28 સપ્ટેમ્બર 2018ના સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ઇન્દુ મલ્હોત્રાના વિરોધી મત સાથે 4-1ના બહુમતથી સંભળાવેલા ચુકાદામાં કહેલું કે, મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની પ્રથા મહિલાઓના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. ઉપરાંત આ પ્રકારના પ્રતિબંધથી સ્વાયત્તતા, સ્વતંત્રતા અને ગરિમાના આદર્શો પર પ્રતિકૂળ અસર થાય છે. 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ ગેરબંધારણીય ગણાવીને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ. એ. ખાનવિલકર, ન્યાયમૂર્તિ રોહિન્ટન નરીમાન અને ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે મહિલાઓના મંદિરપ્રવેશનું સમર્થન કર્યું હતું. તેમણે કહેલું કે, ‘અદાલતે અધિકારો અને સુરક્ષાના સમાન ધારકો તરીકે મહિલાઓની ગરિમા સંબંધી દાવાને બંધારણીય સંરક્ષણ આપવું જોઈએ. શું બંધારણ મહિલાઓને પૂજાના અધિકારથી વંચિત કરે છે? શું મહિલાઓને ધાર્મિક પૂજાથી બહિષ્કૃત કરવાનો કોઈને અધિકાર મળે છે ? મહિલાઓને મંદિરપ્રવેશથી વંચિત રાખવી એ સમાન નાગરિકતા માટે અપમાનજનક છે.’
ન્યાયમૂર્તિ ચંદ્રચૂડની અધ્યક્ષતામાં બનેલી બેન્ચે મહિલાઓ સંદર્ભે આપેલો અન્ય મહત્ત્વનો ચુકાદો ગર્ભપાતસંબંધી હતો. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ એ .એસ. બોપન્ના અને ન્યાયમૂર્તિ જે .બી. પારડીવાલાની પીઠે મહિલાના પ્રજનન સ્વાયત્તતા, ગરિમા અને નિજતાના અધિકારની હિમાયત કરીને કહેલું કે, ‘તમામ સ્ત્રીઓ, ચાહે તે વિવાહિત હોય કે અવિવાહિત, ગર્ભાવસ્થાના 24 સપ્તાહ સુધી સુરક્ષિત અને કાનૂની રીતે ગર્ભપાતના લાભની હકદાર છે.’ ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે વૈવાહિક બળાત્કારને અપરાધ તરીકેની માન્યતા આપી હતી. સર્વોચ્ચ અદાલતે માન્યું હતું કે, ‘પુરુષ દ્વારા પત્ની પર કરાતો યૌન હુમલો બળાત્કારનું સ્વરૂપ લઇ શકે છે.’ અને મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપ્યો હતો. ત્યાર બાદ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ અજય રસ્તોગીએ આપેલા ઐતિહાસિક ચુકાદામાં ભારતીય સશસ્ત્ર બળો અને ભારત સરકારને કમાન્ડ પોસ્ટિંગ સહિત સશસ્ત્ર બળોમાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવાનો નિર્દેશ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘પુરુષ જ મુખ્ય અને સર્વોપરિ છે તથા મહિલાઓ પ્રાથમિક સારસંભાળ રાખનારી છે’, એવી રૂઢિચુસ્ત વિચારસરણીને દૂર કરવાની જરૂર છે. સેનામાં સાચી સમાનતા લાવવા માટે માનસિકતા બદલવાની જરૂર છે.’ હાદિયા મામલા તરીકે જાણીતા અન્ય મહત્ત્વપૂર્ણ ચુકાદામાં ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે વયસ્ક મહિલાના સ્વાયત્તતાના અધિકાર અને લગ્ન તથા ધર્મના વિકલ્પ અંગે નિર્ણય લેવાની સ્વતંત્રતા હોવાનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ધર્મ અને જીવનસાથીની પસંદગી કરવાનો વયસ્ક મહિલાને અધિકાર છે. તેમણે એ બાબતનું પુનરાવર્તન કર્યું હતું કે, ‘લગ્ન અને ધર્મ અંગે નિર્ણય લેવાનો એક વયસ્કનો અધિકાર તેની નિજતાના ક્ષેત્રમાં આવે છે.’ આ પ્રકારના ચુકાદાઓને પગલે ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડ મહિલા અધિકારોના હિમાયતી તરીકે જાણીતા થયા છે.
સૌમ્ય ચહેરો અને સરળ વ્યક્તિત્વ ધરાવતા ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડે ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ મહત્ત્વના ચુકાદાઓ આપ્યા છે. કોમળ હૃદયના ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડ કઠોર ચુકાદા આપવા માટે જાણીતા બન્યા છે.
ટીના દોશી