ચંદ્રચૂડ, યશવંત વિષ્ણુ

January, 2012

ચંદ્રચૂડ, યશવંત વિષ્ણુ (જ. 12 જુલાઈ 1920, પુણે, મહારાષ્ટ્ર; અ. 14 જુલાઈ 2008, મુંબઈ, મહારાષ્ટ્ર) : ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (1978–1985) તથા ઇન્ડિયન લૉ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ. પ્રાથમિક, માધ્યમિક અને બી.એ.; એલએલ.બી. સુધીનું ઉચ્ચ શિક્ષણ પુણે ખાતે. કાયદાશાખાની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે તેમને સુવર્ણચંદ્રક અને સ્પેન્સર પ્રાઇઝ તથા કાંગા સ્કૉલરશિપ અને સર મંગળદાસ નાથાભાઈ સ્કૉલરશિપ મળેલ. તેમના પિતા તથા કાકા પુણેમાં તથા તેમના સસરા નામે યેરવડેકર વકીલાતના વ્યવસાયમાં નામના ધરાવતા હતા. તેમના કાકાની ઇચ્છાને માન આપી તેમણે મુંબઈ હાઈકોર્ટમાં અપેલિટ સાઇડમાં 1943માં દીવાની તેમજ ફોજદારી અપીલોના કામમાં વકીલાત શરૂ કરી. સાથોસાથ 1949માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાં અધ્યાપક નિમાયા અને 1952 સુધી ત્યાં પ્રોફેસર તરીકે કામગીરી બજાવી. 1952માં તે અધિક મદદનીશ સરકારી વકીલ નિમાયા અને 1956માં મદદનીશ સરકારી વકીલ બન્યા. 1958માં મુંબઈ હાઈકોર્ટના સરકારી વકીલ તરીકે તેમની નિમણૂક થઈ. આહુજા ખૂન કેસમાં ગ્રેટર મુંબઈના ન્યાયાધીશ આર. બી. મહેતાએ કેસના આરોપી કમાન્ડર નાણાવટી સામે જૂરીએ ગુનેગાર નથી (not guilty) એવો ચુકાદો આપ્યો તેની સાથે પોતે અસંમત થઈ આરોપી ગુનેગાર છે તેવો અભિપ્રાય આપી ક્રિ.પ્રો.કો.ની કલમ 307(3) અંગે રેફરન્સ કર્યો. હાઈકોર્ટમાં જે. એમ. શેલત અને નાઈક આ બે ન્યાયાધીશોની બનેલી ખંડપીઠ સમક્ષ એક મહિનાથી વધારે દિવસ આ કેસ ચાલ્યો. તેમાં સરકાર પક્ષે ચંદ્રચૂડે સતત 20 દિવસ કેસનાં અનેક પાસાં ઉપરાંત જૂરી પ્રથાની નિષ્ફળતા અંગે સચોટ અને માર્મિક દલીલો કરી હતી. કમાન્ડર નાણાવટીના ધારાશાસ્ત્રી એ. એસ. આર. ચારીએ તહોમતદાર નિર્દોષ હોવાનું સાબિત કરતી સચોટ અને તાર્કિક દલીલો કરી હતી. ખંડપીઠના બંને ન્યાયમૂર્તિઓએ પોતાના જુદા જુદા ચુકાદા આપ્યા હતા. ન્યાયમૂર્તિ શેલતના મતે આરોપી ગુનેગાર હોવાનો અને ન્યાયમૂર્તિ નાઈકના મતે તે નિર્દોષ હોવાનો ચુકાદો આવ્યો હતો. આ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ અને ન્યાયમૂર્તિ એસ. કે. દાસ, કે. સુબા રાવ અને રઘુબર દયાળની બેંચે કમાન્ડર નાણાવટીને ગુનેગાર ઠરાવી જન્મટીપની સજા કરી. આ કેસની ફલશ્રુતિ તરીકે ક્રિ. પો. કોડમાં સુધારો કરી જૂરી પ્રથાનો અંત લાવવામાં આવ્યો હતો.

યશવંત ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટમાં 28 ઑગસ્ટ 1972ના રોજ ન્યાયાધીશ તરીકે નિમાયા અને 22 ફેબ્રુઆરી 1978થી 12 જુલાઈ 1985 સુધી મુખ્ય ન્યાયાધીશ તરીકે રહ્યા. કટોકટી દરમિયાન બંધારણીય હક અંગે શ્રીકાંત શુક્લ વિ. ડિસ્ટ્રિક્ટ મૅજિ. જબલપુરને લગતા ‘હેબિયસ કૉર્પસ’ રીટ અંગેના મુકદ્દમામાં બહુમતી ચુકાદામાં તેમણે બંધારણની કલમ 21 નીચે નાગરિકોના હક અંગે ચુકાદો આપ્યો હતો જેની ન્યાયવિદ્ એચ. એમ. સિરવાઈએ તેમના બંધારણ અંગેના પુસ્તકમાં આકરી ટીકા કરી હતી. પાછળથી ચંદ્રચૂડે પોતે સ્વીકાર્યું હતું કે જીવવાના અધિકાર ઉપરાંત અટકાયતીઓના હક અંગે કટોકટી દરમિયાન તેમણે આપેલા ચુકાદામાં લીધેલ અભિગમ સર્વથા સાચો હતો એમ કહી શકાય નહિ.

1978થી ઇન્ડિયન લૉ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખપદે પણ તેમણે કામ કર્યું છે. તે અંગ્રેજી ભાષા ઉપર અદભુત વર્ચસ્ તથા સંગીત અને સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે.

ઘનશ્યામ પંડિત